નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગાયિકા અનુરાધા પૌડવાલની રાજકીય કારકિર્દીનો આરંભ, ભાજપમાં થયા સામેલ

પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. તે આજે બપોરે 1.15 કલાકે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. અનુરાધા પૌડવાલ એવા સમયે ભાજપમાં જોડાઈ રહ્યા છે જ્યારે દેશમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ આજે જ કેટલાક રાજ્યોમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અનુરાધા પૌડવાલે કહ્યું હતું કે, “હું ખુશ છું કે હું એવી સરકારમાં જોડાઈ રહી છું જેનો સનાતન (ધર્મ) સાથે ઊંડો સંબંધ છે. એ મારું સદ્ભાગ્ય છે કે હું આજે ભાજપમાં જોડાઈ રહી છું.”

અનુરાધા પૌડવાલ લોકપ્રિય ગાયિકા છે. તેઓ 90ના દાયકામાં તેમની ભક્તિના ગીતોને કારણે લોકપ્રિયતાના શિખરે બિરાજતા હતા. હાલમાં તેમની ઉંમર 69 વર્ષની છે. તેમના લગ્ન 1969માં અરુણ પૌડવાલ સાથે થયા હતા, જેઓ એસડી બર્મનના સહાયક અને સંગીતકાર હતા. તેમને બે બાળકો છે, પુત્ર આદિત્ય અને એક પુત્રી કવિતા. તેમના પુત્રનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. અનુરાધા પૌડવાલના પતિનું વર્ષ 1991માં અવસાન થયું હતું.

તે જ સમયે દેશના ચૂંટણી સિનારિયોની વાત કરીએ તો આ વખતે વિપક્ષી દળોએ લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો મુકાબલો કરવા માટે ‘ઇન્ડિયા’ ગઠબંધન બનાવ્યું છે. તેમના આ ગઠબંધનમાં બે ડઝનથી વધુ વિપક્ષી દળો છે. જ્યારે NDAમાં લગભગ 40 પક્ષો જોડાયા છે. NDA પાસે હાલમાં 350થી વધુ સાંસદો છે. જ્યારે ઈન્ડિયા બ્લોકમાં લગભગ 150 સાંસદો છે. જોકે, અમુક રાજ્યોમાં ઈન્ડિયા બ્લોકને ફટકો પણ પડ્યો છે, કારણ કે ત્યાંની પાર્ટીઓએ એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. ઉદાહરણ તરીકે, મમતા બેનરજીની ટીએમસી ઇન્ડિયા બ્લોકનો ભાગ છે, પરંતુ ટીએમસી પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે.

2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. ચૂંટણી પંચ (ECI) આજે (16 માર્ચ) લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. શનિવારે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે. લોકસભા ચૂંટણી 2019માં 7 તબક્કામાં યોજાઈ હતી. આ વખતે પણ એવું માનવામાં આવે છે કે સામાન્ય ચૂંટણી 6 કે 7 તબક્કામાં જ યોજાશે. લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button