સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી જાનહાનિ ટળી, 162 પ્રવાસીના બચ્યા જીવ

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat Airport) પર મોટી જાનહાનિ ટળી છે, એરપોર્ટ પર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહની ફ્લાઇટનો ટ્રક સાથે અકસ્માત થયો છે. એરપોર્ટના રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ છે. શારજાહથી આવેલી 180 સીટર ફ્લાઇટમાં 162 યાત્રીઓ હતા. દુર્ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનિય છે કે સુરત એરપોર્ટ પર સમયાંતરે કોઈને કોઈ ઘટનાઓ બનતી રહે છે, ત્યારે બુધવારે મોડી રાતે વધુ એક દુર્ઘટનાથી સુરત એરપોર્ટનું નામ ખરાબ થયું છે.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર બુધવારે રાત્રે 11.15 નો સમય હતો, ત્યારે ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહથી આવતી શારજાહ-સુરત ફ્લાઇટ ફ્લાઇટ લેન્ડ થયા બાદ રન-વેથી એપ્રેન તરફ જઈ રહી હતી. આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. માટી લાવતી ટ્રકનો ચાલક રન-વે પાસે પાર્ક કરી જતો રહ્યો, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રન-વેના કિનારે ઉભી હતી. સદનસીબે એક પણ મુસાફરને ઇજા પહોંચી નથી. ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. જોકે, આ દુર્ઘટનાને કારણે 162 મુસાફરો સમયસર શારજાહ પહોંચી શક્યા ન હતા.
ટ્રક સાથે વિમાનની પાંખ અથડાવવાના કારણે વિમાનની પાંખને સામાન્ય નુકસાન પહોંચ્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના પગલે વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને એરપોર્ટ પર ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. મુસાફરો એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી બદલ ગંભીર ટીકા કરી રહી છે.