દહેજ માટે પરિણીતાને સળગાવી: પતિ-સાસરિયાં વિરુદ્ધ ગુનો

થાણે: થાણેમાં 50 લાખ રૂપિયાના દહેજ માટે પરિણીતાને સળગાવીને મારી નાખવામાં આવી હોવાની ફરિયાદ બાદ પોલીસે પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
હરિયાણાના પાણીપતની વતની નમ્રતાનાં લગ્ન 2017માં થાણેમાં રહેતા નિખિલ અગ્રવાલ સાથે થયાં હતાં. દંપતીને એક પુત્ર પણ છે. પોલીસ ફરિયાદ અનુસાર લગ્ન પહેલાં નમ્રતાના પરિવાર પાસેથી સાસરિયાંએ 50 લાખ રૂપિયા લીધા હતા. જોકે ફ્લૅટ ખરીદવા માટે સાસરિયાં દ્વારા વધુ 50 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આટલી મોટી રકમ આપવામાં પિયરિયાંએ અક્ષમતા દેખાડતાં સાસરિયાં દ્વારા નમ્રતાને રોજેરોજ કથિત ત્રાસ આપવામાં આવતો હતો. કહેવાય છે કે ગયા વર્ષની 24 ઑક્ટોબરે સાસરિયાંએ નમ્રતાને જીવતી સળગાવી હતી. ગંભીર રીતે દાઝેલી નમ્રતાનું સારવાર દરમિયાન બે મહિના બાદ મૃત્યુ થયું હતું.
નમ્રતાનાં સાસરિયાંએ ટિપ્પણી કરી હતી કે માગેલી રકમ ચૂકવી દીધી હોત તો નમ્રતા અત્યારે જીવતી હોત, એવો આક્ષેપ તેની માતાએ ફરિયાદમાં કર્યો હતો.
આ પ્રકરણે કાસારવડવલી પોલીસે બુધવારે નમ્રતાના પતિ નિખિલ, સસરા સુરેન્દ્ર અગ્રવાલ, સાસુ સરોજ અગ્રવાલ, જેઠ શિકિલ સુરેન્દ્ર અગ્રવાલ અને નણંદ નેન્સી અગ્રવાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)