loksabha સંગ્રામ 2024નેશનલ

LokSabha Election: ભાજપ આજે બીજી યાદી જાહેર કરી શકે, આ રાજ્યોના ઉમેદવારોની જાહેરાત થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી(Loksabha Election 2024)ના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે, એ પહેલા રાજકીય પાર્ટીઓ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છે. એવામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) આજે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે. આ યાદીમાં હાલના કેટલાક સાંસદની ટિકિટ કપાય તેવી શક્યતા છે.

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન આઠ રાજ્યોની લગભગ 99 બેઠક માટે ચર્ચા કરવામાં આવી હતી.


અહેવાલો મુજબ ભાજપ આજે 150થી વધુ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ગયા અઠવાડિયે ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને વધુ સહિત 195 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા.


અહેવાલો મુજબ ગત સોમવારે મળેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને ચંદીગઢની 99 જેટલી બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર કે ભાજપ કર્ણાટકની ઉત્તર કન્નડ બેઠક પરથી સાંસદ અનંત કુમાર હેગડેની ટિકિટ કાપી શકે છે, ભારતીય બંધારણ બદલવા અંગેની તેમની ટિપ્પણીને કારણે થયેલા વિવાદને પગલે તેમને હટાવવામાં આવી શકે છે.


સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકમાંથી મૈસૂરથી પ્રતાપ સિમ્હા, દાવંગેરેથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જીએમ સિદ્ધેશ્વરા, બેલ્લારીથી યારાબાસી દેવેન્દ્રપ્પા, કોપ્પલથી કરાડી સંગન્ના અમરપ્પા અને પૂર્વ રાજ્ય ભાજપ પ્રમુખ અને મેંગલુરુના સાંસદ નલિન કુમાર કાતિલને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. જો કે, હાવેરી-ગડગ બેઠક પરથી પૂર્વ મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈને બીજી યાદીમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસે 43 નામો સહિત તેની બીજી યાદી જાહેર કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button