ઉત્સવ

સનાતન ધર્મ સામે દ્રાવિડિયનોને કેમ વાંધો છે?

મોર્નિંગ મ્યૂસિંગ-રાજ ગોસ્વામી

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને નાબૂદ કરવાના કરેલા વિવાદિત બયાન પછી દેશમાં તેના ઉગ્ર પડઘા પડ્યા હતા. સનાતન ધર્મને ઘણીવાર હિન્દુ ધર્મના પર્યાય તરીકે જોવામાં આવે છે. ભાજપના ઘણા નેતાઓએ સ્ટાલિનના બયાન બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉદયનિધિના નિવેદનને “આપણા ધર્મ પર હુમલો ગણાવ્યો હતો.
સંસ્કૃતમાં સનાતન ધર્મનો અર્થ “શાશ્ર્વત ધર્મ અથવા “શાશ્ર્વત વ્યવસ્થા તરીકે થાય છે. સનાતન એટલે જેનો અંત નથી તે, જે શાશ્ર્વત છે તે. પાલીમાં એના માટે ધમ્મો સનાતાનો શબ્દ છે. સનાતન ધર્મનો સંદર્ભ મનુસ્મૃતિ અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. પુરાણશાસ્ત્રી અને લેખક દેવદત્ત પટનાયકે ટ્વિટર પર લખ્યું હતું કે, સનાતન શબ્દનો ઉપયોગ ભગવદ્ ગીતાથી થવા લાગ્યો હતો અને તેનો સંદર્ભ આત્માના જ્ઞાન સાથે છે, જે શાશ્ર્વત છે. કોઈ એમ પણ કહી શકે કે સનાતન એટલે એવો શાશ્ર્વત ધર્મ જે આત્મા અને પુનર્જન્મમાં માને છે.
વૈદિક સાહિત્ય પર અનેક લખાણો લખનારા લેખક મનોજ સિંહા ‘સનાતન ધર્મ’ નામના પુસ્તકમાં એક ડગલું આગળ જઈને કહે છે કે, ઘણા લોકોને ખબર નથી કે સનાતન ધર્મ છે કે સંસ્કૃતિ. એ પહેલાં સંસ્કૃતિ છે. માનવ સભ્યતાની જંગલમાંથી બહાર નીકળવાની શરૂઆત થઇ, ત્યારે તેની આગવી સંસ્કૃતિ, જીવનશૈલી, વિચાર શૈલી છે. કુલ મળીને સંસ્કૃતમાં તેને સંસ્કૃતિ કહે છે. તેમાં ધર્મનો પ્રવેશ પાછળથી થયો હોવો જોઈએ. સનાતનને ધર્મ કહેતાં પહેલાં જીવન શૈલી કહેવી જોઈએ, પણ હા, એવું કહી શકાય કે ધર્મ સનાતન સંસ્કૃતિના મૂળમાં છે.
વૈદિક પરંપરાના અભ્યાસુ શ્રી ધર્મ પ્રવર્તક આચાર્ય પણ ઇન્ટ્રોડક્શન ટુ સનાતન ધર્મ પુસ્તકમાં લખે છે કે, સનાતન ધર્મ માત્ર ધર્મ નથી, એ દિવ્ય સભ્યતા પણ છે.
“હિન્દુ એ પ્રાચીન પર્સિયન લોકો દ્વારા સિંધુ નદીના કાંઠે રહેતા લોકોને આપવામાં આવેલ નામ હતું. તેમની ભાષામાં ‘સા’ અક્ષર ન હોવાથી ‘સિંધુ’ની જગ્યાએ ‘હિન્દુ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોના વસાહતી પ્રભાવને લીધે, હિંદુ સંસ્કૃતિને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવી. આજે હિંદુ ધર્મ નામ બહુ પ્રચલિત છે, પણ હિંદુ ધર્મની સાચી ઓળખ સનાતન ધર્મ છે.
સનાતન એ જીવન પ્રત્યેનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ છે, જે સકારાત્મક નૈતિક ક્રિયાઓમાં મૂર્તિમંત છે. અન્ય ધાર્મિક સંપ્રદાયોમાં, લોકો ભગવાન તરીકે એક જ વ્યક્તિને માનવા અને તેમના ઉપદેશોનું પાલન કરવા માટે બંધાયેલા છે. હિંદુ ધર્મમાં એવું નથી. આપણે ત્યાં અનેક ભગવાનો છે અને અનેક શાસ્ત્રો છે.
વિશ્ર્વના તમામ ધર્મો કોઈને કોઈ વ્યક્તિની વિચારધારામાંથી ઉદ્ભવ્યા છે. ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન ધર્મ, પારસી ધર્મ વગેરે જેવા ધર્મો કોઈને કોઈ પયગમ્બર અથવા દૈવી દૂતોના સંદેશા આધારિત છે. તે ધર્મો સાથે જોડાયેલા સિદ્ધાંત એ દૂતની જીવનશૈલીથી પ્રભાવિત હોય છે. સનાતન ધર્મમાં એવું નથી. એ એક પ્રવાહી વિચારધારા, સરળ જીવન પદ્ધતિ અને નદી જેવી ગહેરી છે. તેનો ન આરંભ છે, ન અંત.
તો પછી ઉદયનિધિ સ્ટાલિનના બયાનથી વિવાદ કેમ થયો? તેના મૂળમાં તેમના શબ્દપ્રયોગો તો હતા જ, એ સાથે જ તેનો એક રાજકીય સંદર્ભ છે. ૧૯મી સદીમાં હિંદુ રૂઢીચુસ્તતા અને સુધારાવાદીઓ વચ્ચે ઊંડા મતભેદો પેદા થયા હતા. ભારતમાં હિંદુત્વ અને જાતિવિરોધી રાજકારણ એકબીજાના વિરોધી રહ્યા છે. હિન્દુત્વ બ્રાહ્મણવાદી અને ભેદભાવપૂર્ણ છે એવી માન્યતા દ્રવિડિયન, આંબેડકરવાદી અને મંડલ પક્ષોમાં ઘર કરી ગયેલી છે.
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, ભાજપે આ અંતરિક વિરોધીતાને સમાપ્ત કરવા માટે રાષ્ટ્રવાદ અને ‘સબ કા વિકાસ’નું ચિંતન વણ્યું છે. ભાજપ એ વાતનું ધ્યાન રાખે છે કે આ વિરોધીતાના કારણે હિન્દુત્વમાં ધ્રુવીકરણ ઊભું ન થાય.
ઉદયનિધિ સ્ટાલિને ૨ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશનની બેઠકને સંબોધિત કરતી વખતે દ્રવિડિયન રાજકારણ અને આદર્શોને ટાંકીને હિંદુ ધર્મની દુષ્ટ પ્રથાઓ પર હુમલો કર્યો. તેમણે કહ્યું, શાશ્ર્વતનો અર્થ શું છે?
શાશ્ર્વત એટલે જેને બદલી ન શકાય તે; કોઈ કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે સનાતને જાતિના આધારે લોકોને વિભાજિત કર્યા છે.
ઉદયનિધિએ આ બયાન દ્વારા વ્યક્ત કરેલા વિચારો આજથી લગભગ ૧૦૦ વર્ષ જૂના છે. એટલે જ તે પોતાના નિવેદન પર અડગ છે. ઉદયે એક ટ્વિટમાં કહ્યું કે હું પેરિયાર અને આંબેડકરના લેખોને કોઈપણ પ્લેટફોર્મ પર રજૂ કરવા માટે તૈયાર છું, જેમાં સમાજ પર સનાતન ધર્મની નકારાત્મક અસર પર સંશોધન કરવામાં આવ્યું છે.
ઉદયનિધિ પાર્ટી ડીએમકે અને વિપક્ષી એડીએમકેની વિચારધારા ઇવી રામાસ્વામી ‘પેરિયાર’ની આસપાસ ફરે છે. આ વિચારધારા દ્રવિડ ચળવળ દ્વારા આવી હતી. પેરિયાર માનતા હતા કે હિંદુ ધર્મનો ફાયદો માત્ર બ્રાહ્મણોને જ થાય છે.
સનાતન અને દ્રવિડ વચ્ચેના વિવાદનું કારણ ભેદભાવ અને અસ્પૃશ્યતા છે. દ્રવિડ ભેદભાવ અને અસ્પૃશ્યતાનો વિરોધ કરવાની પરંપરાને અનુસરે છે. જો કે, આ અસ્પૃશ્યતા અને ભેદભાવનું કેન્દ્ર અને વિરોધ બંને દક્ષિણ ભારત રહ્યું છે.
વર્ષ ૧૯૨૪માં કેરળમાં દલિતોના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી એક મોટું આંદોલન થયું, જેની કમાન પેરિયારે લીધી. તેમણે જ્ઞાતિ અને ધર્મનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. આને દ્રવિડ ચળવળ કહે છે. જેઓ આ ચળવળની વિચારધારા સાથે સહમત છે તેમને જ દ્રવિડ કહેવામાં આવે છે.
આઝાદી પહેલાં અને પછી દક્ષિણ ભારતમાં સામાજિક સુધારણા માટે ઘણાં આંદોલનો થયાં. જેમાં અંધશ્રદ્ધા, કર્મકાંડ, આસ્થા અને પોંગાપંથ પર પ્રહારો કરતા રેશનાલીઝમ અને નાસ્તિકવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તમિલનાડુના શાસક ડીએમકેનાં મૂળિયાં ૧૯૨૫માં પેરિયારની આત્મ-સન્માન ચળવળ સાથે નંખાયા હતાં.
આત્મ-સન્માનની આ ચળવળે જાતિ અને ધર્મનો વિરોધ કર્યો હતો અને પોતાને સામાજિક દૂષણો સામે એક તર્કવાદી ચળવળ તરીકે સ્થાપિત કરી. વર્ષોથી આ આદર્શોએ તમિલનાડુના રાજકારણને પ્રભાવિત કર્યું છે. ડીએમકે અને એઆઈએડીએમકે આ ચળવળમાંથી જ આવી હતી.
આ ઉપરાંત દ્રવિડ અને સનાતનના સંઘર્ષમાં આર્ય સિદ્ધાંતની પણ ભૂમિકા છે. જેમ આર્યો ભારતના વતની હતા કે બહારથી આવ્યા હતા તેને લઈને ઈતિહાસકારો એક મત નથી, તેવી રીતે દ્રવિડિયન ઇતિહાસકારો માને છે કે દ્રવિડ ભારતની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે.
૨૦૧૮માં, તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાનું અવસાન થયું, ત્યારે તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવાના બદલે દફનાવામાં આવ્યો તેનું ઘણાને આશ્ર્ચર્ય થયું હતું. એનું કારણ એ હતું કે તેઓ હિંદુ ધર્મની કોઈપણ બ્રાહ્મણવાદી પરંપરામાં માનતાં નહોતાં. તેમના રાજનૈતિક ગુરુ એમજીઆરને પણ તેમના અવસાન પછી દફન કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button