વિદેશી મહિલા સહિત બે જણ રૂ. 12.40 લાખના ડ્રગ્સ સાથે પકડાયાં
થાણે: નવી મુંબઈમાં યુગાન્ડાની મહિલા સહિત બે જણને રૂ. 12.40 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નવી મુંબઈની એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના અધિકારીઓની નજર મંગળવારે રિક્ષામાં જઇ રહેલા બંને આરોપી પર પડી હતી. તેઓ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી)થી પલાસ્પે તરફ જઇ રહ્યાં હતાં.
પોલીસ અધિકારીઓએ શંકાને આધારે રિક્ષાને આંતર્યા બાદ બંનેની તલાશી લેતાં 125.34 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, એમ પનવેલ તાલુકા પોલીસે જણાવ્યું હતું.
બંનેની ઓળખ ફાતિમા નાયુતો (34) અને પ્રવીણ રામુ રાઠોડ (24) તરીકે થઇ હતી. ફાતિમા યુગાન્ડાની રહેવાસી છે, જ્યારે પ્રવીણ કર્ણાટકનો વતની હોઇ હાલ તે નવી મુંબઈમાં રહે છે. બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ હતી. આરોપીઓએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવાના હતા તેની તપાસ કરાઇ રહી છે. (પીટીઆઇ)