શેર બજાર

સમૃદ્ધિનાં પંથનો એક જ મંત્ર વિકાસ!

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

પ્રથમ અને દ્વિતીય વિશ્ર્વ યુદ્ધમાં યુરોપ તો તારાજ થઈ ગયેલું તે આપણે સૌ જાણીએ છીએ અને સાથોસાથ એ પણ ખબર છે કે આ બન્ને યુદ્ધના આર્થિક ફાયદો કોઈને થયો હોય તો તે થયો છે અમેરિકાને!
અમેરિકા છેલ્લાં ૧૦૦ કરતાં પણ વધારે વર્ષોથી દુનિયામાં સમૃદ્ધ રાષ્ટ્ર છે અને તેના નાગરિકોને જે પ્રાથમિક સુવિધાઓ મળે છે તે આપણા માટે લઝકરી ગણાય. આમ છતાં પણ અમેરિકામાં આવનારા તમામ પ્રમુખોએ વિકાસને શા માટે મહત્ત્વ આપેલ છે? કારણ કે આ તમામ પ્રમુખો જાણે છે કે અમેરિકામાં આજે જે સુખ સુવિધા અને વિશ્ર્વમાં નં. ૧નું ટાઈટલ છે તેને ટકાવી રાખવા માટે સતત વિકાસ જરૂરી છે કારણ કે દુનિયાના બીજા દેશો પણ વિકાસ ભણી દોડ લગાવી રહ્યા છે. સેક્ધડ વર્લ્ડ વોરમાં તારાજ થયેલું પશ્ર્ચિમ યુરોપ કે ૧૯૯૦માં સામ્યવાદીના ભરડામાંથી બહાર આવેલા હંગેરી, ઝેક રિપબ્લિક અને અન્ય દેશો ભારે ઝડપથી તેનો આર્થિક વિકાસ સાધી રહ્યા છે. સામ્યવાદીનો ગઢ ગણાતા ચીનને પણ ૭૦ના દશકામાં સમજાયું કે વિકાસ વગર ઉદ્ધાર નથી અને તેથી જ તેણે વિદેશીઓને ચીનમાં વ્યાપાર ઉદ્યોગ સ્થાપવા માટે તેમના દ્વાર ખોલી નાખ્યા અને આજે માત્ર ૩૫ થી ૪૦ વર્ષના ગાળામાં વિશ્ર્વમાં અમેરિકા પછી બીજા નંબરની આર્થિક તાકાત થઈ ગઈ છે અને જાપાનને ત્રીજા નંબર પર ધકેલી દીધું છે. તેથી જો અમેરિકાએ તેની વિકાસની કૂચ આગળ ના ચાલુ રાખી હોતે તો ક્યારનું ફેંકાઈ ગયું હોતે.
જાપાનીઝ ઑટો કંપનીઓની અમેરિકામાં એન્ટ્રી: અમેરિકાના ૩૯મા પ્રમુખ તરીકે જ્યારે જીમી કાર્ટરે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ તેણે અમેરિકાનાં રાજ્યોના ગવર્નરોની પરિષદને સંબોધતા જણાવેલું કે અમેરિકા માટે સમય પાકી ગયો છે કે તે જાપાનની ઑટો મેન્યુફેકચરીંગની ટૅકનોલોજી સુપીરોયરિટીને સ્વીકારે અને જાપાનીઝ ઑટો કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા સમજાવે.
૧૯૭૯માં ટેનેસી અમેરિકાનું ત્રીજા નંબરનું પછાત રાજ્ય હતું. ટેનેસીના ગવર્નર એલેકઝાંડરે જ્યારે જાપાનીઝ ઓટો મેન્યુફેકચરિંગ કંપની નિસાનની મુલાકાત લીધી ત્યારે નિસાનના ચેરમેને એલેકઝાંડરને સીધો પ્રશ્ર્ન કર્યો “ટેનેસી ક્યાં આવ્યું? ત્યારે એલેકઝાંડરે કહ્યું બરાબર અમેરિકાની વચ્ચે તેમ કહીને અમેરિકાનો સેટેલાઈટ ફોટો બતાવ્યો જેમાં પૂર્વ અને પશ્ર્ચિમના ઍન્ડ પર લાઈટો હતી અને વચ્ચેના ભાગમાં હતું કાળું ધાબુ કારણ કે ત્યારે ટેનેસીમાં કંઈ હતું જ નહીં તેથી લાઈટો ક્યાંથી હોય? આ કાળું ધાબુ બતાવીને કહ્યું “આ છે ટેનેસી. પણ આ અનડેવલોપ પ્રદેશના વખાણ કરતા કહ્યું “ડેટ્રોઈટમાં અમેરિકનના મોટા ભાગની કાર ઈન્ડસ્ટ્રી છે, પણ તમારા માટે આ નવો એક્સક્લુઝીવ પ્રદેશ છે કે જેમાં ઓટો ઈન્ડસ્ટ્રીના લેબર યુનિયનનો ત્રાસ પણ નહીં હોય. ૩૦ વર્ષ પહેલા જાપાનીઝ ઓટો મેન્યુફેકચર્સ ઓટો ઉત્પાદન જાપાનમાં જ કરવામાં માનતા હતા કારણ કે ત્યાંની તેઓની સપ્લાઈ ચેઈન ઉપર ક્વૉલિટી કંટ્રોલ અને ભાવ ઉપર કંટ્રોલ હતો ઉપરાંત ટ્રાન્સપાર્ટેશન સસ્તું હતું તેથી તેઓ બીજા દેશોમાં ઑટો ઉત્પાદનના પ્લાન્ટ સ્થાપવાનું વિચારતા પણ નહોતા.
૭૦ના દશકામાં જાપાનીઝ ઑટો નિર્માતાઓએ અમેરિકામાં ઑટોની નિકાસ કરીને અમેરિકી સરકાર માટે મુશ્કેલીઓ પેદા કરી દીધેલી હતી. ૧૯૮૦માં અમેરિકાએ જાપાનીઝ કારની આયાત ઉપર અંકુશો લાદયા, અને મે ૧૯૮૧માં જાપાને વર્ષે ૧૬.૮૦ લાખથી વધારે કાર નિકાસ નહીં કરવાની બાંહેધરી આપી જે જાપાની કારની નિકાસમાં ૭ ટકાનો ઘટાડો હતો તેટલું જ નહીં અમેરિકાએ ઈમ્પોર્ટેડ પીક અપ વૅન પર પચીસ ટકાની આયાત ડ્યૂટી વધારી દીધી. અમેરિકાએ જાપાનીઝ અને અન્ય દેશોના લોકોને જણાવ્યું કે તમો અમેરિકી માર્કેટ તમારી પ્રોડક્ટ ડમ્પ કરવા માટે નહીં વાપરી શકો. તમારી ગુણવત્તા વાળી પ્રોડક્ટ જ તમો અમેરિકન માર્કેટમાં વેચી શકશો અને તેના માટે તમારે અમેરિકામાં ઉત્પાદન કરવા માટે પ્લાન્ટ નાખીને ટૅક્નોલોજી શેર કરવી પડશે.
નિસાન કારના નિર્માતા ના છૂટકે ટેનેસીમાં પ્લાન્ટ નાખવા તૈયાર થયા, પણ તેઓને અમેરિકી પાર્ટ સપ્લાય ઉપર વિશ્ર્વાસ ના હોય કારને લગતા તમામ પાર્ટસ જાપાનથી આયાત કરતા હતા. થોડાં વર્ષો બાદ જાપાનીઝકાર નિર્માતાઓ અમેરિકી પાર્ટસ સપ્લાયર્સ પાસેથી માલ લેવા તૈયાર થયા પણ તે પૂરતું ના હોય અમેરિકી સરકારે ૧૯૯૨માં કાયદો ઘડીને ફોરેન ઑટો મેન્યુફેકચર્સ માટે તેઓના વેહિકલમાં કેટલા ટકા પાર્ટસ ‘મેઈડ ઈન અમેરિકા’ છે તે જાહેર કરવાનું ફરજિયાત બનતા જાપાનીઝ ઑટો મેન્યુફેક્ચર્સને સમજાયું કે આની અસર દેશપ્રેમી અમેરિકન ઉપર પડશે અને તેથી ઑટોમાં અમેરિકન પાર્ટસનું પ્રમાણ વધવા લાગ્યું. આની ધારી અસર થઈ અને જાપાનીઝ ઑટો પાર્ટસ મેન્યુફેક્ચર્સ અમેરિકામાં તેનો પ્લાન્ટ નાખવા લાગ્યા અને આજે તો નિસાન તેના ઑટો એન્જિનનું અમેરિકન માર્કેટમાં ઉત્પાદન કરી જાપાનમાં નિકાસ કરે છે. આવા સંજોગોમાં એલેકઝાંડરે નિસાનની ૩૦૦ મિલિયન ડૉલર્સની ફેકટરીમાંથી ૧૯૮૩માં પહેલી પિક-અપ વૅન બહાર પાડી. આજની મંદીમાં પણ અમેરિકામાં જે કારનું ઉત્પાદન થાય છે તેમાંથી ૪૦ ટકા કાર જાપાનીઝ કાર હોય છે અને તેમાં હજારો અમેરિકી કામદારોને રોજી રોટી મળે છે અને આ રીતે અમેરિકન પ્રમુખ જીમી કાર્ટરે અમેરિક્ધસને ઉચ્ચ કક્ષાની જાપાનીઝ કાર ઉપલબ્ધ કરાવી તેટલું જ નહીં પણ અમેરિકન ઈકોનોમીમાં એમ્પ્લોયમેન્ટના નવા દ્વાર પણ ખોલ્યા, ૧૯૮૩ પહેલા ટેનેસી રાજ્ય બહુ પછાત ગણાતું હતું અને નવા રોજગારનાં ક્ષેત્રોનો પણ અભાવ હતો તે ૧૯૮૩માં સૌથી વધારે રોજગાર આપતું અમેરિકાનું ત્રીજા નંબરનું રાજ્ય બની ગયું હતું.
બ્રાઝિલમાં ફોક્સકોન:
જે કામ ટેનેસીના ગવર્નરે તેના રાજ્યમાં ૧૯૭૯માં જાપાનની મુલાકાત લઈને નિસાન ઑટો મેન્યુ.ને તેના રાજ્યમાં પ્લાન્ટ સ્થાપીને રોજગારની તકો વધારી તેજ કામ બ્રાઝિલની મહિલા પ્રમુખે ૧લી જાન્યુ. ૨૦૧૧ના સત્તાનો દૌર તેના હાથમાં લઈને કર્યું, એપ્રિલ ૨૦૧૧માં તેણે ચીનની મુલાકાત લીધી અને જાણ્યું કે ચીનમાં તાઈવાન સ્થિત ફોક્સકોન ગ્રુપ અમેરિકન કંપનીઓ ડેલ, એચ ઍન્ડ પી અને ઍપલ માટે એસેમ્બલિંગનું કામ કરીને લાખો ચીની કામદારોને રોજગાર આપી ચીનની ઈકોનોમીને મદદ કરી રહી છે એટલે તેણે તુરત જ ફોક્સકોનનો સંપર્ક કરી તેને બ્રાઝિલમાં એસેમ્બિલિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ટેક્સમાં રાહત, સબ્સિડાઈઝ લોન, કસ્ટમમાં સ્પેશિયલ સેલ, લોવર પાવર ટેરિફ વગેરેનો વાયદો કરતા ફોક્સકોન તુરંત એગ્રી થઈ ગયું અને બ્રાઝિલમાં પ્લાન્ટ સ્થાપીને ૨૦૧૨માં “મેઈડ ઈન બ્રાઝિલના માર્કા વાળા આઈફોન દુનિયાભરમાં સપ્લાઈ કરવા લાગ્યા અને હજારો બ્રાઝિલિયન્સને રોજગારમાં રાખ્યા.
ભારતનો સિનેરિયો:
ચીન પછી લગભગ ૧૩ વર્ષે ૧૯૯૧માં ભારતે વિદેશી મૂડી રોકાણ માટે દ્વાર ખોલ્યા અને શરૂઆતનાં વર્ષો બાદ વિકાસમાં અર્થશાસ્ત્ર ઉપર રાજકારણનો કબજો આવી ગયો. આજે ભારત દુનિયામાં સૌથી યુવાન દેશ છે કે જેની સૌથી મોટી મૂડી તો તેનો ઈંગ્લિશ સ્પિકિંગ યુવા વર્ગ છે, તેમ છતાં વિકાસમાં ઉદાસીનતા છે. કોઈ રાજ્ય વિકાસ કરે તો તેને પ્રોત્સાહન આપવાના વાંક શોધાય છે. ચીનની ૧૩ વર્ષની દૂરી આપણે પૂરી કરવાના બદલે વધારીને ૫૦ વર્ષ પાછળ થઈ ગયા છીએ કારણ કે સામ્યવાદી ચીન માત્ર તેની ઈકોનોમી ઓપનઅપ કર્યાના ૩૫ વર્ષમાં તો વિશ્ર્વની બે નંબરની આર્થિક મહાસત્તા બની ગયેલ છે. ભારતમાં સમૃદ્ધિ લાવવી હોય તો અમેરિકાના મહાન સ્કોલર અને જર્નાલિસ્ટ હૅન્રી મેકેનના શબ્દોને ખોટા પાડવા પડશે કે “અન્ડર ડેમોક્રેસી વન પાર્ટી ઑલવેઝ ડિવોટસ ઈટ્સ ચીફ એનર્જિસ ટુ ટ્રાઈંગ ટુ પ્રુવ ધેટ ધ અધર પાર્ટી ઈઝ અનફીટ ટુ રૂલ ઍન્ડ બોથ કોમન્લી સક્સિડ ઈન ડિસ્ટોઈંગ ઈકોનોમી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો