Vada Paav Lovers માટે Good News…
મુંબઇના Vada Paav દુનિયાની ટોપ 50 સેન્ડવિચમાં આટલામાં ક્રમે!
મુંબઈ: મુંબઈગરા અને વડાપાઉં જાણે ચોલી દામનનો સાથ… દરેક ગલીના નાકે મળતાં આ વડાપાઉં વિના તો મુંબઈનો પરિચય એકદમ અધૂરો જ ગણાય. એકલા મુંબઈમાં જ 15-20 રૂપિયામાં મળતાં આ વડાપાઉંને કારણે સ્નેક્સ માર્કેટમાં કરોડો રૂપિયાની ઉથલપાથલ જોવા મળે છે એવો એક અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
હવે આ વડાપાઉંને જ લઈને હવે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આપણા સૌના આ મનપસંદ વડાપાઉંને દુનિયાની સૌથી વધુ લોકપ્રિય અને ખવાતી એવી ટોપ 50 સેન્ડવિચમાં 19મુ સ્થાન આપવામાં આવ્યું છે.
જી હા, એક ખૂબ જ ફેમસ ટ્રાવેલ ગાઈડ દ્વારા દુનિયાની સૌથી ફેમસ એના લોકપ્રિય 50 સેન્ડવિચની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં વડાપાઉંને પણ સ્થાન આપવામાં આવ્યું છે. માત્ર મુંબઈગરા જ નહીં પણ મુંબઈ ફરવા આવનારા પર્યટકો પણ અહીં આવીને આ વડાપાઉંની મજા માણવાનું ભૂલતા નથી અને જીવનભર માટે આ વડાપાઉંનો સ્વાદ તેમની દાઢે ચોંટી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ યાદીમાં વડાપાઉંનું સ્થાન 13મુ હતું અને આ વર્ષે તે 19મા સ્થાને પહોંચી જતા તેની લોકપ્રિયતામાં ચોક્ક્સ જ થોડો ઘટાડો જોવા મળ્યો છે પણ આપણા આ તીખા તમતમતા અને ચટાકેદાર વડાપાઉં કે જેને આપણે સૌ કોઈ દેસી બર્ગર કે ગરીબોના બર્ગરના હુલામણા નામે પણ ઓળખીએ છીએ તેણે ટોપ 20માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે એ ખૂબ મોટી અને મહત્વની વાત છે.
આ યાદીમાં વિયેતનામની બન્હ મી સેન્ડવિચ પહેલાં સ્થાને તો ટર્કીની ટોમ્બિક સેન્ડવિચે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે લેબનોનની શોરમાં સેન્ડવિચે આ યાદીમાં ત્રીજું સ્થાન હાંસિલ કર્યું છે.
ટેસ્ટ એટલાસ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર 1960-70ના દાયકામાં અશોક વૈદ્ય નામના મરાઠી માનુસે દાદર રેલવે સ્ટેશનની બહાર આ વડાપાઉં બનાવવાની શરૂઆત કરી હતી અને અને ત્યાંથી આ વડાપાઉં આખા મુંબઈ અને દેશ દુનિયામાં પહોંચીને લોકપ્રિય થયો હતો.