Nijjar Murder Case: ‘નિજ્જરની હત્યા અંગે કેનેડાના પુરાવા શંકાસ્પદ’, આ દેશે કર્યો મોટો દાવો
નવી દિલ્હી: ગત વર્ષે કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે(Surrey)માં ખાલિસ્તાન મુવમેન્ટના આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Nijjar)ની હત્યા થઇ હતી, જેનો આરોપ કેનેડા(Canada)એ ભારત પર લાગવતા બંને દેશના રાજદ્વારીય સંબંધો વણસ્યા હતા. હવે ન્યુઝીલેન્ડ(New Zealand)ના નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સે નિજ્જરની હત્યામાં કથિત રીતે ભારતનો હાથ હોવાના કેનેડાના દાવા પર શંકા વ્યક્ત કરી છે.
ન્યુઝીલેન્ડ ફાઇવ-આઇઝ ઇન્ટેલિજન્સ એલાયન્સ(Five-Eyes intelligence alliance)નું સભ્ય છે, જેમાં ન્યુઝીલેન્ડ ઉપરાંત યુ.એસ., કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સભ્ય દેશ છે. અહેવાલો મુજબ ફાઇવ-આઇઝને નિજ્જર કેસ અંગે કેનેડા પાસેથી ગુપ્ત માહિતી મળી છે. જો કે, ન્યુઝીલેન્ડના નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સ(Winston Peters)એ એક અખબારને આપેલ ઈન્ટરવ્યું દરમિયાન કેનેડા દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવા અંગે શંકા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે વિન્સ્ટન પીટર્સ હાલ ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેમને આ કેસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું કે તેઓ આ મામલાની દેખરેખ માટે સીધી રીતે સામેલ નથી, અગાઉની સરકારે આ મામલો સંભાળ્યો હતો.
વિન્સ્ટન પીટર્રે કહ્યું કે “ હું ત્યારે પદ પર ન હતો, આ કેસ અગાઉની સરકાર દ્વારા સાંભળવામાં આવ્યો હતો. પરંતુ, કેટલીકવાર ફાઇવ-આઇઝને માહિતી મળે, પરંતુ તમે તેનું મૂલ્ય અથવા ગુણવત્તા જાણતા નથી. ઘણી વાર એ નક્કી કરવું મુશ્કેલ હોય છે કે મળેલી માહિતીનું હકીકતે કંઈ મૂલ્ય હશે કે નહીં.”.
તેમણે કહ્યું કે “એક પ્રશિક્ષિત વકીલ તરીકે, હું પૂછું કે કેસ ક્યાં છે? પુરાવા ક્યાં છે? અત્યારે, અહીં તપાસ ક્યાં પહોંચી? અત્યારે આમાં કોઈ પુરાવા નથી. ”
પહેલીવાર ફાઇવ-આઇઝ પાર્ટનર સભ્ય દેશે નિજ્જર કેસ અંગે કેનેડાના દાવાઓ પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યા છે.
કેનેડામાં રહેતા નિજ્જરને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. 18 જૂન, 2023ની સાંજે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતા જ અજાણ્યા શખ્સોએ નિજ્જરને ગોળી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેમના મૃત્યુ બાદથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણી હોવાના આક્ષેપો કર્યા હતા, જેને ભારતે પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા હતા.
ભારત વિદેશ મંત્રાલએ પણ અગાઉ દાવો કર્યો હતો કે કેનેડા નિજ્જરની હત્યા અંગે કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ હજુ સુધી નિજ્જરની હત્યાના સંબંધમાં શંકાસ્પદોના નામ જાહેર કાર્ય નથી, કે નથી કોઈની ધરપકડ કરી.