નેશનલ

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDનો સપાટો, BRS નેતા કે. કવિતાની પણ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે. આપના નેતાઓ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, અને સંજય સિંહ બાદ હવે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરી લીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે દિલ્હી લિકર પોલિસી મુદ્દાને લગતા કથિત મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના MLC કવિતાના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને સર્ચ હાથ ધર્યું હતું, જેના પગલે તેમની અટકાયત કરવામાં આવી હતી અને હવે તપાસ એજન્સીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બે સમન્સ બાદ પણ કવિતા પૂછપરછમાં સામેલ ન થતાં એજન્સીએ આ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનિય છે કે BRS નેતા કે. કવિતા સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને 16 જાન્યુઆરીએ આ કેસમાં પૂછપરછના નવા રાઉન્ડ માટે ED સમક્ષ હાજર થયા ન હતા. ગયા વર્ષે આ કેસમાં તેમની ત્રણ વખત પૂછપરછ કરવામાં આવી હતી અને કેન્દ્રીય એજન્સીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધ્યું હતું. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એમએલસી કવિતાએ અગાઉ કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને આરોપ મૂક્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર EDનો દુરપયોગ કરી રહી છે કારણ કે ભાજપ પાછલા દરવાજેથી તેલંગાણામાં પ્રવેશ કરી શકતી નથી.

દિલ્હી લિકર પોલિસી કેસના એક આરોપી અમિત અરોરાની ઈડીની પૂછપરછ દરમિયાન BRS નેતા કે. કવિતાનું નામ ખુલ્યું હતું. આ પછી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે સાઉથ ગ્રૂપ નામની એક લિકર લોબી હતી, જેણે અન્ય આરોપી વિજય નાયર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓને 100 કરોડ રૂપિયા સુધીની ચૂકવણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button