ભારત-પાકિસ્તાનના આગામી વર્લ્ડ કપ મુકાબલા વિશે મહત્ત્વની જાહેરાત
દુબઈ: ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાથી વધુ રસાકસીભરી કે (ક્રિકેટપ્રેમીઓ માટે) બદલે કી ભાવનાવાળી મૅચ બીજી કોઈ હોતી નથી. એટલે જ આઇસીસીએ આ મુકાબલો ગમે એમ કરીને થાય એની તકેદારી રાખવી પડે છે. આ જંગ પાછળ સ્પૉન્સરોના કરોડો રૂપિયા લાગતા હોય છે તેમ જ સ્ટેડિયમમાં અને એની આસપાસ તેમ જ ટીવી-પ્રસારણમાં પણ કરોડો રૂપિયાનો બિઝનેસ થતો હોય છે. અહીં બુકીઓ તથા પન્ટરોના બિનસત્તાવાર સટ્ટાને તો હજી આપણે ધ્યાનમાં પણ નથી લીધો.
આ બધુ જોતાં ભારત-પાકિસ્તાન મૅચ વખતે એના પ્રચાર અને લોકોના ઉત્સાહની અભૂતપૂર્વ ચરમસીમાએ જોવા મળતી હોય છે. આ બધુ ધ્યાનમાં લેતાં આઇસીસીનો નિર્ણય વિશ્ર્વભરના કરોડો ક્રિકેટપ્રેમીઓને ખુશખુશાલ કરી દે એવો છે. આગામી બીજી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે અને એમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને આયરલૅન્ડ સામે રમાશે. જોકે ખરો મુકાબલો નવમી જૂને થશે જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે જોરદાર ટક્કર થશે. આઇસીસીએ જાહેર કર્યું છે કે નવમી જૂનની ભારત-પાકિસ્તાન મૅચને દિવસે જો વરસાદ પડશે તો એ મૅચ બીજા દિવસે રમી શકાશે. અન્ય મૅચોમાંથી ફક્ત સેમિ ફાઇનલ અને 29 જૂનની ફાઇનલ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
અન્ય મૅચોની વાત કરીએ તો મેઘરાજાનું વિઘ્ન આવ્યું હશે તો મૅચને પૂર્ણ ગણવા માટે પાંચ-પાંચ ઓવર રમાઈ હોવી જોઈશે. નૉકઆઉટ સ્ટેજમાં પ્રત્યેક મૅચમાં 10-10 ઓવર રમાઈ હશે તો જ એ મૅચનું પરિણામ નક્કી થશે. જૂનના આ ટી-20 વર્લ્ડ કપનો આરંભ અમેરિકા અને કૅનેડા વચ્ચેની મૅચથી થશે. ભારત 2007ની સૌપ્રથમ ટૂર્નામેન્ટ બાદ આ વર્લ્ડ કપની ટ્રોફી નથી જીતી શક્યું.