સિનિયર સિટિઝનના ખાતામાંથી ૧૨.૪૦ લાખ રૂપિયાની ઉચાપત
૬૪ દિવસ સુધી રોજ ૧૦થી ૨૦ હજાર રૂપિયા ખાતામાંથી વિડ્રો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માટુંગાની પારસી કોલોનીમાં રહેતા સિનિયર સિટિઝનના બૅન્ક ખાતામાંથી ૬૪ દિવસ સુધી દરરોજ ૧૦થી ૨૦ હજાર રૂપિયા કઢાવી ૧૨.૪૦ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અમેરિકામાં રહેતી સિનિયર સિટિઝનની પુત્રીનું ધ્યાન જતાં ભારત આવીને તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અમેરિકામાં રહેતી ફરિયાદી અને તેમના પિતાનું ખાનગી બૅન્કની પ્રભાદેવી શાખામાં જૉઈન્ટ એકાઉન્ટ છે. આ ખાતાનું એટીએમ કાર્ડ પિતા પાસે રહે છે. જરૂરિયાત મુજબ એટીએમ કાર્ડની મદદથી ખાતામાંથી રૂપિયા કઢાવવામાં આવતા હતા. પોલીસ ફરિયાદ અનુસાર ૭ જુલાઈએ ફરિયાદીએ તેનો મેઈલ ચેક કરતાં બૅન્ક દ્વારા રોજ એક મેઈલ મોકલાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું. ૬૪ જેટલા મેઈલ આવ્યા હતા, જેમાં અલગ અલગ એટીએમમાંથી ૧૦થી ૨૦ હજાર રૂપિયા કઢાવવામાં આવ્યા હોવા સંદર્ભેના મેસેજ હતા.