મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’નું કોકડું વણઉકેલાયું, મધ્યસ્થી માટે થર્ડ પાર્ટી આવશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીકમાં છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના ગઠબંધનમાં બેઠકની વહેંચણી લગભગ નક્કી થઇ ગઇ છે. આમ છતાં મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી)નું કોકડું ઉકેલાઈ જાય એમ જણાતું નથી, તેથી મધ્યસ્થી માટે ત્રીજી પાર્ટીની એન્ટ્રી થઈ શકે છે.
જોકે, મહારાષ્ટ્રમાં મહાયુતિમાં બેઠકોની ફાળવણીનો મુદ્દો હજી પણ જ્વલંત છે અને કયો પક્ષ કેટલી બેઠકો ઉપરથી લડશે તે નક્કી થઇ શક્યું નથી ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બેઠકોની ફાળવણી અંગે મહાયુતિમાં દખલ દઇ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નામે જ નેતાઓ ચૂંટણી જીતવાનું વિચારી રહ્યા હોય તો પછી સાથી પક્ષોને વધુ બેઠકો શા માટે ફાળવવી?, તેવો પ્રશ્ર્ન સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપરથી જ જો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ઉમેદવારો સાંસદ તરીકે ચૂંટાઇ આવવાના હોય તો પછી તેમને વધુ બેઠકો ફાળવવાના સ્થાને ભાજપે જ વધુ બેઠકો ઉપરથી લડવું જોઇએ, તેવું સંઘનું માનવું હોવાનું કહેવાય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ મહાયુતિના પક્ષોની બેઠક થઇ જેમાં બેઠકોની ફાળવણી મુદ્દે ચર્ચા થઇ હતી. જોકે, આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રમુખ નેતાએ વાંધો ઉઠાવ્યો હોવાના કારણે બેઠકોની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવાયો નહીં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.