NDAમાં બેઠકોની વહેંચણી પર પ્રફુલ્લ પટેલે શું કહ્યું જાણો
મુંબઇઃ મહારાષ્ટ્રમાં NDAમાં સીટ વહેંચણીનું કોકડું હજુ ઉકેલાયું નથી. ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર બીજેપીના નેતાઓ તેમજ સાથી પક્ષો સાથે મેરેથોન વાટાઘાટો કરી છે. બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે એક ફોર્મ્યુલા એવી જાણવા મળી છે કે ભાજપ 34 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેના 10 પર અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ત્રણથી ચાર બેઠકો પર ચૂંટણી લડી શકે છે. હવે આ ફોર્મ્યુલા પર NCPના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.
અજિત પવારના નજીકના મનાતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલે આવી ચર્ચાઓને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે સીટ વહેંચણીની અંતિમ ફોર્મ્યુલા હજુ નક્કી થઈ નથી. તેમણે કહ્યું હતું કે, અમે (NCP)ત્રણથી ચાર બેઠકો પર જ ચૂંટણી લડીશું તેવી ચર્ચા યોગ્ય નથી. પ્રફુલ્લ પટેલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે NCP આટલી ઓછી બેઠકો પરથી ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે અમે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. અમે દરેક સીટ પર મેરિટના આધારે ચર્ચા કરી છે. પણ હજી સુધી કોઈ અંતિમ ફોર્મ્યુલા આવી નથી. એનસીપીના વરિષ્ઠ નેતાએ એવો દાવો કર્યો હતો કે ગઠબંધનમાં ત્રણેય પક્ષોને સન્માનજનક સંખ્યામાં બેઠકો મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી ભાજપ છે. અમે વ્યવહારિક અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ.
પ્રફુલ્લ પટેલે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ એમ કહેવા માંગતા નથી કે NCP ઘણી બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ NCP માત્ર ત્રણથી ચાર બેઠકો પરથી જ ચૂંટણી લડશે તેવી અટકળો પણ સાચી નથી. NCPને આટલી ઓછી બેઠકો મળશે તેવું માનવું ખોટું હશે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે.
ભાજપની સાથે સાથે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCP પણ NDAમાં છે. રામદાસ આઠવલેની પાર્ટી RPI પહેલેથી જ NDAમાં છે.
2019માં અખંડ શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને રાજ્યની 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 25 બેઠકો પર ઉમેદવારી કરી હતી. તે સમયે કૉંગ્રેસ અને અખંડ NCPએ સાથએ મળીને ચૂંટણી લડી હતી. હાલમાં દરેક પાર્ટી પોતાને વધુમાં વધુ સીટ પર ઉમેદવારી કરવા મળે એની વેતરણમાં છે. શિંદેની પાર્ટી પાસે 13 સાંસદો છે. શિંદેની પાર્ટી પોતાની સીટો ઈચ્છે છે. ભાજપ પણ વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. એનસીપી પણ ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. આવી સ્થિતિમાં સીટ વહેંચણીનું ગણિત કેવી રીતે ઉકેલાય છે તે જોવું રહ્યું.