અજિત દાદાથી પંગો પડ્યો ભારે? વિજય શિવતારેએ સાત કલાક શિંદેની રાહ જોઇ
મુંબઈ: એકનાથ શિંદે જૂથના નેતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે અને બારામતી લોકસભા બેઠક ઉપર લડવાનો તેમને પડકાર ફેંકી રહ્યા છે. જોકે, મહાયુતિમાં એકનાથ શિંદે અને અજિત પવાર બંને ભાજપ સાથે હોઇ શિવતારેની આ નિવેદનબાજી પક્ષના જોડાણ માટે અયોગ્ય હોવાની વાતો ચાલી હતી. એવામાં શિવતારેને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુલાકાત માટે બોલાવ્યા હતા. જોકે, મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતે શિવતારેએ શિંદેને મળવા માટે સાત કલાક સુધી રાહ જોવી પડી હતી. એટલે કે શિવતારીના નિવેદનોથી શિંદે નારાજ થયા હોવાની ચર્ચા પણ થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે શિવતારેએ અજિત પવારને નિશાને લેતા કહ્યું હતું કે મહાયુતિ થવાના કારણે મેં તેમને માફ કર્યા હતા. જોકે છતાં અજિત પવારની તોછડાઇ ગઇ નથી. જનતા તેમને ક્યારેય નહીં ચૂંટે. હું તેમને બારામતીની લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડીને હરાવીશ અને બદલો લઇશ, તેમ શિવતારેએ જણાવ્યું હતું.
બારામતી લોકસભા બેઠક ઉપરથી સુપ્રિયા સુળેની સામે મહાયુતિ તરફથી અજિત પવારના પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી અપાય એવી શક્યતા છે ત્યારે શિવતારેના નિવેદનના કારણે બારામતીમાં રાજકીય માહોલ ગરમાયો હતો.