હવે ‘મરાઠી’માં જ દસ્તાવેજો! ટેક્સી અને રિક્ષા ડ્રાઇવર્સ માટે મહત્ત્વની News
મુંબઈ: દેશમાં લોકસભા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે દરેક પાર્ટી પોતાના મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહી છે, જેમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી (શિંદે-ફડણવીસ-પવાર) પણ એ જ રસ્તે છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા મહારાષ્ટ્ર સરકાર પણ મરાઠી મતદારોને રિઝવવામાં વ્યસ્ત છે, જે અન્વયે રિક્ષા-ટેક્સીચાલકો માટે મરાઠી ભાષાના જ્ઞાન સાથે હવે સરકારી દસ્તાવેજો પણ મરાઠી ભાષામાં ફરજિયાત રાખવાની તૈયારી કરી છે.
અલબત્ત, મરાઠી ભાષાનો મુદ્દો હવે ફક્ત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) જ નહીં પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ઉપાડવામાં આવી રહ્યો છે. હવેથી ટેક્સી અને ઑટો રિક્ષા ડ્રાઇવરોના દસ્તાવેજો ફરજિયાત મુંબઈના ટેક્સીચાલકો અને રિક્ષાચાલકોને તેમના દસ્તાવેજો મરાઠી ભાષામાં રાખવાનું ફરજિયાત કરવાની જોગવાઇ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.
આ અંગે પહેલા પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પોલિસી તૈયાર કરવામાં આવી હતી. જોકે, બોમ્બે હાઇ કોર્ટે આ વિશેની જોગવાઇ ફગાવી દીધી હતી. બુધવારે પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલો આ નિર્ણય કાયદાકીય દૃષ્ટીએ યોગ્ય ઠેરવાઇ શકે કે નહીં એ અંગે ચર્ચા ચાલી રહી છે.
જાહેરમાં મરાઠી ભાષાનો ઉપોયગ વધે અને સરકારી કામકાજોમાં મરાઠી ભાષાને જ પ્રાધાન્ય આપવામાં આવે એ માટે પ્રધાન મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. નર્સરી તેમ જ પ્રિ સ્કૂલમાં મરાઠી ભાષાના વ્યંજનો શિખડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મરાઠી ભાષાના ઉપયોગનું કડકપણે પાલન કરવામાં આવે એ માટે મહારાષ્ટ્ર સરકાર કામ કરી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ વધુમાં વધુ કરવામાં આવે એ પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.