આવાસ યોજના ફાળવણીમાં ભ્રષ્ટાચાર મુદ્દે વાતાવરણ ગરમાયું
રાજકોટ: છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજકોટ ખાતે ઝુપડપટ્ટી આવાસ યોજના ફાળવણી મુદ્દે સમાચારમાં છવાયેલું રહ્યું છે. આવાસ યોજના ફાળવણી માં ભ્રષ્ટાચાર થયો છે તેવો કોંગ્રેસનો આક્ષેપ થયા બાદ આજરોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર આપી કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાયો છે.
મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ ના અગ્રણીઓ મહેશ રાજપુત,ડો. હેમાંગ વસાવડા,ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, કોર્પોરેટર વશરામ સાગઠીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, સંજય લાખાણી વિગેરે અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે તપાસના નામે ડીંડક ચલાવી લેવામાં નહીં આવે. પ્રદેશ અગ્રણી અને બક્ષીપંચ મોરચાના નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે ‘બિલાડીને દૂધના રખોપા ના હોય’ એટલે કે જે અલ્પના મિત્રાની ભૂમિકા શંકાસ્પદ છે તેમને જ કમિટીના ચેરમેન બનાવી અને તપાસ કરવામાં આવે તો તેનો રિપોર્ટ શું હોઈ શકે તે સૌ જાણે છે. એટલે તટસ્થ માણસોની, નિષ્ઠાવાન અધિકારીઓની તપાસ કમિટી બનાવવામાં આવે અને અત્યારની વિવાદાસ્પદ કમિટી રદ કરવામાં આવે.
કોર્પોરેશનના અધિકારીઓ તપાસ કરે તો પોતાના માણસોના નામ બહાર ક્યારેય ન આવે. ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખે નાટક કરી અને ચેરમેન પદેથી રાજીનામું લીધું પરંતુ હકીકતે તો તે રાજીનામું કમિશનર સુધી પહોંચવું જોઈએ જે કદાચ હજી સુધી પહોંચ્યું નથી. નિયમ પ્રમાણે કોર્પોરેટર તરીકે જ રાજીનામું લેવું જોઈએ. કારણકે નિયમ અનુસાર કોર્પોરેટર પદ પર આવે ત્યારે કોઈપણ યોજનાનો લાભ મેળવી શકે નહીં. કોઈપણ જાતનો લાભ કોર્પોરેશનમાંથી લઈ ન શકે.કોન્ટ્રાક્ટ પણ લઇ ન શકે.
આમ ઝૂંપડપટ્ટી આવાસ યોજના વિવાદના ફસાઈ છે. અન્ય આવાસ યોજનામાં પણ કોંગ્રેસે તપાસની માગણી કરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ના જણાવ્યા મુજબ સમિતિની રચના થઈ ગઈ છે અને લગભગ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે.તો નિયમ અનુસાર જો કંઈક ક્ષતિ જણાશે તો જવાબદાર સામે જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે તેવી બાહેધારી પ્રેસ અને મીડિયા ને આપી હતી.