Lok Sabha Election: દિલ્હીમાં કોંગ્રેસ-AAP ગઠબંધનથી ભાજપ ડરી ગઈ! 7માંથી 6 ઉમેદવારો બદલ્યા
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી ગઈ કાલે બુધવારે જાહેર કરી હતી. જેમાં ઘણા વર્તમાન સાંસદોની ટીકીટ કાપવામાં આવી હતી. દિલ્હીથી ભાજપના 7 વર્તમાન સાંસદોમાંથી 6ને પડતા મુકવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ ભાજપે દિલ્હીમાં AAP અને કોંગ્રેસના વધી રહેલા પ્રભુત્વને કારણે આ નિર્ણય લીધો છે. ભાજપ ભલે જાહેરમાં વિપક્ષ તરફથી મળી રહેલા પડકારને નકારી રહ્યું છે, પરંતુ દિલ્હી માટે જાહેર થયેલી ઉમેદવારોની યાદી જોઇને સ્પષ્ટ છે, કે AAP-કોંગ્રેસનું ગઠબંધન ભાજપ માટે ચિંતાનો વિષય છે.
2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ 7 બેઠકો જીતી હતી. છતાં પણ આ વખતે પાર્ટીએ 7માંથી 6 ઉમેદવારો બદલ્યા છે. સિંગરમાંથી નેતા બનેલા મનોજ તિવારી એકમાત્ર સાંસદ છે જેમને ફરી એક વાર ટીકીટ મળી છે, બાકીના સાંસદોની પડતા મુકવામાં આવ્યા છે, જેમાં હર્ષ વર્ધન, મીનાક્ષી લેખી, રમેશ બિધુરી અને પરવેશ સાહિબ સિંહ વર્માનો સમાવેશ થાય છે. આ સિવાય ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીર અને ગાયક હંસ રાજ હંસને પણ ટીકીટ નથી મળી.
જાણકારોના મત મુજબ રમેશ બિધુરી અને પરવેશ વર્માને તેમણે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે તક નથી મળી છે. ગૌતમ ગંભીરે પહેલેથી જ પાર્ટીના નેતૃત્વને રાજકીય જવાબદારીમાંથી મુક્ત કરવા કહ્યું હતું, ત્યારબાદ હર્ષવર્ધને પણ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પસંદ કરાયેલા નવા ઉમેદવારોમાં દિવંગત સુષ્મા સ્વરાજ બાંસુરી સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ, યોગેન્દ્ર ચંદોલિયા, હર્ષ મલ્હોત્રા, દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુરી, પ્રવીણ ખંડેલવાલ અને કમલજીત સેહરાવતનો સમાવેશ થાય છે.
INDIA ગઠબંધનમાં બેઠકોની વહેંચણી મુજબ, દિલ્હીમાં AAP ચાર અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. 2019ની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસનો વોટ શેર 18 ટકા અને 22 ટકા હતો. જ્યારે ભાજપને 57 ટકા વોટ મળ્યા હતા. અગાઉ 2014માં AAPનો વોટ શેર 33 ટકા અને કોંગ્રેસનો 15 ટકા હતો. ભાજપ જાણે છે કે આ વખતે બંને પક્ષોના મતોમાં કોઈ વિભાજન નહીં થાય, માટે બંને પક્ષો મળીને ભાજપના ઉમેદવારોને પછાડી શકે છે.