વંદે ભારત ટ્રેન સામે ‘તેજસ એક્સપ્રેસ’ની ‘લોકપ્રિયતા’ ઘટી, જાણો કેમ?
મુંબઈ: દેશના વ્યસ્ત રેલવે કોરિડોરમાં મુંબઈ-અમદાવાદના કોરિડોરનું નામ મોખરાનું છે, જેમાં એક પછી એક નવી ટ્રેનોની જાહેરાત વચ્ચે અન્ય પ્રીમિયમ ટ્રેનની તુલનામાં વંદે ભારત એક્સપ્રેસ વધુ લોકપ્રિય બની રહી છે.
મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈના કોરિડોરમાં શતાબ્દી, ડબલડેકર, કર્ણાવતી, તેજસ એક્સપ્રેસ સહિત વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, પરંતુ પ્રવાસીઓની પહેલી પસંદ હવે વંદે ભારત એક્સપ્રેસ બની રહી છે. વંદે ભારત એક્સપ્રેસની સામે તેજસ એક્સપ્રેસની લોકપ્રિયતા ઘટી રહી છે, જેમાં ટ્રેનના ટાઈમટેબલ, રિયલ ફેર સહિત ટ્રેનના ઈન્ટિરિયર-આધુનિકતાનું કારણ જવાબદાર છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં મુસફારી કરનાર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. વંદે ભારત ટ્રેનને લોકો દ્વારા વધુ પસંદગી મળતા આઇઆરસીટીસી હેઠળની પ્રાઈવેટ તેજસ એક્સ્પ્રેસ ટ્રેન તરફ પ્રવાસીઓને પસંદ પડી રહી નથી. બીજી બાજુ વંદે ભારતની મુસાફરી તેજસ એક્સ્પ્રેસ કરતાં સસ્તી અને ઝડપી હોવાથી તેજસ એક્સ્પ્રેસની કમાણીમાં મોટો ઘટાડો આવ્યો છે.
વંદે ભારત પાંચથી સાડાપાંચ કલાકમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેના સફરને પૂર્ણ કરે છે, જ્યારે તેજસ એક્સ્પ્રેસ લગભગ છથી સાડા છ કલાક જેટલો સમય લે છે. વંદે ભારત અને તેજસ એક્સ્પ્રેસની મુસાફરીમાં એકથી દોઢ કલાકના તફાવતને કારણે વંદે ભારત પ્રવાસીઓની પસંદ બનવાની સાથે આકર્ષણ પણ બની છે.
મુંબઈથી અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેન તેજસ એક્સ્પ્રેસ કરતાં ઓછી કિંમતે લોકોને મુસાફરી કરાવે છે. મુંબઈથી અમદાવાદ વંદે ભારત ટ્રેન ચેર કોચના 1220 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કોચના 2295 રૂપિયા લે છે જ્યાં તેજસ એક્સ્પ્રેસ આ જ રુટમાં 1680 અને 2370 રૂપિયા વસૂલ કરે છે.
વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતાને જોઈને આઇઆરસીટીસીની તેજસ એક્સ્પ્રેસ સામે બંધ થવાનું જોખમ ઊભું થયું છે. જો લોકો તેજસને બદલે વંદે ભારતમાં મુસાફરી કરવાનું પસંદ કરશે તો આગામી સમયમાં આર્થિક નુકસાનને કારણે તેજસ એક્સ્પ્રેસ ટ્રેન સેવા પર બંધ થવાનો વખત આવશે. વંદે ભારત ટ્રેન અને તેજસ એક્સ્પ્રેસની મુસાફરીના સમય વચ્ચે મોટો અંતર નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ વંદે ભારત ટ્રેનમાં મોટા ભાગની સીટ વેટિંગ અથવા ફૂલ જોવા મળી રહી છે, અને તેમાં પણ વંદે ભારતના એક્ઝિક્યુટિવ કોચ ઉત્તમ સુવિધા આપે છે જેથી અનેક વખત વંદે ભારતમાં સીટ મેળવવું મુશ્કેલ બને છે. તો બીજી જગ્યાએ તેજસ એક્સ્પ્રેસ વધુ કિંમતે અને વધુ સમયમાં મુસફારી કરાવતા ટ્રેનની સીટ મોટે ભાગે ખાલી રહે છે, એવી માહિતી એક રેલવે અધિકારીએ આપી હતી.