વીક એન્ડ

દરેક મકાન માટે પ્રશ્ર્નો પુછાવા જોઈએ

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

પીઝાના પિરામિડની રચના વખતે શ્રમિક વર્ગ પર કેટલો જુલમ થયો હશે અને કેટલી વ્યક્તિઓ તેના બાંધકામ વખતે અકસ્માતે મૃત્યુ પામ્યા હશે, તે વિશે વાત ભાગ્યે જ થાય છે. વળી તેમાં વપરાયેલા પથ્થર એક જ વ્યક્તિની પરલોક યાત્રા સરળ બનાવવા માટે વાપરવાને બદલે તેનાથી જનસમુદાયની રોજની યાત્રા સરળ બનાવવા રસ્તા બનાવ્યાં હોત કે જળાશયો બનાવ્યા હોત તો તે શું વધારે ઇચ્છનીય ન ગણાત. તાજમહાલથી કહેવાતા પ્રેમની અભિવ્યક્તિ કરવી એ એક વાત છે અને રાજધર્મને વધુ મહત્ત્વ આપી યમુના નદીના તટ પર પોતાની પ્રજાની ઉપયોગીતા માટે ઘાટ બનાવવા એ બીજી વાત છે. આવા પ્રશ્ર્નો મનમાં ઉદ્ભવે તો સ્થાપત્યની જે તે રચના માટેની ગાંડી પ્રશંસા ઓછી થાય. સ્મારક બનાવવા જરૂરી છે પણ તેના દરેક પાસાં પ્રજા સમક્ષ આવવા જોઈએ.

સ્થાપત્યની એ કમનસીબી છે કે તેમાં વિકલ્પો સાથે સરખામણીની સંભાવના નથી. વળી જે તે રચના પાછળની તકલીફ તથા પ્રયાસની તીવ્રતાને પણ કોઈ ભાગ્યે જ જાણી શકે છે. એફિલ ટાવર જેવો બન્યો છે, તેનાથી ભિન્ન કેવો બની શકાયો હોત તે વિચાર સુધ્ધા કોઈને આવતો નથી. જે છે તે સ્વીકારી લેવામાં આવે છે અને તેના સંભવિત સારા વિકલ્પ માટે તજજ્ઞો પણ વિચાર કરતા નથી. સામાન્ય પ્રશ્ર્ન એ થાય કે તાજમહાલ યમુના નદીને વિમુખ બનવાને બદલે તેને નદીની સન્મુખ બનાવાયો હોત તો શું નદીને ભારતીય સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે વધારે મહત્ત્વ ન મળી શક્યું હોત.

તાજમહાલના મુખ્ય મકબરા માટે વધુ એક મંચ બનાવી તેને વધારે મહત્ત્વ આપી શકાયું હોત. પેરિસના સેન્ટર પોંપીડુમાં જે સંપૂર્ણ માળખાકીય રચનાને પ્રત્યક્ષ કરાઈ છે તેના બદલે ક્યાંક ક્યાંક પેરિસની પરંપરાગત સ્થાપત્યની નાની મોટી કૃતિઓ સાંકળી શકાય હોત કે આ સમગ્ર મકાનને જમીનની નીચે બનાવી તેની ઉપર જાહેરસ્થાન – પબ્લિક પ્લાઝા બનાવી શકાયો હોત, જે કદાચ પેરિસના લોકોને વધુ ગમત. ફ્રેન્કો ઘેરીના મકાનોમાં જે વિચિત્ર રીતે પતરાં જડી દેવાય છે તેના કરતાં તેમાં ક્યાંક શિસ્ત દેખાતી હોત તો શું તે વધુ પ્રશંસાને ન પામત. રોંચેપ ચર્ચની રચનામાં ક્યાંક ચર્ચની પરંપરાગત સ્થાપત્ય શૈલીની કેટલીક બાબતોનો સમાવેશ કરાયો હોત તો શું આ રચનાનું મહત્ત્વ ઓછું થઈ જાત. સ્થાપત્યની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓને આવા પ્રશ્ર્ન પૂછવા માટે પ્રેરિત નથી કરાતા.

ચીનની દિવાલની જાડાઈમાં સૈનિકોના સુરક્ષિત રહેણાંક બનાવી શકાયા હોત. ઈસ્તંબુલના હેગિયા સોફિયા ચર્ચમાં બહારની પરિસ્થિતિ, જે મહદઅંશે જેમની તેમ રખાઈ છે તેના બદલે તેની સાથે પણ ઈચ્છનીય અનુભૂતિ સાંકળી શકાય હોત. વેનિસના સાન માર્કો પ્લાઝાને ક્યાંક દરિયા તરફ ખૂલી નંખાયો હોત તો તેનું મહત્ત્વ વધુ સ્થાપિત થઈ શક્યું હોત. રોમના પેન્થીઓનની ચારે બાજુ મોકળાશવાળો મંચ બનાવાયો હોત તો આ મકાનની ભવ્યતાને વધુ માણી શકવાની સંભાવના ઊભી થાત. એફિલ ટાવર સ્ટેબિલિટી માટે જેમ નીચેથી પ્રસરે છે તેમ ઉપરનો ભાગ પણ થોડો વધુ પ્રસરતો હોત તો તેમાં અવલોકન અને વિરામ માટેના સ્થાન બનાવી શકાયા હોત, તેનાથી કદાચ તેની ટોચ પર જવા માટે વધુ મુલાકાતીઓ તૈયાર થાત. વીલા સવોયેના થાંભલા તેની ઉપરના દળદાર ભાગની સરખામણીમાં પાતળા દેખાય છે, તેના બદલે એ થોડા જાડા બનાવાયા હોત તો આ મકાન વધુ દ્રઢતા અને મજબૂતાઈ સ્થાપિત કરી શકત. બાર્સિલોનાના હેબિટ સેન્ટરમાં મકાનની અગાસીનો ઉપયોગ બાળ-ક્રીડાંગણ માટે કરાયો છે તેના બદલે આ વ્યવસ્થા જો જમીનના સ્તરે જ કરાઈ હોત તો સમાજ કદાચ એને વધુ સ્વીકારી લેત. આ મકાનના ૮૦ પ્રતિશત જેટલા આવાસ આજે ખાલી છે. કારણ કે આવાસને મશીન તરીકે લેવાની ભૂલ કરાઈ હતી. સ્થાપત્યના સીમાચિન્હ્ ગણાતી કેટલીક રચનાઓમાં આવી નિષ્ફળતા ક્યાંક આપને વિચારતા કરી દે છે.

દક્ષિણ ભારતના પ્રાચીન મંદિર-સંકુલને સંપૂર્ણપણે આંતર્ભીમુખ ન બનાવી ક્યાંક તેને બહિર્મુખતા અપાય હોત તો સમાજ અને શહેર સાથે તેનો સંબંધ વધુ દ્રઢ બનત. ફતેહપુર સીક્રીના સંકુલમાં સમગ્ર જમીન ઉપર પથ્થર જડી દેવાને બદલે ક્યાં ઝાડ-પાન રખાયાં હોત તો સ્થાનિક આબોહવા માટે તે વધુ યોગ્ય ગણાત. વળી અહીં એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે તડકાથી રક્ષિત આવન-જાવનના માર્ગની પણ જરૂર હતી. ગોળ ગુંબજ તેમજ ચાર મિનારમાં થોડુંક પ્રમાણમાપ બદલવાથી તેની રચના ચોક્કસ વધુ આકર્ષિત બની આકર્ષક બની શકી હોત. આવી રચનામાં મકાનને ટેકો આપનાર તથા ટેકો લેનાર અંગ વચ્ચેનો તાલમેલ વધુ જરૂરી હોય છે. આવાં તો અસંખ્ય ઉદાહરણો આપી શકાય.

સ્થપતિ રચનાને નિર્ધારિત કરવામાં એક જ બાબતને વધુ પડતું મહત્વ આપવા માંડે તો તેને કારણે અન્ય બાબતોમાં કરવી પડતી બાંધછોડથી મકાનની કાર્યક્ષમતા અને વિશ્ર્વાસનીયતાને અસર થતી હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ર્નો નથી ઉદ્ભવતા કે નથી પૂછાતા. અમુક હદ સુધી વ્યક્તિની ઘેલછા માન્ય ગણાય, પણ એકવાર તે ઘેલછા સિદ્ધ થયા પછી બાકીની બાબતોનું વ્યવસ્થિત નિરાકરણ થવું જરૂરી છે. માનવી, તેની જરૂરિયાતો, અને તેની ભાવનાઓને કેન્દ્રમાં રાખી જ્યારે રચના નિર્ધારિત કરવામાં આવે ત્યારે નિષ્ફળતાની સંભાવના ઓછી રહે. સ્થાપત્યમાં ક્યારે, કોને, કેટલું મહત્ત્વ આપવું તેનો નિર્ણય કઠિન છે. આ પ્રકારના નિર્ણયમાં જ્યારે માત્ર સ્થપતિની વ્યક્તિગત મહેચ્છા સંકળાય ત્યારે સ્થાપત્યની ઉલ્લેખનીય રચનાઓમાં પણ ક્યાંક પ્રશ્ર્નો રહી જવાની સંભાવના હોય છે. એ વાત સાચી છે કે સ્થાપત્યની દરેક રચના પરિસ્થિતિ અને ચોક્કસ પ્રકારના પ્રશ્ર્નોનો જવાબ છે. પણ તે વાત પણ એટલી જ સાચી છે કે દરેક રચનામાં એક ડગલું આગળ વધવાની સંભાવના તો રહેતી જ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button