મોહમ્મદ શમીનું હેલ્થ અપડેટ: 15 દિવસે ટાંકા તૂટ્યા, સર્જરી પછી હવે હાલ કેવા છે?
કોલકાતા: ભારત વતી છેલ્લે નવેમ્બરમાં વન-ડેના વર્લ્ડ કપમાં રમેલો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે પછી જૂનના ટી-20 વર્લ્ડ કપમાં જ પાછો રમતો જોવા મળશે કે શું?
આઇપીએલ-2024માંથી બહાર થઈ ચૂકેલા શમીએ પોતે જ સોશિયલ મીડિયામાં પોતાનું હેલ્થ અપડેટ ફોટોગ્રાફ સાથે બતાડ્યું છે. શમીએ જમણા પગની એડીમાં ઑપરેશન કરાવ્યું છે.
શમીએ ટ્વિટર પર લખ્યું છે, ‘બધાને નમસ્કાર. હું ઑપરેશન પછીની મારી રિકવરી વિશે તમને અપડેટ આપવા માગું છું. મારી સર્જરીને 15 દિવસ થઈ ગયા છે અને થોડા જ દિવસમાં મારા ટાંકા તોડવામાં આવ્યા છે. ઑપરેશન પછી જે પ્રોગ્રેસ થયો છે એ વિશે હું ખૂબ ખુશ છું અને આભારી છું. સારવારમાં હવે પછી મારે શું કરવાનું છે એની સૂચનાની રાહ જોઈ રહ્યો છું.’
શમીએ 26મી ફેબ્રુઆરીએ સર્જરી કરાવી હતી જે સફળ રહી હતી. હાલમાં બીસીસીઆઇની મેડિકલ ટીમ શમીના હેલ્થની બાબતમાં દેખરેખ રાખે છે.
એવું મનાય છે કે શમી બંગલાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝ નહીં તો પછી સીધો ઑસ્ટ્રેલિયામાં રમાનારી શ્રેણીમાં જ રમતો જોવા મળશે. જો પગની ઈજામાંથી પૂર્ણપણે મુક્ત નહીં થાય તો કદાચ સીધો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. છેલ્લે નવેમ્બર, 2023માં વન-ડેના વર્લ્ડ કપમાં તે રમ્યો હતો અને એમાં માત્ર સાત મૅચમાં લીધેલી તેની 24 વિકેટ તમામ બોલર્સમાં હાઈએસ્ટ હતી. 2023ની આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી રમેલા શમીની 28 વિકેટ બધા બોલર્સમાં સૌથી વધુ હતી.