જામનગરના બેડી વિસ્તારમાં કોંગ્રેસના નેતા હારૂન પાલેજાની જાહેરમાં હત્યા, 10 જેટલા શખ્સોએ છરીનાં ઘા ઝીંક્યા
જામનગરના બેડી વિસ્તારમાં કોંગ્રેસના નેતા હારૂન પાલેજાની જાહેરમાં હત્યાથી ચકચાર મચી ગઈ છે. વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજા આજે શહેરના બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તિક્ષણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા અને શરીર પર હથિયારોના ઘા ઝિંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ હારૂન પાલેજાને તાત્કાલીક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હારૂન પાલેજાની હત્યા કરી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં ટીમો દોડાવી છે. હત્યા મામલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ કહ્યું હતું કે, હારુન પાલેજાની હત્યા કરવામાં આવી છે. આ બનાવ બાદ બેડી વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે. જે આરોપીઓ હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. જામનગર એલસીબી, એસઓજી સહિતની ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી છે. આસપાસના જિલ્લાઓની પોલીસના પણ સંપર્કમાં છીએ. ઉલ્લેખનિય છે કે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરત હતા. જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર છે.
વકીલ અને કોંગ્રેસ નેતા હારૂન પાલેજાની દાહેરમાં નિર્મમતાથી હત્યા કરી દેવાતા જામનગર વકીલ મંડળમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં ગુરુવારે જામનગર વકીલ મંડળના તમામ સભ્યોએ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. અત્રે જણાવી દઈ કે જામનગરમાં અગાઉ એપ્રિલ, 2018ના રોજ જામનગરના વકીલ કિરીટ જોશીની પણ ગેંગસ્ટર જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલના સાગરિતો દ્વારા શહેરના ટાઉનહોલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી.જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરાવી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો.