નેશનલ

Delhi Fire: દિલ્હીના શાસ્ત્રીનગરની રહેણાંક બિલ્ડીંગમાં ભીષણ આગ, બે બાળકો સહીત 4ના મોત

દિલ્હીના શાસ્ત્રીનગર(Shastrinagar) વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે એક ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ(Fire) લગતા દોડધામ મચી ગઈ હતી, આ ભયંકર આગમાં બે બાળકો સહીત ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ફાયર વિભાગના અધિકારીઓએ 9 લોકોને બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં 30 વર્ષીય મનોજ, 28 વર્ષીય સુમન અને પાંચ અને ત્રણ વર્ષની બે છોકરીઓના મોત થયા છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે આજે સવારે લગભગ 5.20 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. એક સ્થાનિક પોલીસ ટીમ, ચાર ફાયર એન્જિન, એમ્બ્યુલન્સ અને પીસીઆર વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પતિ-પત્ની અને બે બાળકોના ગૂંગળામણને કારણે મોત નીપજ્યું છે. વધુ તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ, જે બિલ્ડીંગમાં આગ લાગી એ ચાર માળની છે, બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર પાર્કિંગની સુવિધા છે. પહેલા પાર્કિંગમાં આગ લાગી હતી અને ત્યાર બાદ ધુમાડો આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. જે બિલ્ડીંગમાં આગ લાગી તે એક સાંકડી ગલીમાં આવેલી હોવાથી ફાયર વિભાગને બચાવ કામગીરી હાથ ધરવામાં મુશ્કેલી થઇ હતી. ફાયર વિભાગે બિલ્ડિંગમાંથી 9 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેમને હેડગેવાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આગ લાગવા પાછળના કારણોની હજુ તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button