Sushantsingh Rajputની બહેને PM Modiને કરી આ અપીલ
નવી દિલ્હીઃ મારા ભાઈના મૃત્યુને 45 મહિના વીતી ગયા, અમે હજુ જવાબો શોધી રહ્યા છીએ. આ શબ્દો છે એક બહેનના જેનો 34 વર્ષનો ભાઈ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો હતો. જોકે તેના મૃત્યુ વિશેના સવાલોના જવાબો માત્ર એક પરિવાર નહી આખો દેશ શોધી રહ્યો છે. અભિનેતા સુશાંત રાજપૂતની બહેને છેક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વીડિયો દ્વારા સુશાંતના મોતનું રહસ્ય જણાવવાની અપીલ કરી છે.
14 જૂન, 2020 ના રોજ, સુશાંત તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતની આત્મહત્યા કે હત્યા આ મામલે ઘણી થિયરીઓ બહાર આવી હતી અને ભારે ઉહાપોહ મચ્યો હતો.
સુશાંતના પરિવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR નોંધાવી છે. કેસ નોંધવામાં આવ્યો હતો અને કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. પરંતુ સુશાંતનો પરિવાર અને તેના ચાહકો હજુ પણ આ તપાસના અપડેટની રાહ જોઈ રહ્યા છે. હવે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ શેર કર્યો છે અને તેમની મદદ માગી છે.
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તે આ સંદેશ વડાપ્રધાનના નામે શેર કરી રહી છે. તેણે કહ્યું છે કે હું તમારું ધ્યાન દોરવા માગું છું કે મારા ભાઈનું મોત થયાને આ 45મો મહિનો છે અને હજુ પણ અમારી પાસે સીબીઆઈ તપાસ અંગે કોઈ અપડેટ નથી. હું તમને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરું છું. કારણ કે એક પરિવાર અને એક દેશ તરીકે અમે આ કેસ સાથે જોડાયેલા ઘણા વણઉકેલ્યા પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છીએ.
શ્વેતાએ વધુમાં કહ્યું કે તે પીએમ મોદીના હસ્તક્ષેપ ઈચ્છે છે જેથી તે તપાસ અંગે કોઈપણ અપડેટ મેળવી શકે. તેણે કહ્યું કે તમે જો હસ્તક્ષેપ કરશો તો અમને એ જાણવામાં ઘણી મદદ મળશે કે CBI તેની તપાસમાં ક્યાં સુધી પહોંચી છે. આનાથી ન્યાય પ્રણાલીમાં આપણો વિશ્વાસ પણ મજબૂત થશે. અને આ દુઃખમાંથી પસાર થતા ઘણા લોકોને શાંતિ થશે. જેઓ 14 જૂને શું થયું તે પ્રશ્નના જવાબો શોધી રહ્યા છે.
વીડિયોના કેપ્શનમાં શ્વેતાએ લખ્યું છે મારા ભાઈ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 45 મહિના થઈ ગયા છે, અને અમે હજી પણ જવાબો શોધી રહ્યા છીએ. મોદીજી, સીબીઆઈ તપાસની ક્યા પહોંચી તે જાણવામાં કૃપા કરીને અમારી મદદ કરો. અમે સુશાંત માટે ન્યાય મેળવવા માંગીએ છીએ.
સુશાંતે 2013માં આવેલી ફિલ્મ કાઈ પો છેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અગાઉ પવિત્ર રિશ્તા નામની ટીવી સિરિયલમાં માનવના પાત્ર તરીકે તે ઘર ઘરમાં જાણીતો થયો હતો.