ટેસ્ટમાં ભારતના જ બોલરે બીજા ભારતીય બોલરની નંબર-વનની રૅન્ક આંચકી લીધી
દુબઈ: રવિચન્દ્રન અશ્ર્વિન તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામે પૂરી થયેલી પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણીમાં હાઈએસ્ટ 26 વિકેટ લેવા છતાં ભલે મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ ન જીતી શક્યો, પણ આઇસીસીએ તેને એ શાનદાર પર્ફોર્મન્સ બદલ ઇનામ જરૂર આપ્યું છે. ટેસ્ટના બોલર્સના રૅન્કિંગમાં અશ્ર્વિને ફરી નંબર-વનની રૅન્ક મેળવી લીધી છે. નવાઈની વાત એ છે કે અશ્ર્વિને આ રૅન્ક ભારતીય બોલર પાસેથી જ છીનવી લીધી છે.
જસપ્રીત બુમરાહ થોડા દિવસ માટે નંબર-વનનો ક્રમ સાચવી શક્યો. અશ્ર્વિન હાલમાં સૌથી વધુ 870ના રેટિંગ સાથે અવ્વલ સ્થાને છે, જ્યારે બુમરાહ 847 રેટિંગ સાથે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં રવીન્દ્ર જાડેજા સાતમા ક્રમે છે.
અહીં ખાસ જણાવવાનું કે ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજા નંબર-વન છે તો અશ્ર્વિન નંબર-ટૂ છે.
ટેસ્ટના બૅટિંગમાં ભારતીય બૅટર્સે તગડી છલાંગ લગાવી છે. રોહિત શર્મા પાંચ ક્રમની છલાંગ લગાવીને છઠ્ઠા સ્થાને આવી ગયો છે. યશસ્વી જયસ્વાલ બે ક્રમ આગળ આવીને હવે આઠમા નંબરે છે અને વિરાટ કોહલી જે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં નહોતો રમ્યો છતાં નવમા સ્થાને છે. હા, તે આઠમા પરથી નવમા ક્રમે આવ્યો છે, પણ હજી પણ ટૉપ-ટેનમાં તો છે જ. ટેસ્ટના બૅટર્સમાં કેન વિલિયમસન નંબર-વન, જો રૂટ નંબર-ટૂ અને બાબર આઝમ નંબર-થ્રી છે.
ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓનો સુવર્ણકાળ
ટેસ્ટમાં: નંબર-વન
વન-ડેમાં: નંબર-વન
ટી-20: નંબર-વન
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ: નંબર-વન
ટેસ્ટના બોલર્સ: અશ્ર્વિન નંબર-વન
ટી-20ના બૅટર્સ: સૂર્યકુમાર નંબર-વન
ટેસ્ટના ઑલરાઉન્ડર્સ: જાડેજા નંબર-વન