ઇન્ટરનેશનલ

ટેક્સિડર્મી: પ્રાણીઓને `જીવંત’ કરતી વૈજ્ઞાનિક કળા

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

બીમાર પ્રાણીઓનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ગુજરાતની ધરતી પર વિકાસ પામી રહ્યું છે ત્યારે નામશેષ થતાં પ્રાણીઓનો ભવિષ્યની પેઢીઓ અભ્યાસ કરી શકે એ માટે ટેક્સિડર્મી કળાનો વિકાસ થવો જરૂરી છે.

આ ટેક્સિડર્મી એટલે એક એવી વૈજ્ઞાનિક કળા જેમાં મૃત પ્રાણીની ખાલમાં રાસાયણિક દ્રવ્યોનો મસાલો ભરીને જીવતાં પ્રાણી જેવો આકાર આપવો તે…

મૂળ ગ્રીક શબ્દાવલિમાં ટૈક્સિ' અનેડર્મી’ એમ બે શબ્દ છે. ટૈક્સિ અને ડર્મી એટલે વ્યવસ્થા કરવી અને ત્વચા….

પ્રાણીઓના ગ્ણાલયમાં અતિ વિશિષ્ટ અને અપ્રાપ્ય પ્રાણી મૃત્યુ પામે તો એના મૃતદેહના બાહ્ય સ્વરૂપને સાચવવા માટે પ્રયાસ થવા જોઈએ.

જ્યારે વિશ્વભરના જાણીતા મ્યુઝિયમ અથવા ભારતમાં રાજા-રજવાડાઓના પેલેસ મ્યુઝિયમની મુલાકાત લઇએ છીએ ત્યારે આપણી નજર સમક્ષ ખૂંખાર પ્રાણીઓના સાચવીને રાખેલાં દેહ જોવા મળે છે. આ પ્રાણીઓ સાથે રાજાએ તેમનો શિકાર ક્યારે કર્યો એની વિગત પણ વાંચવા મળે છે. જ્યારે એ શિકાર થયેલા પ્રાણીને જોઈએ ત્યારે એ એવા આબેહૂબ લાગે કે વાઘ કે દીપડો હમણાં ત્રાડ પાડી ઊઠશે. આ ટેક્સિડર્મીની કમાલ છે
એક અભ્યાસ મુજબ ભારત સહિત વિશ્વની તમામ સંસ્કૃતિ પાસે ટેક્સિડર્મી કળાનું જ્ઞાન હતું. સનાતન ધર્મની પૌરાણિક કથાઓમાં પણ આ કળા વિશે લખવામાં આવ્યું છે. હજારો વર્ષ જૂની આ કળા અસંખ્ય કળાઓની જેમ લુપ્ત થઈ ગઇ. આધુનિક સમયમાં પણ અનેક રાજા-રજવાડાઓના પેલેસમાં અદભુત રીતે પ્રાણીઓના દેહની જાળવણી થઈ હોવા છતાં હાલમાં એ કળા ભારતમાંથી ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે. આ ટેક્સિડર્મી કળામાં મૃત પશુ- પંખીના શરીરમાં ઘાસ કે કેમિકલ ભરીને લાંબો સમય સાચવી રાખવા કે જાડા ચામડાવાળાં પ્રાણીઓના દેહને આકાર આપવો કદાચ સરળ હોઇ શકે, પણ પક્ષીઓ તથા સાપ જેવા સરિસૃપ વર્ગની નાજુક ચામડીઓમાં તેમના દેહને આકાર આપવાનું કાર્ય ભગીરથ મહેનત માગી લે છે. પંખીઓના પીંછા જાળવીને લગાવવા તથા તેમની પાંખોને મૂળ સ્વરૂપે લગાડીને મૂળ સ્વરૂપ આપવાની કળા દાદ માગી લે એવી છે. ભવિષ્યમાં તમે કોઈ પણ મ્યુઝિયમની મુલાકાત લો અને પ્રાણીઓના જતન કરેલા દેહ જોવા મળે તો થોડો સમય એનું અવલોકન જરૂર કરજો.

લુપ્ત થતી પ્રજાતિઓના અભ્યાસ અને ભવિષ્યમાં તેમના અંગે જાણકારી પ્રાપ્ત કરવા આ કળા પ્રચલિત થવી જરૂરી હતી અને હજુ છે. મ્યુઝિયમમાં દીપડા, ચિત્તા, વાઘ, સિંહ કે પક્ષીઓના મૃતદેહોને આ કળા દ્વારા સાચવેલા જોઈએ છીએ, પણ કદી તેના વિશે વિચારતા નથી. આવા નમૂનાની જાળવણી બે રીતે થાય છે : ડ્રાઇ પ્રિઝર્વેશન અને વેટ.

જ્યારે વાઘ અથવા કોઈ પણ પ્રાણીઓની ચામડી પરથી નમૂનો તૈયાર કરવામાં આવે ત્યારે તે પ્રાણીના મૂડ વિશે પણ પૂરતી માહિતી હોવી જરૂરી છે. વાઘ ગુસ્સે થતો હોય ત્યારે તેની પૂંછડીનો આકાર કેવો હોય અથવા હરણ ડરી ગયું હોય ત્યારે તેની આંખોના ભાવ અંગે પણ સચોટ માહિતી હોવી જરૂરી છે. જો વાઘના ચહેરા પર ક્રૂરતા ના દેખાય તો એ પોતાની લાક્ષણિકતા ગુમાવી દે છે. ડરપોક વાઘ જોવાનો કોઇને ગમે નહીં, ખાસ તો દરેક પ્રાણીઓની આંખમાં પણ ભાવ જાગ્રત રાખવો પડતો હોય છે. આખી વાતનો સાર એટલો જ છે કે પ્રાણીઓના મૂડ સાથે શરીરરચના વિશે માહિતી હોવી જરૂરી છે.

આમ તો એવી માન્યતા છે કે ઇજિપ્તના પિરામિડની મમી પણ ટેક્સિડર્મી કળાનો જ ભાગ છે , પણ વૈજ્ઞાનિક આ વાત સ્વીકારતા નથી. વૈજ્ઞાનિકોના મતે ટેક્સિડર્મીનો અભ્યાસ એ શુદ્ધ વિજ્ઞાન છે જ્યારે મમીનો હેતુ ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે. બીજી તરફ,માણસજાત પર ટેક્સિડર્મી કળાના ઉપયોગ પર પ્રતિબંધ છે.

શિકાર પામેલો અથવા મૃત્યુ પામેલા પ્રાણીને ખાસ લેબમાં મુકવામાં આવે છે. આ દરમિયાન અત્યંત કાળજીપૂર્વક શરીરની અંદર રહેલા ઘટકો કાઢી લેવામાં આવે છે. સૌથી વધુ કાળજી પ્રાણીના આંતરડામાં રહેલા કચરાને કાઢી લેવામાં આવે છે, જેથી પ્રાણીનો દેહ કોહવાઈ જતો નથી. એના પેટમાં જે હોય એને કાઢી નાખવામાં ખાસ કાળજી રાખવામાં આવે છે જેથી સેમ્પલ ખરાબ ના થાય, પણ એ પ્રયોગમાં જરા સરખી નિષ્ફળતાથી પ્રાણીના શેપ-આકાર બદલી જવાની સંભાવના રહે છે. પ્રાણીના પેટની ચરબી કાઢીને ફક્ત સોફ્ટ સ્કીન બચાવીને મરીમસાલા ભરીને મૂળ જેવો જ નમૂનો તૈયાર કરવામાં આવે છે. જે પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે એ કેવા દેખાતા હતાં એ ભવિષ્યની પેઢીના અભ્યાસ માટે જરૂરી છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ટેક્સિડર્મી કળાનો પ્રારંભ થયો એ વખતે જે વૈજ્ઞાનિક આવ્યા ત્યારે એમને જ્ઞાતિની બહાર કાઢી મૂકવા સુધીની સજા થઇ હતી.

આપણે વાત કરતાં હતાં ભારતના જાણીતા પેલેસ મ્યુઝિયમની. જે તે સમયના રાજા મહારાજાઓની બહાદુરીનું પ્રમાણ એટલે એમણે કરેલાં શિકાર. રજવાડાના મ્યુઝિયમની મુલાકાત લઇએ ત્યારે શિકાર થયેલા પ્રાણીના નમૂનાઓ જોઇને રાજવીઓની બહાદુરી પર અભિમાન થાય. એ વખતે હરણ , વાઘ હોય કે હાથીના શિકાર જેવાં દેહની ચામડીને હાડકાઓનાં સાંધા સાથે નાની નાની બારીકાઈથી સાચવીને મુકવાની કળા વિશે વિચારીએ તો ખ્યાલ આવે કે બસ્સો – ત્રણસો વર્ષ પહેલાં શિકાર થયેલાં પ્રાણીઓને કેટલી કાળજી સાથે સાચવવામાં આવ્યાં હશે. આ પ્રાણીની ચામડી નીચે દુર્ગંધ ન મારે એવા કેમિકલ ભરીને પેલેસમાં સાચવવામાં આવતાં હતાં.

આમ તો ટેક્સિડર્મી કળા માણસજાતને સમય અને સંજોગોએ શીખવી હતી. શિકાર કરીને જીવતી પ્રજા પ્રાણીઓની ખાલ ઉતારીને સંભાળપૂર્વક જાળવણી કરવા લાગી. પ્રાણીની ચામડીનો ઉપયોગ કપડાં તથા શરીર રક્ષણ માટે જરૂરી હતો. માણસ અનુભવોને આધારે ચામડું સુકવીને લાંબા સમય માટે જાળવતા શીખતો ગયો.

ટેક્સિડર્મી કળા મુશ્કેલ એટલા માટે બની છે કે ભારતમાં શિકાર પર કડક પ્રતિબંધ છે અને આ કળા માટે પ્રાણી- પક્ષીનાં શરીર રચના વિષે પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. શક્ય છે કે ટેક્સિડર્મી કળાના પ્રારંભમાં પ્રાણીઓનાં શરીર ઓરિજિનલ સ્વરૂપે ના પણ હોઇ શકે. કદાચ નાની-મોટી ભૂલ પણ થતી હશે. સમય જતાં રાજા-રજવાડાઓના યોગદાનથી આપણે વિદેશમાં જ્ઞાન આપી શકીએ એટલા પાવરધા થયાં હતાં. કમનસીબે હાલમાં મ્યુઝિયમ સાયન્સમાં ભણાવવામાં આવતા આ ટેક્સિડર્મી વિષય માટે નિષ્ણાત મળતા નથી.
એક અંદાજ મુજબ ભારતની 140 કરોડની જનતામાં ટેક્સિડર્મી કળાના જાણકાર માંડ 10 થી 15 જ વ્યક્તિ છે. અમેરિકા તથા યુરોપના દેશોમાં ધનિકો ઘરમાં શિકારને મુકતા હોવાથી આજે પણ આ કળા લાખો રૂપિયાની કમાણી કરાવે છે ટેક્સિડર્મી ધીરજપૂર્વક કામ કરવાની કળા શીખવે છે. પ્રાણીની ચામડીનાં પ્રત્યેક વળાંકો પણ દર્શાવવામાં સખત મહેનત અને ધીરજ કેળવવી પડે છે.

ભવિષ્યમાં આ કળાનો વિકાસ થશે અને એઆઇ ( AI ) જેવી ટેકનિક મદદ કરશે એ પછી સાવ સાચુકલા લાગે એવાં પ્રાણી આપણી સમક્ષ ઊભાં છે એવું લાગશે. આજકાલ કેટલાક નવા મટિરિયલમાં પણ આ કળાનો વિકાસ થયો છે. ટેક્સિડર્મી કળાથી એક ફાયદો એ પણ થશે કે ભવિષ્યમાં જે પ્રજાતિ નામશેષ થઈ જશે એને મ્યુઝિયમમાં તાદ્રશ્ય જોઇ શકાશે. આ કળા વિકાસ પામ્યા પછી યુરોપ અને અમેરિકામાં કેટલાક મ્યુઝિયમમાં શિકારથી તથા પર્યાવરણની જાળવણીના અભાવે મૃત્યુ પામતાં પ્રાણીઓના દેહોને સંવેદના સાથે માનવજાતની ક્રૂરતા પર મજાક કરતાં નમૂના પણ બનાવવામાં આવ્યા છે. ક્યાંક ઘોડાને ફાંસો આપતા હોય એ રીતે લટકાવવામાં આવ્યો હોય કે પછી વાઘ પર અસંખ્ય બાણનો વરસાદ કરવામાં આવ્યો હોય…. આમ ટેક્સિડર્મી ફક્ત પ્રાણીદેહના જતન કરવાની જ કળા નથી, પણ માનવજાતને ચેતવવાનું પણ કામ કરે છે. આપણે ત્યાં બાળકોને પ્રાણીઓ પરત્વે સંવેદનશીલ કરવામાં આવતાં નથી. આ બાળકોને મ્યુઝિયમમાં રહેલા `જીવતાં’ પ્રાણીના જીવન તરફ ધ્યાન ખેંચવાના પ્રયાસ થતા નથી.

ધ એન્ડ :
સયાજીરાવ ગાયકવાડ થકી કેટલાક સુધારા એવા આવ્યા કે સામાન્ય રીતે સમજવા મુશ્કેલ હોય છે. વડોદરા શહેરની તમામ પોળ અને શેરીને બન્ને છેડે ખુલ્લી કરવામાં આવી. જે પોળમાં ગીરદી થતી હોય ત્યાં ચોગાન બનાવ્યા. જનજીવનના સુધારાના અનુસંધાનમાં વર્ષ 1911માં વડોદરા શહેર ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ બન્યું, જેમાં પ્રોફેસર ગેડીઝની સલાહ મુજબ ટાઉન પ્લાનિંગના સુધારા-વધારા થયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button