પીએમ મોદીની અરુણાચલની મુલાકાત સામે ચીને નોંધાવ્યો વિરોધ
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી તેમણે અરુણાચલ પ્રદેશમાં 13000 ફૂટની ઊંચાઈ પર આવેલા સેલા ટનલનું ઉદ્ઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ટનલ અરુણાચલ પ્રદેશ જેવા સરહદી રીતે અતિ મહત્વના રાજ્યમાં રોડ કનેક્ટિવિટી પૂરી પાડશે જેને કારણે આ સરહદી વિસ્તારમાં સૈનિકોની અવરજવરનો માર્ગ પણ સરળ બનશે. આ ટનલ આસામના તેજપુરથી અરુણાચલના પશ્ચિમ કામેંગ જિલ્લાને જોડતા રસ્તા પર બનાવવામાં આવી છે. આટલી ઊંચાઈ પર સ્થિત આ વિશ્વની સૌથી લાંબી ડબલ લેન રોડ ટનલ હોવાનું કહેવાય છે.
સેલા ટનલ ભારત માટે અને ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ જેવા સરહદી રાજ્ય માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. જોકે, વડાપ્રધાનની અરુણાચલ મુલાકાતને કારણે ચીનને મરચા લાગ્યા છે અને તેણે ભારત સામે રાજકારી વિરોધ નોંધાવ્યો છે. ચીને જણાવ્યું છે કે ભારતનું આ પગલું સરહદ વિવાદને વધુ જટીલ બનાવશે. આ ઉપરાંત જેને ભારતના આ સરહદી વિસ્તાર પર ફરીથી પોતાનો દાવો પણ રજૂ કર્યો છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “ચીને ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી અને તેનો સખત વિરોધ કરે છે.” તેમણે કહ્યું કે ચીન-ભારત સરહદ વિવાદ હજુ ઉકેલાયો નથી.
ભારતને ચીનના ઝંગનાન વિસ્તારને મનસ્વી રીતે વિકસિત કરવાનો કોઈ અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “ભારત સંબંધિત પગલાંઓ માત્ર (વધુ) સરહદ વિવાદને જટિલ બનાવશે… ચીન ભારત-ચીન સરહદના પૂર્વીય ભાગમાં વડા પ્રધાનની મુલાકાતનો સખત વિરોધ કરે છે…” વાંગે કહ્યું હતું કે અમે આ મુદ્દે ભારત સાથે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે… જોકે ભારતે ચીનની ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે
ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરે છે અને તેણે નિયમિતપણે ભારતીય નેતાઓની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે.
ચીને દલાઇ લામાની અરુણાચલ મુલાકાત સામે પણ વાંધો ઉઠાવ્યો છે જેને આ વિસ્તારનું નામ ઝાંગનાન રાખ્યું છે. ભારતે અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને હંમેશા નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને એ સત્યને કોઈ બદલી શકે નહીં.