છોટી-છોટી ફિલ્મો કી બડી બડી બાતેં
ક્લેકશનની દૃષ્ટિએ બહુ મોટો ફરક નથી પણ ટકાવારીની ગણતરીથી સ્પષ્ટ થાય છે કે કોણે હનુમાન કૂદકો માર્યો છે.
ફોકસ -મનીષા પી. શાહ
ભારતીય ફિલ્મોમાં ૨૦૨૪ના પહેલાં ત્રણ મહિનામાં એક નવી પેટર્ન સામે આવી, જે ચોંકાવનારી છે તો સાથોસાથ આવકાર્ય પણ છે. માત્ર દેશમાં બૉકસ ઑફિસ ક્લેકશનની દૃષ્ટિએ બે ફિલ્મના આંકડા સામે આવે છે. તેલુગુ ભાષાની ‘હનુ-માન’ના રૂા. ૨૪૩.૨ કરોડ અને હિન્દી ‘ફાઈટર’ના રૂા. ૨૩૬.૭૯ કરોડ. બંનેમાં ક્લેકશનની દૃષ્ટિએ બહુ મોટો ફરક નથી પણ ‘હનુ-માન’નુું બજેટ માત્ર રૂા. ૪૦ કરોડ છે, તો ‘ફાઈટર’માં રૂા. ૨૫૦ કરોડનું આંધણ થયું છે. ટકાવારીની ગણતરીથી સ્પષ્ટ થાય છે કે કોણે હનુમાન કૂદકો માર્યો છે.
આ ઉપરાંત રિલીઝ થયેલી મહત્ત્વની ફિલ્મોમાં શાહીદ કપૂર- ક્રિતી સોનાનની ‘તેરી બાતો મેં ઐસા ઉલઝ ગયા’નું થયું? પ્રેક્ષકો મુંઝાઈ ગયા. કોન્સેપ્ટ મોર્ડન અને માવજત જૂનવાણી નીકળી. અંદાજે રૂા. ૪૫થી ૭૫ કરોડમાં બનેલી આ ફિલ્મે કમાણી કરી રૂા. ૧૩૫ કરોડની આસપાસ. ઝાઝું હરખાવા જેવું ન કહી શકાય.
‘હનુ-માન’ જેવો નેત્રદીપક દેખાવ કર્યો. ‘આર્ટિકલ ૩૭૦’ એ. ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઈક’વાળા આદિત્ય ધર નિર્મિત અને એની પત્ની યામી ગૌતમ અભિનીત પોલીટીકસ થ્રિલરે પ્રેક્ષકોના મન જીતી લીધા. આ ફિલ્મનો ચોક્કસ એજન્ડા હોય કે ન હોય એની ચર્ચા-વિવાદ કરી શકાય પણ સાંપ્રત રાજકીય વિષય પર મનોરંજક ફિલ્મ બનાવી શકાય એ સરસ રીતે સાબિત થયું. રૂા. વીસ કરોડમાં બનેલી આ ફિલ્મ રૂા. ૧૦૦ કરોડની કમાણીને આંબી જશે.
કંઈક આવું જ ‘લાપતા લેડીઝ’ની બાબતમાં થયું. આમિર ખાન નિર્મિત અને એની માજી વાઈફ કિરણ રાવ દિગ્દર્શિત આ ફિલ્મે રવિ કિશન સિવાયના સાવ નવાસવા કલાકારોને સથવારે પ્રેક્ષકોના દિલ જીતી લીધી એ નાનીસૂની સિદ્ધિ નથી. માત્ર રૂા. ચાર-પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મને અચુકપણે હીટ કરી શકાય. આની સાથે ગુજરાતી ફિલ્મ ‘વશ’ પરથી બનેલી ‘શૈતાન’ પણ જોડાઈ જશે એ નક્કી છે. ‘હનુ-માન’, ‘આર્ટીકલ ૩૭૦’ અને ‘લાપતા લેડીઝ’ ૨૦૨૩ના અંતમાં આવેલી ‘ટ્વેલ્થ પાસ’ની’ પરંપરાને આગળ વધારી રહી છે. આ ફિલ્મ ઉદ્યોગ માટે ઘણી નોંધપાત્ર બાબત છે.
આ સિવાય ‘મૈં અટલ હું’, ‘કેકૅ જેવી ફિલ્મોને પ્રેક્ષકોએ પ્રેમ ન કર્યો.
‘પઠાણ’, ‘જવાન’, ‘ટાઈગર’, ‘સલાહ’ જેવી મોટી ફિલ્મોના તોતિંગ કલેકશન પણ ભલે આંખને આંજી નાખે પરંતુ ખર્ચની સરખામણીએ ઘણીવાર એકદમ વામણા હોય છે.
મોટી સાથે નાની ફિલ્મો ચાલે- સ્વીકારાય એ એકંદર ફિલ્મ ઉદ્યોગના હિતમાં છે. આને લીધે કલ્પનાશીલ સર્જકો વિષય અને નવા કલાકાર કસબીઓને તક મળે છે, સમાંતર સમાજનું પ્રતિબિંબ ઝિલાય છે અને બીબાંઢાળ સિનેમામાંથી છૂટકારો
મળે છે.