ફાયર સેફ્ટી નિયમોને અમલમાં મૂકવા આચારસંહિતાનું કારણ ન આપો હાઇ કોર્ટ
મુંબઈ: ફાયર સેફ્ટી નિયમોને અમલમાં મૂકવા માટે માટે તેને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કંટ્રોલ પ્રમોશન રેગ્યુલેશન્સ (ડીસીપીઆર)માં સમાવેશ કરવામાં આવે તે માટેની અંતિમ સૂચના 20 મે પછી બહાર કાઢવાની પરવાનગી આપવામાં માટે રાજ્ય સરકારે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે શુક્રવારે હાઈ કોર્ટે રાજ્ય સરકારની આ અરજીને ફગાવી દીધી હતી. આ સાથે લોકસભા ચૂંટણીની આચારસંહિતા કોઈ જાહેરનામું બહાર પડવાથી રોકી શકે નહીં અને બહાનું આપી સમયની માગણી કરવા બાબતે કોર્ટે સરકારને ઠપકો આપ્યો હતો.
લોકસભાની ચૂંટણીને લીધે 20 મે સુધીમાં ફાયર સેફ્ટીના નિયમોના અમલીકરણ માટેની સૂચના બહાર પાડવી મુશ્કેલ છે જેથી ચૂંટણી બાદ તેને બહાર પાડવામાં આવે, એવું સરકારી પક્ષના વકીલે કહ્યું હતું. આ દલીલ બાદ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ચૂંટણીનું કારણ નહીં આપી શકાય એવો આદેશ કોર્ટે આપ્યો હતો.
મુંબઈમાં 26/11ના હુમલા બાદ રાજ્ય સરકાર દ્વારા શહેરની દરેક ઇમારતોની ફાયર સેફ્ટી અને આવી ઘટનાને લીધે મોટી જાનહાનિને ટાળવા માટે 2009માં એક ફોર્મેટ સૂચના બહાર પાડવામાં આવી હતી, પણ તે અંગે હજી સુધી કોઈ પણ અંતિમ સૂચના ન આપવામાં આવતા એક વકીલે જનહિતની અરજી અદાલતમાં દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી નિયમોને ડીસીપીઆરમાં સમાવેશ કરવા માટેની અંતિમ સૂચનાને 20 મે પછી જાહેર કરવાની મંજૂરી મળે એવી માગણી કરી હતી. જોકે કોર્ટે આ માગણીને ફગાવીને 20 મે સુધીમાં સૂચના બહાર પાડવામાં આવે એવો આદેશ સરકારને આપ્યો હતો.