હરિયાણામાં ભાજપે ફરી ચોંકાવ્યા, નાયબ સિંહ સૈની બન્યા નવા સીએમ
હરિયાણાની રાજનીતિમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. હવે મંગળવારે મોટો રાજકીય વળાંક આવ્યો હતો. રાજ્યમાં બીજેપી-જેજેપી ગઠબંધન તૂટી ગયું હતું અને મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામુ રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું. હવે તેમના સ્થાને નાયબ સૈની નવા મુખ્ય પ્રધાન બનશે. તેઓ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા છે. નવી સરકાર આજે સાંજે 5 વાગ્યે શપથ લેશે.
2019 થી રાજ્યમાં શાસન કરનાર શાસક ભારતીય જનતા પાર્ટી-જનનાયક જનતા પાર્ટી (BJP-JJP) ગઠબંધનમાં તિરાડ પડી હતી અને હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું ગઠબંધન તૂટી ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને મતભેદને કારણે આ ગઠબંધન તૂટી ગયું છે.
નાયબ સૈની વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેજેપીના 4-5 વિધાનસભ્યો અલગ થઈને ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપે તમામ અપક્ષોના સમર્થનના પત્ર પણ લઇ લીધા છે. હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે. ભાજપ પાસે 41, જેજેપીના 10 અને કોંગ્રેસના 30 વિધાન સભ્યો છે. આ સિવાય 7 અપક્ષ વિધાન સભ્ય, 1 હરિયાણા લોકહિત પાર્ટી અને 1 ઈન્ડિયન નેશનલ લોકદળના વિધાન સભ્ય છે.
વિધાનસભામાં બહુમતનો આંકડો 48 છે. 7 અપક્ષ વિધાન સભ્યમાંથી 6 ભાજપ સાથે છે. ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટી પણ ભાજપ સાથે છે. એટલે કે ભાજપ પાસે કુલ 48 ધારાસભ્યોનું સમર્થન છે, જે બહુમતીના આંકડા કરતા વધારે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ લાંબા સમયથી જેજેપીથી અલગ થવા માંગતી હતી પરંતુ દુષ્યંત ચૌટાલા તૈયાર ન હતા. સોમવારે ચૌટાલા નડ્ડાને મળ્યા હતા અને 2 લોકસભા સીટો હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢની માંગણી કરી હતી. જોકે, લોકસભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગઇ હતી. એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે જો બંને પક્ષો સાથે મળીને લડ્યા હોત તો ભાજપ કે જેજેપીને જાટોના વોટ ન મળ્યા હોત, આવી સ્થિતિમાં ભાજપ જેજેપીથી અલગ થવા માંગતી હતી.
અમિત શાહ-જેપી નડ્ડા અને પ્રભારી બિપ્લબ દેબે કહ્યું હતું કે ભાજપ રાજ્યની તમામ દસ બેઠકો પર ચૂંટણી લડશે અને જીતશે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 10 લોકસભા બેઠકો જીતી હતી.