રાજ્યના લાખો શિક્ષકોના નામ પહેલાં હવે ઉમેરાશે આ ખાસ નવી ઓળખ…
મુંબઈ: જે રીતે ડોકટરના નામની આગળ Dr., વકીલના નામની આગળ Ad. લગાવવામાં આવે છે એ જ રીતે હવે રાજ્યના શિક્ષકોના નામની આગળ પણ Tr. લગાવવામાં આવશે. શિક્ષકોના આ નવી ઓળખ આપવાનો નિર્ણય શિક્ષણ ખાતા દ્વારા લેવામાં આવ્યો છે અને શિક્ષકોના નામની આગળ Tr. ઉમેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શિક્ષકોના નામની આગળ અંગ્રેજીમાં Tr. જ્યારે અન્ય ભાષામાં ટી એવો શબ્દ ઉમેરવામાં આવશે. રાજ્યના શિક્ષણ ખાતાના આ નવા નિયમને કારણે રાજ્યના લાખો શિક્ષકોને નવી જ ઓળખ મળવા જઈ રહી છે. આ સિવાય નામની આગળના આ વિશિષ્ટ શબ્દોને કારણે તેમના માન સન્માનમાં વૃદ્ધિ તો થશે જ પણ તેમના પ્રોફેશનને જાણવામાં પણ મદદ મળી રહેશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
નામની આગળ Tr લગાવવા સિવાય રાજ્યના શિક્ષકો માટે એક નવી યુનિફોર્મ પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. પરિણામે શાળામાં શિક્ષકો કેવા પ્રકારના પોશાક પહેરવો એ સંબંધિત એક નિયમાવલી પણ બહાર પાડવામાં આવી છે. શાળાના તમામ શિક્ષકોને એક જેવો જ યુનિફોર્મ ડ્રેસ પહેરવો એવું આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. યુનિફોર્મ કયા કલરનો હશે એનો નિર્ણય શાળાએ લેવો એવું પણ આ પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
માત્ર કપડાં જ નહીં પણ શાળામાં શિક્ષકોએ કેવા ચંપલ પહેરવા જોઈએ એ માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
રાજ્યના શિક્ષણ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી આ નવી નિયમાવલીમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા શિક્ષકોને સાડી, ચુડીદાર, કુર્તા અને દુપટ્ટાવાળા ડ્રેસ જેવા ભારતીય પોશાક પહેરીને શાળામાં આવવું પડશે જ્યારે પુરુષોએ શર્ટ અને ટ્રાઉઝર પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પુરુષ શિક્ષકોએ શર્ટ ટ્રાઉઝરમાં ઈન કરવું પડશે. આ સિવાય શિક્ષકોએ શાળામાં કેવા શૂઝ પહેરીને આવવું એ અંગે પણ નિયમ નક્કી કરવામાં આવ્યા છે.