ચૂંટણી કમિશનરનો અંદાજ-એ- બયાંઃ માહિતી આપતા રહીમનો દૂહો અને બશીર બદ્રની શાયરી પણ કહી
અમદાવાદઃ ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે નવી દિલ્હી ખાતે પ્રેસ કૉન્ફરન્સ દ્વારા આવનારી સમાન્ય ચૂંટણીઓ તેમ જ તેની સાથે યોજાનારી પેટાચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ખૂબ લાંબી ચાલેલી આ કૉન્ફરન્સમાં કમિશનરે ઘણી માહિતી આપી હતી અને ચૂંટણી પંચ કઈ રીતે આટલી મોટી અને જટિલ ગણાતી ચૂંટણીનું આયોજન કરશે તે અંગે પણ જણાવ્યું હતું.
કમિશનરે રાજકીય પક્ષોને પણ ભાષણો સમયે સંયમ જાળવવાની સલાહ આપી હતી. ચૂંટણી પંચ નેતાઓ દ્વારા બોલવામાં આવતી બાબતોને પણ સ્ક્રુટીનાઈઝ કરતા હોય છે અને કોઈ અસ્વીકાર્ય નિવેદનો ન બોલવામાં આવે તેનું ધ્યાન રાખતા હોય છે. આ વાત કરતા સમયે કમિશનરે બે વાર પોતાનો શાયરાના અંદાજ બતાવ્યો હતો. તેમાં તેમણે એક તો રહીમનો દુહો કહ્યો હતો. रहिमन धागा प्रेम का, मत तोरो चटकाय. टूटे पे फिर ना जुरे, जुरे गाँठ परी जाय. જેનો અર્થ થાય છે કે પ્રેમના દોરે આપણે બંધાયેલા છે તે તૂટવો ન જોઈએ. તૂટે ને તેને ફરી બાંધીએ ત્યારે ગાઠ પડી જાય છે. જ્યારે બીજી વાર તેમણે બશીર બદ્રની શાયરી કહી હતી.
दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे , जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों . તેમણે આ શાયરી કહી ત્યારે હાજર તમામે તાળીઓ વગાડી હતી. ત્યારબાદ કમિશનરે કહ્યું હતું કે આજકાલ ગમે ત્યારે દુશ્મની અને ગમે ત્યારે દોસ્તી થતી જોવા મળે છે.
કમિશનરે જણાવ્યું હતું કે અમે હિમાલયની બર્ફીલી પહાડીઓથી માંડી સિક્કીમના જંગલોની અંદર જઈ મતદાનની વ્યવસ્થા કરીએ છીએ ત્યારે મતદારોએ સો ટકા મતદાન કરી પોતાની ફરજ બજાવવી જોઈએ. ચૂંટણી પંચે આપેલા આંકડા અનુસાર દેશમાં 97 કરોડ મતદાર છે. જેમાં પહેલીવાર મત કરનારાની સંખ્યા એક કરોડ કરતા વધારે છે.