રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેરળમાં પણ યોજાયું મતદાન, જાણો વિગત
તિરુવનંતપુરમઃ રશિયામાં હાલમાં પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દેશ અને વિશ્વભરમાં રશિયનો તેમનું મતદાન કરી રહ્યા છે. ભારતમાં પણ રશિયન ચૂંટણી માટે મતદાન થયું છે. ભારતમાં કેરળમાં રહેતા રશિયન નાગરિકો માટે રશિયાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં વ્લાદિમીર પુતિનની જીત લગભગ નક્કી જ છે.
કેરળમાં રહેતા રશિયન નાગરિકોએ રશિયન પ્રમુખની ચૂંટણી માટે તિરુવનંતપુરમમાં મતદાન કર્યું હતું. તેમણે અહીં રશિયન હાઉસમાં સ્થિત રશિચન ફેડરેશનના માનદ કોન્સ્યુલેટ ખાતે ખાસ ગોઠવાયેલા બૂથ પર પોતાનો મત આપ્યો હતો. રશિયાના માનદ કોન્સ્યુલ અને તિરુવનંતપુરમમાં આવેલા રશિયન હાઉસના ડિરેક્ટર રતેશ નાયરે જણાવ્યું હતું કે આ ત્રીજી વખત છે જ્યારે તેમણે રશિયન પ્રમુખની ચૂંટણી માટે મતદાનની વ્યવસ્થા કરી છે. તેમણે મતદાન પ્રક્રિયામાં સહકાર આપવા બદલ રશિયન નાગરિકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રશિયામાં 15 થી 17 માર્ચ દરમિયાન રશિયન પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરી એકવાર વ્લાદિમીર પુતિનની જ જીત થશે. વ્લાદિમીર પુતિન 71 વર્ષના છે અને તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમના મુખ્ય ટીકાકારો અને વિરોધીઓ કે જેઓ તેમને પડકારી શકે છે તેઓ ક્યાં તો જેલમાં છે અથવા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે અને તેઓ વિદેશમાં રહે છે. રશિયામાં સ્વતંત્ર મીડિયા પર મોટેભાગે પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં પુતિનની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
રશિયામાં પુતિનની લોકપ્રિયતાનું રેટિંગ લગભગ 80થી 86% છે. યુક્રેન સામેના યુદ્ધ દરમિયાન તેમની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. પ્રમુખપદની રેસમાં પુતિનની સામે ત્રણ ઉમેદવારો ઉભા છે-વ્લાદિસ્લાવ દાવાનકોવ, લિયોનીડ સ્લુત્સ્કી અને નિકોલે ખારીટોનોવ. આ ત્રણેય જણ ક્રેમલિન તરફી જ છે અને તેઓને યુક્રેન સામે રશિયાની લશ્કરી કાર્યવાહીથી કોઈ વાંધો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતમાં 33 લોકોએ રાષ્ટ્રપતિની રેસ માટે દાવો કર્યો હતો પરંતુ માત્ર 15 લોકો જ જરૂરી દસ્તાવેજો સબમિટ કરી શક્યા હતા. જો કે, 1 જાન્યુઆરીએ દસ્તાવેજો સબમિટ કરવાની અંતિમ તારીખ સુધીમાં, માત્ર 11 ઉમેદવારો રાષ્ટ્રપતિની રેસમાં રહ્યા હતા. અંતે પ્રમુખ પદ માટે માત્ર ચાર ઉમેદવારો જ ચૂંટણી લડી શક્યા હતા.