સગીરા પર દુષ્કૃત્યનો મામલે પોલીસે આરોપીઓની કરી ધરપકડ
13 વર્ષીય સગીરાએ ગત 20 જાન્યુઆરીના રોજ બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. તેમજ સગીરા દ્વારા જન્મ આપવામાં આવેલા પુત્રને ડોક્ટર દ્વારા વેચી નાખવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશન ખાતે 13મી માર્ચ 2024ના રોજ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે 13 વર્ષીય સગીરાની 35 વર્ષીય માતાની ફરિયાદના આધારે જસદણ પોલીસ સ્ટેશન ખાતે કમળાપુર ખાતે શ્રીજી ક્લિનિક ચલાવનારા ડોક્ટર ઘનશ્યામ રાદડિયા સહિત સગીરાના કૌટુંબિક ભાઈ અને 2 કૌટુંબિક કાકા વિરુદ્ધ ipc 370, 376(2-FN), 376(3), 450, 506(2), 201, 202, 114 तेम પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી 39 વર્ષીય ડોક્ટર ઘનશ્યામ રાદડિયા તેમજ સગીરાના 20 વર્ષીય કૌટુંબિક કાકા, 15 વર્ષીય કૌટુંબિક ભાઈને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, 20 જાન્યુઆરીના નવ મહિના પૂર્વે સગીરાના કૌટુંબિક ભાઈ તથા કૌટુંબીક કાકા દ્વારા સગીરા રૂમમાં એટલી હોય ત્યારે તેની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો સાથે જ સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના કારણે તે ગર્ભવતી પણ થઈ હતી. સમગ્ર મામલાની જાણ સગીરાની માતાને થતા તેણે સમગ્ર વાત પોતાના પતિને કરી હતી. ત્યારે પતિએ સમગ્ર વાત પોતાના કૌટુંબિક ભાઈને કરતા તેણે ધમકી આપતા કહ્યું હતું કે, હું કહું તેમ કર નહિતર તને જીવવા દઈશ નહીં. તેમજ કુટુંબમાં કોઈ બોલાવીશું નહીં તે પ્રકારની ધમકી આપી હતી. તો સાથે જ ગર્ભમાં રહેલ બાળકનો શું નિકાલ કરવો તે નિર્ણય પોતે લેશે તેવી ધમકી આપતા સગીરાની માતા તેમજ તેના પિતા ડરી ગયા હતા.
ફરિયાદીના કૌટુંબિક દીયર દ્વારા પુરાવાનો નાશ કરવાના ઇરાદે કમળાપુર ખાતે શ્રીજી ક્લિનિક ચલાવનારા ડોક્ટર ઘનશ્યામ રાદડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ તબીબને 70 હજાર રૂપિયાની લાલચ આપી ગર્ભનો પૂરો સમય ન થયો હોવા છતાં અધૂરા મહીને ડીલેવરી કરવાની વાત કરવામાં આવી હતી. જેથી ડીલેવરી કરવા માટે સગીરા તેમજ તેના પિતાને કમળાપુર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં શ્રીજી ક્લિનિક ખાતે સગીરાની ડીલેવરી કરવામાં આવતા તેણે એક દીકરાને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જન્મ આપ્યા બાદ ડોક્ટર ઘનશ્યામ રાદડિયા દ્વારા તે બાળકને વેચી નાખી કરવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા લગાવવામાં આવ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તપન જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જે પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુનાના કામે ભોગ બનનાર તેમજ ઝડપાયેલા આરોપીઓનું મેડિકલ ચેકઅપની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
શુક્રવારના રોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ડોક્ટર દ્વારા જે બાળક વેચી નાખવામાં આવ્યું છે તે હાલ કઈ જગ્યાએ છે તેમજ કોને આપી દેવામાં આવ્યું છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તો સાથે જ અગાઉ પણ ડોક્ટરે સગીર વયની દીકરીઓની ડીલેવરી કરી છે કે કેમ? તે બાબતે પણ તેની પૂછપરછ કરવામાં આવશે. ફરિયાદીનો કૌટુંબિક સગીર ભાઈએ ધોરણ 10 પાસ કરેલ છે. જ્યારે કે કૌટુંબી કાકા ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.