હવે આ શહેરમાં પાલિકાની બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ
સિનિયર સિટિઝનને મફત પ્રવાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકા સંચાલિત બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ તો સિનિયર સિટિઝનને ૧૦૦ ટકા મફત પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ બુધવાર ૧૨ માર્ચ, ૨૦૨૪થી કરવામાં આવવાનો છે.
થાણે મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં પોતાના પરિવહન ઉપક્રમની બસમાં ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને વિનામૂલ્ય અને મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા રાહત આપવાનો નિર્ણય લીધો હતો. તો મહિલાઓ માટે બસમાં ડાબી બાજુના આસનો રિર્ઝવ રાખવામાં આવવાના છે. બુધવારથી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ સુરક્ષિત મહિલા, સક્ષમ મહિલા આ ઝુંબેશ હેઠળ બજેટમાં નાગરિકો માટે જુદી જુદી યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે. તો થાણે પાલિકાના પરિવહન સેવામાં જયેષ્ઠ નાગરિકોને ૧૦૦ ટકા મફત પ્રવાસની સુવિધા અને મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ આપવામાં આવી છે.