ધ્રુવીકરણ તો સ્વાતંત્ર્ય સમયે જ રચાઇ ગયું હતું, બિરાદરો…!
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં મોદી સરકારે એક વધુ માસ્ટર સ્ટ્રોક ફટકારી દીધો…
ઘણા સમયથી ગાજતો નાગરિકતા સંશોધન કાનૂન (સી.એ.એ.) આખરે અમલમાં આવી ગયો. આ કાનૂન મુજ્બ આપણા ત્રણ પડોશી મુસ્લિમ મુલક- પાકિસ્તાન, બાંગ્લા દેશ અને અફઘાનિસ્તાનના પણ ભારતમાં આવીને વસેલા ગેરમુસ્લિમ શરણાર્થીઓને હવે કાયદેસરના રહેવાસીનો દરજ્જો મળશે.
આ કાયદો અમલમાં આવતા જ ભારતના વિપક્ષો વિરોધ પ્રદર્શનો કરવા મંડી પડ્યા છે. અગાઉ મુસ્લિમોનું પારાવાર તુષ્ટિકરણ કરી ચૂકેલા આ વિરોધ પક્ષો વિરોધ એ વાતનો કરે છે કે આ કાયદાથી દેશમાં ધ્રુવીકરણ રચાશે.
લો, બોલો.. કૉંગ્રેસીઓ, સપા અને બસપાવાળા આવી વાત કરે છે ત્યારે હસવું આવે છે.
અલ્યા ભાઇ, ૧૯૪૭માં ધર્મના આધારે ભારતના ભાગલા પડ્યા ત્યારે જ ધ્રુવીકરણની શરૂઆત થઇ ગઇ હતી…
- તે સમયના ગૃહ પ્રધાન સરદાર પટેલ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને સોમનાથ મંદિરની મુલાકતે ન જવાની સલાહ આપવામાં આવી ત્યારે પણ ધ્રુવીકરણની શરૂઆત થઇ હતી
- પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કર્યો એને લઈને ભારતમાં હિન્દુ રાષ્ટ્રની ચળવળ બળવત્તર બનાવવાને કારણ મળ્યુ
- ભારતની જ મદદથી પશ્ર્ચિમ પાકિસ્તાનથી મુક્તિ મેળવીને રચાયેલા બાંગ્લા દેશે પણ પોતાને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કર્યું… એ શું ધ્રુવીકરણ ન કહેવાય?
- મંદિરની આવક પર કરવેરો અને મસ્જિદોને મુક્તિ એ ધ્રુવીકરણ ન કહેવાય?
- કોંગ્રેસી વડા પ્રધાન મનમોહનસિંહે જ્યારે જાહેર કર્યુ કે દેશના સંશાધનો પર પહેલો હક લઘુમતિઓનો જ છે’ એમાંય ધ્રુવીકરણની શરૂઆત થઇ જ ગઇ હતી…
- ધ્રુવીકરણ તો ત્યારે જ રચાઇ ગયું હતું જ્યારે કાશ્મીરી યુવકો લશ્કર પર પથ્થરમારો કરતા હતા અને અમુક પક્ષો એમને નાદાન અવસ્થાની ભૂલ કહી છાવરતા હતા
- ધ્રુવીકરણ તો ત્યારે જ રચાઇ ગયું હતું જ્યારે અયોધ્યામાં આંદોલન કરતા નિ:શસ્ત્ર કારસેવકો પર ગોળીઓ વરસાવવામાં આવી હતી
- ધ્રુવીકરણ તો ત્યારે જ થઇ ગયું હતું જ્યારે હિન્દુ કોડ બિલ પસાર કરવામાં આવ્યું અને અન્ય ધર્મમાં માથુ ન મારવાનો તે સમયની સરકારનો ઇરાદો જાહેર થયો
- ધ્રુવીકરણ તો ત્યારે જ થઈ ગયું હતું જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માત્ર ને માત્ર તાજમહાલની પ્રતિકૃતિ જ ભેટમાં અપાતી હતી અને ભવ્ય ભારતની ધરોહર-વિરાસત સમાન અનેક સ્થાપત્યોની ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હતી.
- ધ્રુવીકરણ તો ત્યારે જ રચાઇ ગયું હતું જ્યારે હજ કરવા માટે સબસિડી અપાતી હતી અને ચારધામની યાત્રા કરવી હોય તો ઘણી તકલીફો વેઠવી પડતી.
- ધ્રુવીકરણ તો ત્યારે જ થઈ ગયું હતું જ્યારે પડોશી દેશોમાં હિન્દુઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટવા લાગી હતી અને ભારતમાં લઘુમતિઓની આબાદી વધવા લાગી હતી.
ધ્રુવીકરણની પ્રક્રિયા સ્વાભાવિક છે
એક રીતે જૂવો તો ધ્રુવીકરણ પ્રક્રિયા કુદરતી છે. વિજ્ઞાન પણ જાણે
એને સમર્થન આપે છે.
જ્યારે ભારતના બે છેડા (પાકિસ્તાન અને બાંગ્લા દેશ) પર મુસ્લિમ અધિપત્ય વધ્યું ત્યારે ભારતમાં હિન્દુ ધર્મીઓ પણ એક થવા લાગ્યા અને એમાં ખોટું પણ શું થયું? આ તો સ્વાભાવિક પ્રક્રિયા હતી. આઘાત સામેના પ્રત્યાઘાત હતા.
આ વાતને આપણે આજે આ ઉદાહરણથી સમજીએ…
આપણે નાનપણમાં લોહચુંબકથી રમતા હતા. લોહચુંબકથી લોખંડની ખીલીઓ ખેંચાય અને ચોંટી જાય એ જોવાની મજા આવતી હતી. પછી ભણતી વખતે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે લોહચુંબકના બે છેડે બે ધ્રુવ હોય છે: ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ…. નોર્થ પોલ અને સાઉથ પોલ. એ પછી આપણે એવું પણ શીખ્યા કે આ લોહચુંબકને તોડવામાં આવે તો તેના જે ટુકડા થાય છે તેમાં પણ પાછા બે છેડા પર ઉત્તર અને દક્ષિણ એમ બે ધ્રુવ રચાય છે. વળી અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે એ પણ આપણે શીખ્યા.
આ બધી કુદરતી ભૌતિક ઘટના છે. બસ આ જ રીતે આઝાદી સમયે બે ધર્મના આધારે દેશના બે ટુકડા થયા ત્યારે મુસ્લિમો પાકિસ્તાન ભણી આકર્ષાય અને હિન્દુઓ ભારત ભણી આકર્ષાય એ એકદમ સ્વાભાવિક અને એકદમ કુદરતી પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા હેઠળ જ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન વચ્ચે ધ્રુવીકરણ થયું. બેઉ દેશોમાં પરસ્પર હિજરત થઇ.
કોઇક વળી એમ કહે કે જડ લોહચુંબક પોતાનો સ્વભાવ ન બદલે ચેતનવંતો માણસ પોતાનો સ્વભાવ બદલી શકે. અરે ભાઇ , આ જ વિશ્ર્વાસ પર તો ગાંધીજીએ ભાગલાના ઠરાવ પર અંતે ના છૂટકે મંજૂરીની મહોર મારી હતી, પણ એ વિશ્ર્વાસ સાચો ઠર્યો ખરો? ભારતના રાષ્ટ્રપિતાની સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદઅલી ઝીણાએ પણ પોતાના દેશને ધર્મનિરપેક્ષ (સેક્યુલર) રાખવાનો નિર્ણય કર્યો હતો. તેનું શું થયું? ભારત તો સેક્યુલર રહ્યો પણ પાકિસ્તાન સેક્યુલર રહ્યો? અરે એ છોડો , ૧૯૭૧માં બાંગ્લા દેશની રચના થઇ એ પણ ઇસ્લામિક રાષ્ટ્ર બની ગયો. બોલો, જે સ્વભાવ લોહચુંબકનો રહ્યો એ જ પ્રકૃતિ માણસની પણ રહી. એમાં મીનમેખ ફરક ન પડ્યો. ગાંધીજી અને ઝીણાની આશા ઠગારી નીવડી. મુસ્લિમો ભારતના બે છેડે ભેગા થવા લાગ્યા એના પ્રત્યાઘાતરૂપે હિન્દુઓ પણ ભેગા થવા લાગ્યા અને એક થવા લાગ્યા. આ એકદમ કુદરતી અને સહજ પ્રક્રિયા હતી. હાલના વિપક્ષીઓ અને આઝાદી સમયના શાસક પક્ષોને એ વાતનો જરા પણ અણસાર નહીં હોય કે નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ રાજકારણમાં આવશે અને હિન્દુ પ્રચંડ જનજુવાળ ભેગો થવા લાગશે. ભારતના હિન્દુઓને તો એકઠા થવું જ હતું પરંતુ એમને એક સક્ષમ ધ્રુવની જરૂર હતી, જે મોદીના રૂપમાં મળ્યો અને એમના નેતૃત્વ હેઠળ લોકો એકઠા થવા લાગ્યા. આ સહજ પ્રક્રિયાને વિરોધીઓએ સમજવાની જરૂર છે.