સૂરજ ચવ્હાણની 88.51 લાખ રૂપિયાની મિલકતને ટાંચ
મુંબઈ: કોવિડ-19 મહામારી દરમિયાન મુંબઈમાં જરૂરિયાતમંદોને ‘ખીચડી’ના વિતરણમાં કથિત ગેરરીતિ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) શિવસેનાના ઠાકરે જૂથના પદાધિકારી સૂરજ ચવ્હાણની 88.51 લાખ રૂપિયાની સ્થાવર મિલકતને ટાંચ મારી હતી.
ઈડીની મુંબઈ ઝોનલ ઑફિસ દ્વારા ચવ્હાણની ટાંચ મારવામાં આવેલી મિલકતોમાં મુંબઈના એક ફ્લૅટ અને રત્નાગિરિ જિલ્લામાં આવેલી કૃષિ જમીનનો સમાવેશ થાય છે. પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ ચવ્હાણની માલિકીની આ અસ્ક્યામતોને ટાંચમાં લેવાઈ હોવાનું ઈડી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.
ચવ્હાણ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (યુબીટી) જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યનો નિકટવર્તી મનાય છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની પ્રાથમિક તપાસને આધારે આ મામલે આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. આર્થિક ગુના શાખાની તપાસમાં મની લોન્ડરિંગનું પાસું બહાર આવતાં ઈડીએ તપાસ હાથ ધરી હતી. મની લોન્ડરિંગના પ્રકરણમાં 17 જાન્યુઆરીએ ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે અદાલતી કસ્ટડીમાં છે. (પીટીઆઈ)