શેર બજાર

ઈક્વિટીઝમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ગતિ ધીમી પડી

મુંબઈ: ૨૦૨૩માં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીઝમાં રોકાણની ગતિ ગયા વર્ષની સરખામણીએ ધીમી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષમાં ડીઆઈઆઈ દ્વારા ઈક્વિટીઝમાં રૂપિયા એક લાખ કરોડનો ઈન્ફલોઝ ૧૫૮ સત્રમાં જોવા મળ્યો છે, જ્યારે ગયા વર્ષમાં ૫૯ સત્રમાં જ ડીઆઈઆઈનું રૂપિયા એક લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યું હતું.
૨૦૨૨માં ડીઆઈઆઈએ દેશની ઈક્વિટી બજારમાં કેશમાં એકંદર રૂપિયા ૨.૭૬ લાખ કરોડનું રોકાણ કર્યું હતું, જે કોઈ એક કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીનું સૌથી વધુ હતું. ૨૦૨૧નો રોકાણ આંક રૂપિયા એક લાખ કરોડ રહ્યો હતો જ્યારે ૨૦૨૦માં ડીઆઈઆઈ રૂપિયા ૪૧૦૦૦ કરોડના નેટ વેચવાલ રહ્યા હતા.
એસઆઈપી ઈન્ફલોઝમાં વધારાને કારણે ઈક્વિટીઝમાં ડીઆઈઆઈનું રોકાણ વધી રહ્યાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. સામાન્ય રીતે જ્યારે વિદેશી રોકાણકારોનો ઈન્ફલોઝ જોરદાર હોય છે ત્યારે ડીઆઈઆઈની વેચવાલી રહેતી હોય છે અને તેઓ પ્રોફિટ બુકિંગ કરતા હોય છે.
વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીઝમાં ડીઆઈઆઈની રૂપિયા ૧૦૩૧૨૫ કરોડની નેટ ખરીદી રહી છે જ્યારે એફઆઈઆઈએ નેટ રૂપિયા ૮૩૬૧.૫૦ કરોડનો માલ ખરીદ કર્યો છે. અન્ય ઊભરતી બજારોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર હાલમા મજબૂત સ્થિતિમાં છે જેને પરિણામે સંસ્થાકીય રોકાણકારોનું બજારમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે.
જો કે ગયા વર્ષની સરખામણીએ ડીઆઈઆઈની ઈક્વિટીઝ રોકાણમાં ધીમી ગતિ માટે બેન્કોમાં ઊંચા થાપણ દર જવાબદાર હોવાનું પણ માનવામાં આવે છે. બેન્ક થાપણ દર હાલમાં સાડાસાતથી આઠ ટકા જેટલા જોવા મળી રહ્યા છે. વ્યાજ દરમાં વધારાને કારણે બેન્ક થાપણોમા વૃદ્ધિ જોવા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button