થાણેમાં ૮૦ ફૂટ લાંબી સુરક્ષા ભિંત તૂટી પડી: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના કલવામાં આવેલી મુકુંદ કંપનીની ૮૦ ફૂટ લાંબી અને ૨૦ ફૂટ ઊંચી સુરક્ષા ભિંત શુક્રવારે બપોરના તૂટી પડી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ કલવા(પશ્ર્ચિમ)માં આનંદ નગર, બૌદ્ધવાડીમાં સમર્થ વિદ્યાલય નજીક આ ઘટના બની હતી, જેમાં મુકુંદ કંપનીની ૮૦ ફૂટ લાંબી અને ૨૦ ફૂટ ઊંચી સુરક્ષા ભિંત તૂટીને બાજુમાં આવેલી એકવિરા સંકુલ ચાલના પાંચથી છ ઘર પર તૂટી પડી હતી.
બચાવ કામગીરી માટે ઘટના સ્થળે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટર કંટ્રોલ પહોંચી ગયું હતું. ભિંત તૂટી પડવાને કારણે ચાલીમાં આવેલા કુલ છ ઘરને નુકસાન થયું હતું, જેમાં મોટાભાગના ઘરની દિવાલ અને છાપરા તૂટી પડ્યા હતા.
ડિઝાસ્ટ કંટ્રોલના અધિકારીના જણાવ્યા મુજબ દુર્ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે. તો અસરગ્રસ્તોને તાત્પૂરતી વ્યવસ્થા પાલિકા પ્રશાસને કરી હતી.