સીએએના કારણે મુસ્લિમોનો એક હક નહીં છિનવાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કેન્દ્ર સરકારે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અંગે જાહેરનામું બહાર પાડીને તેના અમલના નિયમો જાહેર કર્યા એ સાથે જ સોશિયલ મીડિયા પર પાછો કુપ્રચાર શરૂ થઈ ગયો છે. સીએએના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમો એટલે કે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મનાં લોકોને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે.
આ કાયદો સંપૂર્ણપણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમો એટલે કે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મનાં લોકો માટે છે, ભારતના મુસ્લિમોને તેની સાથે કંઈ લેવાદેવા નથી છતાં સોશિયલ મીડિયા પર એવો કુપ્રચાર પાછો શરૂ થઈ ગયો છે કે, સીએએના કારણે ભારતના મુસ્લિમોની નાગરિકતા છિનવી લેવામાં આવશે. આ કાયદો ભારતના મુસ્લિમોને પરેશાન કરવા બનાવવામાં આવ્યો છે.
આ કુપ્રચારના કારણે કેટલાક મુસ્લિમોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, સીએએ મુસ્લિમોની વિરૂદ્ધ છે એવો મુસ્લિમ સમાજમાં પ્રચાર કરાઈ રહ્યો છે. આ કુપ્રચારને રોકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી કે, સીએએના કારણે ૧૮ કરોડ ભારતીય મુસ્લિમોએ કોઈપણ સંજોગોમાં ડરવાની જરૂર નથી. સીએએના કારણે ભારતીય મુસ્લિમોની નાગરિકતા અને બીજા અધિકારો પર કે મુસ્લિમ સમુદાય પર કોઈ અસર નહીં થાય. ભારતીય મુસ્લિમોને ભારતમાં રહેતા હિંદુઓ સહિતના બીજા ધર્મનાં લોકોને જે અધિકારો મળેલા છે અને આ અધિકારોનો બીજાં ધર્મનાં લોકોની જેમ જ મુસ્લિમો પણ છૂટથી ઉપયોગ કરી શકે છે, તેમના પર કોઈ પાબંદી આવી જ નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએ હેઠળ ભારતીય નાગરિકતા માટે વેબ પોર્ટલ શરૂ કરી તેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટેની અરજીઓ મંગાવાઈ છે. ભારતીય મુસ્લિમોએ તો કશું કરવાનું જ નથી. એ લોકો તો ભારતના નાગરિકો છે ને રહેવાના છે તેથી તેમને કોઈ રીતે આ કાયદા સાથે કંઈ જ લેવાદેવા નથી. આ દેશના કરોડો હિંદુઓને આ કાયદાથી કોઈ ફરક પડતો નથી એ રીતે મુસ્લિમોને પણ ફરક પડતો નથી. ખ્રિસ્તીઓને ફરક પડતો નથી કે શીખોને ફરક પડતો નથી.
મોદી સરકારે સીએએ બનાવ્યો તે સામે વિરોધ કરવા માટે બીજાં નક્કર કારણો હોઈ શકે છે ને તેનો ઈન્કાર ના થઈ શકે. બહારના દેશોનાં લોકોને ભારતની નાગરિકતા આપવાથી આ દેશનાં લોકોનો જેના પર પહેલો અધિકાર છે એ દેશના સ્રોત પર બહારનાં લોકો પણ ભાગ પડાવશે એ સહિતના મુદ્દા પર કરવો હોય તો વિરોધ કરી શકાય પણ ધર્મના આધારે વિરોધ ના કરી શકાય.
સીએએના કારણે મુસ્લિમોમાં ડર છે ત્યારે એક વાત સ્પષ્ટ થવી જ જોઈએ કે, સીએએના અમલમાં આ દેશના નાગરિકો એવા મુસ્લિમો ક્યાંય નથી આવતા. સીએએના કારણે આ દેશના મુસ્લિમોને એક પૈસાનો ફરક પડતો નથી કે પડવાનો નથી. મુસ્લિમો આ દેશના નાગરિકો છે ને તેમની નાગરિકતા કોઈ છિનવી લેવાનું નથી. મુસ્લિમોને નુકસાન થશે કે તેમની નાગરિકતા સામે ખતરો છે એવી વાત કરનારા લોકો મુસ્લિમોના માનસમાં ઝેર ભરી રહ્યા છે. આ ઝેર ના ફેલાય એ માટે તેમના સુધી સત્ય પહોંચાડવું જરૂરી છે.
મુસ્લિમોએ એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે કે, આ દેશના બંધારણે આ દેશના તમામ નાગરિકોના અધિકારો જળવાય એ માટે નક્કર જોગવાઈઓ કરી જ છે. આ જોગવાઈઓને કોઈ બદલી ના શકે. અનંત કુમાર હેગડે જેવા લોકો ભાજપ સરકાર બંધારણ બદલી નાખશે એવો બકવાસ ભલે કરે પણ ભાજપ એવું નથી જ કરવાનો. આ દેશનાં બીજાં લોકોની જેમ મુસ્લિમો પણ બંધારણના સુરક્ષા કવચથી સુરક્ષિત જ છે તેથી મુસ્લિમોની નાગરિકતા છિનવી લેવાશે કે તેમને સાવ નોંધારા કરી દેવાશે એ વાત નર્યા બકવાસથી વધારે કંઈ જ નથી.
મુસ્લિમોએ એક વાત ગંભીરતાથી વિચારવી જોઈએ કે, સીએએના કારણે મુસ્લિમોનો મતાધિકાર છિનવાઈ જશે કે તેમને સેક્ધડ ક્લાસ સિટિઝન બનાવી દેવાશે એવી વાતો કોણ ફેલાવે છે? મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારો, કટ્ટરવાદીઓ કે પછી રાજકારણીઓ આ બધી વાતો કરે છે.
સીએએનો વિવાદ ચગ્યો હતો ત્યારે વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને તેના ભાગરૂપે જ સીએએ લવાયો છે. ભારતમાં મોટા પ્રમાણમાં મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ કરીને કહેલું કે, આ કાયદા દ્વારા ભારતમાં મુસ્લિમોને પતાવી દેવાશે તેથી મુસ્લિમોએ જિહાદ કરવી જ પડે. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ આ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી.
કૉંગ્રેસ સહિતના વિપક્ષો અને કહેવાતી દંભી સેક્યુલર જમાત પણ આ જ વાતો કરે છે એ જોતાં તેમનામાં ને આતંકવાદી સંગઠનોમાં શું ફરક ? આ રાજકીય પક્ષોને સંકુચિત રાજકીય સ્વાર્થમાં રસ છે તેથી એ લોકો ભલે આવી વાતો કર્યા કરે પણ મુસ્લિમોએ ભારતના બંધારણમાં, ભારતની લોકશાહીમાં વિશ્ર્વાસ રાખવો જોઈએ. કૉંગ્રેસ કે બીજા જે પણ લોકો મુસ્લિમોમાં ડર પેદા કરીને મુસ્લિમોનું અહિત કરી રહ્યા છે, ગંદી રાજકીય રમત રમી રહ્યા છે.
આ દેશના તમામ નાગરિકોએ આ ગંદી રમત સામે બોલવું જોઈએ ને મુસ્લિમોને પડખે ઊભા રહેવું જોઈએ. મોદી સરકાર તો વારંવાર સ્પષ્ટતા કરે જ છે તેથી સરકારના પક્ષે કોઈ સ્પષ્ટતાની જરૂર નથી જ રહેતી છતાં કહી દઈએ કે, મોદી સરકાર પણ આ દેશની છે ને મુસ્લિમો પણ આ દેશના છે. મોદી સરકાર એકલા હિંદુઓની સરકાર નથી પણ આ દેશના તમામ નાગરિકોની સરકાર છે ત્યારે એ કોઈ ચોક્કસ વર્ગને અન્યાય કરશે એ વાત વાહિયાત છે. આ દેશમાં મુસ્લિમોને ભડકાવવાની રમત બહુ જૂની છે ને સીએએના બહાને એ રમત પાછી શરૂ થઈ છે તો સમજદાર મુસ્લિમો આગળ આવીને મુસ્લિમોને સમજાવે એ પણ જરૂરી છે.