પંજાબમાં કોંગ્રેસને ઝટકો, નવજોત સિંહ સિદ્ધુએ લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, જણાવ્યું આ કારણ
પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ચૂંટણી નહીં લડવા માટે પોતાની બીમાર પત્નીનું કારણ બતાવ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સિદ્ધુની જગ્યાએ કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનિય છે કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પંજાબના તમામ વર્તમાન સાંસદોને ટિકિટ આપશે. જે બેઠકો પર કોંગ્રેસના કોઈ સાંસદ નથી, ત્યાં સ્ક્રીનીંગ કમિટી દ્વારા નામો પેનલમાં આપવામાં આવશે. કોંગ્રેસ સર્વેના આધારે પોતાના ઉમેદવારો પસંદ કરશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધુએ કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી નહીં લડવાની જાણકારી આપી છે. નવજોત સિંહ સિદ્ધુના લોકસભા ચૂંટણી નહીં લડવાના નિર્ણય પાછળ પારિવારિક કારણો હોવાનું કહેવાય છે. આ પહેલા સિદ્ધુએ કોંગ્રેસ છોડવાની વાતને બકવાસ ગણાવી હતી. તે સાથે તેમ પણ કહ્યું કે તેઓ ભાજપ કે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાના નથી. કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ તે બાબત પણ જણાવી હતી કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એકવાર કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. જો કે સિદ્ધુએ દાવો કર્યો કે તેમણે માનને કહ્યું કે તે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી માટે પ્રતિબદ્ધ છે અને તે તેમને છોડી શકે નહીં.
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પંજાબની 13માંથી 8 બેઠકો જીતી હતી. જ્યારે, શિરોમણી અકાલી દળ (SAD) અને ભાજપે 25 વર્ષથી ચાલતા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી. SADએ 10 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 3 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2 બેઠકો જીતી હતી.