અભિનેત્રી મધુબાલાની બાયોપિકમાં આ અભિનેત્રી ભજવી શકે છે લીડ રોલ, જાણો કોણ છે તે…
મુંબઈ: હિન્દી ફિલ્મ જગતની મોસ્ટ આઇકોનિક અભિનેત્રી મધુબાલા (Madhubala Biopic)ના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર 14 વર્ષની ઉંમરે ફિલ્મ ‘બસંતી’થી ફિલ્મ કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી મધુબાલા આજે પણ ચાહકોના દિલમાં રાજ કરે છે. તાજેતરમાં મધુબાલાની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે, પણ ફિલ્મમાં મધુબાલાનો રોલ કોણ ભજવશે એ બાબતને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
60 કરતાં વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મધુબાલાએ ‘મુગલ-એ-આઝમ’, ‘હાવડા બ્રિજ’, ‘કલા પાની’ અને ‘ચલતી ક નામ ગાડી’ નામની અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. ભારતની આવી આઇકોનિક અભિનેત્રીના જીવનને હવે મોટા પડદા પર રીલીઝ કરવાની જહેરાત કરવામાં આવતા ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલિયા ભટ્ટ અને વિજય વર્માની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ની ડિરેક્ટર જાસ્મીત કે. રીન મધુબાલાની બાયોપિકને ડિરેક્ટ કરશે એવી જાહેરાત ફિલ્મના પ્રોડકશન હાઉસ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે ફિલ્મનું પોસ્ટર પર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.
મધુબલાના જીવન પર આધારિત ફિલ્મમાં મધુબલાનું પાત્ર કોણ ભજવશે એ બાબતને અંગે લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મની પોસ્ટ પર લોકોએ અભિનેત્રીઓના નામનું અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે. લોકોએ અલિયા ભટ્ટ અને ‘બાહુબલી’ ફેમ અનુષ્કા શેટ્ટી મધુબલાના પાત્ર માટે પરફેક્ટ છે એવું કહ્યું હતું. આ બધી ચર્ચા વચ્ચે અભિનેત્રી મૃણાલ ઠાકુરનું નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું.
થોડા સમય પહેલા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા મધુબાલાના જીવન પર એક ફિલ્મ બનાવવાના છે એવી અફવા હતી, પણ 2022માં મધુબાલાની બહેન મધુર ભુષણ તેમના જીવન પર ફિલ્મ બનાવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ આ ફિલ્મની શૂટિંગ આ વર્ષે ઉનાળામાં શરૂ થવાની છે એવી ચર્ચા છે.