માસ્તરજી, અબ સોટી વાગે ચમચમ કે દિન વાપસ આયો રે!
રાજુ, એક જમાનામાં સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ !’ જેવી ઉક્તિનો રીતસર અમલ થતો..શિક્ષકોનો ખરા અર્થમાં સુવર્ણયુગ હતો. શિક્ષકો તો વિદ્યાર્થી વાંકમાં હોય કે ન હોય તો પણ એને ધીબેડી નાંખતા. બીજી તરફ્, છોકરા પણ વડના વાંદરા કે પીપળાના પાડા જેવા હતા.
વ્યંગ -ભરત વૈષ્ણવ
‘ગિરધરભાઇ, મને હાથમાં ખંજવાળ આવે છે.’ રાજુએ મને એની સમસ્યા બતાવી. રાજુ રદી દેખાવે કોઈ ગામઠી નિશાળના ટિપિકલ માસ્તર જેવો લાગે.
‘રાજુ, તારા કયા હાથમાં ખંજવાળ આવે છે?’મેં એને સવાલ પૂછ્યો.
‘હાથ અને ખંજવાળ વચ્ચે સહસંબંધ છે?’ રાજુએ મને પૂછયું.
‘રાજુ જમણા હાથમાં ખંજવાળ આવે તો ધનલાભ થાય….! ’ મેં શુકન શાસ્ત્ર સમજાવ્યું તો રાજુએ અચાનક શિક્ષક અને શિક્ષણનો મુદ્દો કાઢ્યો.
ગિરધરભાઇ, આજની શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોની દશા અસહ્ય થઇ છે.બિલકુલ જાતીય સમસ્યા જેવું! કોઇને કહેવાય નહીં ને સહેજે સહેવાય નહીં….સામી છાતીએ કોઇ ‘સાહેબ’ કહે પણ પીઠ પાછળ મહેતુસ- પંતુજી- માસ્તર કહે ….ગામના આ માસ્તરનો ઘરમાં ઘરવાળી માસ્તરનો કલાસ લે…. હરકિસન મહેતાની ‘પીળા માલની ગાંઠ’ નવલકથાના પીંઢારા જેવી ઘરવાળી બે-લગામ અને ‘બે- કાબૂ’.
રાજુએ એ પછી વાત શિક્ષક પરથી આજના વિદ્યાર્થીઓ તરફ વાળી.:
‘ગિરધરભાઇ, આજકાલના છોકરડાને સાહેબ’ કહેવું તે તેજોવધ જેવું વાગે. દિલ્લગી કરવામાં કોઇ માસ્તરાણી મંડાય નહીં તેની નજર સામે છોકરડા જેવા છોકરા બાઇક પર માસ્તરાણીને ડેટ પર લઇ જાય! છોકરા વનેચર જેવા. એ તોફાન કરે, પણ માસ્તર આંગળી અડાડી ન શકે….નવી શિક્ષણ નીતિના નામે આ તે કેવા બદહાલ… કાકા મટીને ભત્રીજા થવા જેવું. મૂંછ હોય એટલે ફઇ કાકો ન બની શકે તેવી હાલત. આવી નૈરાસ્યપૂર્ણ જિંદગીથી તંગ આવી હારાકિરી કરવાનું મન થાય! ’ રાજુએ એક શ્ર્વાસે શિક્ષકોની નાજુક હાલતનું સંશોધન પેપર રજૂ કર્યું ! રાજુ, એક જમાનામાં સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ !’ જેવી ઉક્તિનો રીતસર અમલ થતો..શિક્ષકોનો ખરા અર્થમાં સુવર્ણયુગ હતો.
શિક્ષકો તો વિદ્યાર્થી વાંકમાં હોય કે ન હોય તો પણ એને ધીબેડી નાંખતા. બીજી તરફ્, છોકરા પણ વડના વાંદરા કે પીપળાના પાડા જેવા હતા. એમના માટે ‘ડફર’ શબ્દ પણ તે નાનો પડે! માસ્તરો મોંઘવારી પર નિર્મલા સિતારામન સોંટી વીંઝતા હોય તેમ વિદ્યાર્થી પર ભૂખ્યા ડાંસ થઇને તૂટી પડતા ત્યારે છોકરાઓ તલત મહમદનું
જાયે તો જાયે કહાં સમજેગા કૌન યહાં દિલ કી જુબાં …’ ગીત ગણગણતા ! ’
હા, ગિરધરભાઇ.એક જમાનામાં શિક્ષણમાં હાથ કી સફાઇનો દબદબો હતો. શિક્ષકોને ભગવાન તુલ્ય માનવામાં આવતા હતા. રાજુએ મને કહ્યું.
‘રાજુ. એક સમયે સુધારણાનો પવન ફૂંકાયો . ભાર વિનાના ભણતર’ના નામે છોકરાને પુસ્તક, નોટબુક, ગાઇડ અપેક્ષિત , શ્યોર સજેશન, એસાઇનમેન્ટ વગેરેના ભારથી બેવડ વાળી દીધા…. સમય જતાં. છોકરાને માસ્તર મારે કે આંગળી અડાડે એટલે ફરિયાદ થાય. જે છોકરા માસ્તરોનો મેથીપાક આરોગતા હતા તે સમાજમાં ઊંચા પદ પર ગોઠવાઇ ગયા.
એમની પ્રગતિ આવા ઋષિતુલ્ય ગુરુજનોને આભારી છે તેવો આદર પણ વ્યક્ત કરતા!’ મે રાજુને આ માહિતી પૂરી પાડતા ઉમેર્યું કે મુંબઇ હાઇ કોર્ટે શિક્ષકોના પડતર જીવતરમાં વળતર આપવાનો અણસાર આપ્યો છે.
બોમ્બે હાઈ કોર્ટે હમણાં એક સીમાચિહ્ન રૂપ ચુકાદો આપ્યો છે. શિક્ષક કોઈ બદઈરાદા વિના અને શિસ્ત જાળવવાના ઈરાદાથી ક્યારેક વિદ્યાર્થીને ઠપકો આપે કે એને ઠપકારે કે કોઈ સજા ફરમાવે તેમાં કોઈ ગુનો બનતો નથી એવો ચુકાદો બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે.
ગોવામાં એક શિક્ષકે પાંચ અને આઠ વર્ષની બે બહેનને શિક્ષકે વર્ગમાં સોટીથી ફટકારી હતી. આ બનાવ સંદર્ભમાં નીચલી કોર્ટે શિક્ષકને એક દિવસની કેદની તથા એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. આ ચુકાદાને વડી અદાલતમાં પડકારવામાં આવતાં વડી અદાલતે આ સજાને રદ કરી છે…. હેપી ડેયઝ આર હિયર અગેઇન… શિક્ષકો માટે ફરી સુખનો સૂરજ ઊગ્યો છે : સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ …!