આલિયા ભટ્ટે 9 વર્ષ પહેલા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હોત પણ…..

આજે પોતાની 31મી વર્ષગાંઠ ઉજવી રહેલી ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટને કોઈ ઓળખની જરૂર નથી બહુ ઓછા સમયમાં આલિયાએ તેના ઉત્કૃષ્ટ અભિનયથી સાબિત કરી દીધું છે કે તે પોતાના દમ પર દર્શકોનું મનોરંજન કરી શકે છે અને ચાહકોની અપેક્ષા ઉપર ખરી ઉતરી શકે છે.
ગંગુબાઈ કાઠીયાવાડી બ્રહ્માસ્ત્ર અને રોકી ઓર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મો ઉપરાંત આલિયા ભટ્ટનો ઉત્કૃષ્ટ અભિનય સાઉથની ફિલ્મ RRRમાં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મથી આલિયાએ સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે નવ વર્ષ પહેલા આલિયા ભટ્ટને એક તમિલ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી જે તેણે નકારી કાઢી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આલિયાની આ ઓછી જાણીતી વાત વિશે આવો તમને જણાવીએ અને તેને HAPPY BIRTHDAY વિશ કરીએ.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આલિયા ભટ્ટને 2015ની તામિલ ફિલ્મ ઓ કાધલ કાનમાનીમાં અભિનયની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેને તમિલ બોલતા આવડતું ન હોવાથી તેણે આ ફિલ્મ નકારી કાઢી હતી. આ ફિલ્મ 17 એપ્રિલ 2015ના રોજ રજૂઆત પામી હતી અને ઘણી હિટ રહી હતી. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના સંગીત દિગ્દર્શક એ આર રહેમાન અને કુતુબ ઈ કૃપા હતા. ફિલ્મનું બજેટ માત્ર 20 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે પૂરા 56 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ માત્ર 90 દિવસમાં જ પૂરું કરવામાં આવ્યું હતું.
જોકે, આલિયાએ RRRમાં અભિનય કરીને હવે દક્ષિણની ફિલ્મમાં ડેબ્યુ કરી લીધું છે અને આ ફિલ્મ પણ અભૂતપૂર્વ સફળતાને વરી છે, તેથી આલિયાને 9 વર્ષ પહેલાની તમિલ ફિલ્મ નકારવાનો કોઈ રંજ નહીં જ હોય.