Loksabha Election: ભાજપની બીજી યાદીથી મુંબઈના નેતાઓમાં Kahi Khushi Kahi Gum
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર થયા પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે, જેમાં આજે 72 ઉમેદવારનો સમાવેશ કર્યો છે. આજની યાદીમાં મહારાષ્ટ્ર સહિત મુંબઈની બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે, જેમાં ઉત્તર મુંબઈ અને ઉત્તર પૂર્વ મુંબઈના ઉમેદવારોની જાહેરાત કરીને અમુક નેતાઓની સાથે તેમના કાર્યકરો નારાજ થયા છે.
જોકે, આ વખતે ભાજપે નાંખેલી ગુગલીના કારણે બે સિટિંગ સાંસદની વિકેટ પડી ગઇ છે. ઉત્તર મુંબઈથી બે વખત સાંસદ રહી ચૂકેલા ગોપાલ શેટ્ટીનું પત્તું આ વખતે કપાયું છે અને તેમના સ્થાને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને ઉમેદવારી આપવામાં આવી છે. જ્યારે ઉત્તર પૂર્વ મુંબઈથી સાંસદની ટિકિટ પણ આ વખતે કપાઇ છે.
મનોજ કોટક પણ સીટીંગ સાંસદ છે અને તેમના સ્થાને મિહિર કોટેચાને લોકસભાની ચૂંટણીની ઉમેદવારી ઉત્તર પૂર્વ મુંબઈની બેઠક ઉપરથી આપવામાં આવી છે. ભાજપના આ નિર્ણયના કારણે સીટીંગ સાંસદ અને તેમના સમર્થકોને આઘાતજનક છે, જ્યારે પીયૂષ ગોયલ અને મિહિર કોટેચા માટે ભાજપની લોકસભા ઉમેદવારોની બીજી યાદી સરપ્રાઇઝ તરીકે જોવા મળી રહી છે.
ઉત્તર મુંબઈની બેઠક ભાજપ માટે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે અને ગઇ લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ ચાર લાખ કરતાં વધુ મતોની સરસાઇથી ભાજપના ઉમેદવાર આ બેઠક ઉપરથી વિજયી થયા હતા. એટલે કે ભાજપની ગઢ મનાતી આ બેઠક ઉપરથી પીયૂષ ગોયલને સેફ પેસેજ આપી દેવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.
બીજી તરફ ઉત્તર પૂર્વ મુંબઈની બેઠક ઉપરથી મનોજ કોટકનું નામ બાકાત કરી મિહિર કોટેચાને ઉમેદવારી અપાતા ભાજપે આ મતવિસ્તારના મતદારોને અચંબો આપ્યો છે. હવે આ બંને ઉમેદવારો લોકસભાની ચૂંટણીની કસોટીમાં કેટલા ખરા ઉતરે છે તે જોવાનું રહેશે.