આમચી મુંબઈ

મુંબઈગરા માટે ગૂડ ન્યૂઝઃ મહાલક્ષ્મીમાં ન્યૂ યોર્ક જેવો ભવ્ય સેન્ટ્રલ પાર્ક બનાવવાની મંજૂરી

મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સની જગ્યાએ એક થીમ પાર્ક નિર્માણ કરવાના નિર્ણયને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 211 એકરની જમીનમાંથી 120 એકર પર થીમ પાર્કનું નિર્માણ કરવાના સરકારના પ્રસ્તાવ પર વિરોધી પક્ષે વિરોધ કર્યો હતો, પણ હવે શિંદે સરકાર દ્વારા થીમ-પાર્કને મંજૂરી મળતા રેસકોર્સની જમીન પર મુંબઈ મહાપાલિકા (BMC) દ્વારા ભવ્ય થીમ પાર્કનું નિર્માણ કરશે.

ન્યૂ યોર્ક અને લંડન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ભવ્ય સેન્ટ્રલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. મુંબઈની હેરિટેજ સાઇટમાંથી એક મહાલક્ષ્મી રેસકોર્સ પર થીમ પાર્ક બનાવવાના સરકારના નિર્ણયથી રાજકારણ ગરમાયું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ સીએમ શિંદે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આ રેસકોર્સની જમીન પડાવી લેવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો, પણ શિંદે-ભાજપ સરકારે દરેક વિવાદને બાજુમાં રાખી સોમવારે મહાલક્ષ્મી રેસકોર્સની જમીન પર થીમ-પાર્ક બનાવવાના નિર્ણયને મંજૂરી આપી હતી.


સરકાર રેસકોર્સની જમીન પર પાર્ક બનાવવાના નિર્ણય બાદ બીએમસી 91 એકરની જમીન પર રૂ. 100 કરોડનો ખર્ચ કરીને ઘોડા માટે સ્ટેબલ બનાવવામાં આવશે. રેસકોર્સના રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબના 76માંથી 30 સભ્યોએ થીમ પાર્ક બનાવવાના નિર્ણયના પક્ષમાં મતદાન કર્યું હતું.


મહાલક્ષ્મી રેસકોર્સની લીઝ 2013માં સમાપ્ત થઈ ગઈ હતી તે સમયથી આ રેસકોર્સનું ભાડું બીએમસીને મળ્યું નથી, જેથી સરકારના આદેશ પર બીએમસી અને વન વિભાગ દ્વારા નક્કી કરેલા રેટ પર ભાડું વસૂલવામાં આવશે એવી માહિતી અધિકારીએ આપી હતી.


કોસ્ટલ રોડના ઉદ્ઘાટન દરમિયાન સીએમ શિંદેએ કહ્યું હતું કે મહાલક્ષ્મીની આસપાસ 320 એકર જમીન પર પાર્કનું નિર્માણ કરવામાં આવવાનું છે. આ પાર્કને રેસકોર્સની 120 એકર અને 200 એકરની જમીન પર કોસ્ટલ રોડની નીચે બનાવવામાં આવશે, જે મુંબઈને ઑક્સિજન પૂરું પાડવાનું કામ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button