ઉત્સવ

આપણને કોઈએ મદદ કરી હોય તો એ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક જૂના મિત્રના મિત્રને મળવાનું થયું. તેણે અલકમલકની વાતો કરી પછી તેણે મારા મિત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવતાં મને કહ્યું કે “આ માણસને પાઠ ભણાવવાનો છે. તેને હું પાડી દેવાનો છું અને આ લડાઈમાં તમારે સત્યના એટલે કે મારા પક્ષે રહેવાનું છે..
મને તેની દયા આવી ગઈ. મેં તેને કહ્યું કે “પહેલી વાત તો એ કે મને નેગેટિવિટી ફેલાવવામાં રસ નથી એટલે કોઈની સાથે રહીને કે કોઈની સામે લડવાનો સવાલ જ નથી. અને તેણે તો તને તારા મુશ્કેલીના સમયમાં મદદ કરી હતી.
તેણે કહ્યું, “હા, તેણે મને મદદ કરી હતી, પરંતુ હમણાં એક જગ્યાએ મારું ટેન્ડર પાસ થવાનું હતું એ તેણે ઓછી રકમ ભરીને પડાવી લીધું!
મેં તેને કહ્યું કે “તું તો તેના કારણે જ કરોડપતિ બન્યો છે. અને આમ પણ તું આ ધંધો ય તેની પાસેથી શીખ્યો છે. તો તારે અહંકાર ન રાખવો જોઈએ. તેણે ભૂતકાળમાં તને જે મદદ કરી હતી, તારા પર ઉપકાર કર્યો હતો એ વાત યાદ રાખવી જોઈએ. આ તો ધંધાની વાત છે કેમ કે તમારો બંનેનો સમાન વ્યવસાય છે. અને તેણે તને મદદ કરી ત્યારે એવું નહોતું વિચાર્યું કે તું હરીફ તરીકે તેની સામે ઊભો થઈશ. એટલે ખરાબ તો તેને લાગવું જોઈએ.
પણ તે મિત્ર પોતાની વાતને વળગી રહ્યો. તેણે કહ્યું કે “હું માનું છું કે એવરીથિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર એન્ડ બિઝનેસ.
મેં તેને કહ્યું કે “જો આ જ વાત હોય અને તું માનતો હોય કે એવરીથિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર એન્ડ બિઝનેસ. તો પછી તેને પાઠ ભણાવવાનો મુદ્દો જ ક્યાં આવે છે? તેં ટેન્ડર ભર્યું એમ તેણે ટેન્ડર ભર્યું અને તેનું ટેન્ડર પાસ થયું!
તેણે ઉશ્કેરાઈને કહ્યું, “સો વાતની એક વાત તેણે મારી સાથે જે કર્યું છે એની તેણે કિંમત ચૂકવવી પડશે. તમે ભલે મને મદદ ન કરો, પણ તેના પક્ષે રહેતા નહીં અને તેને બચાવવાની કોશિશ ન કરશો.
તે ખૂબ ઉશ્કેરાઈને વાત કરી રહ્યો હતો. એટલે મેં તેને શાંત પાડ્યો. એ પછી મેં તેને એક રિયલ લાઈફ સ્ટોરી કહી.
૧૮૯૪ના વર્ષમાં કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં બર્ટ નામના એક વિદ્યાર્થીએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે વિદ્યાર્થી ગરીબ કુટુંબમાંથી આવતો હતો અને તેની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. તે લોકોના કપડાં ધોઈને અને ન્યૂઝપેપર્સનું ઘરે ઘરે વિતરણ કરીને ખર્ચ કાઢતો હતો.
બર્ટે એક વાર અન્ય વિદ્યાર્થીમિત્રો સાથે મળીને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું. એ વખતે વિદ્યાર્થીઓ પાસેથી ફાળો ઉઘરાવીને અને અન્ય રીતે ડોલર્સ એકઠા થઈ જશે એવી ધારણા સાથે તેણે મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેણે એ સમયના નામાંકિત પિયાનો વાદક ઇગ્નેસી જૅન પૅડરેવ્સ્કીને એ કાર્યક્રમ માટે બોલાવ્યા હતા. પૅરેરવ્સ્કી સાથે તેણે ૨૦૦૦ ડોલર ફી નક્કી કરી હતી, પરંતુ એ કાર્યક્રમ હતો એના આગલા દિવસ સુધીમાં બર્ટ માંડ-માંડ ૧૬૦૦ ડોલર તેણે તેના એક મિત્ર રૅ લીમન વિલ્બરને કહ્યું કે “કાલે મારી આબરૂ જશે અને પિયાનોવાદક પૅડરેવ્સ્કીનું અપમાન પણ થશે. મેં તેમને ૨૦૦૦ ડોલર ફી આપવાનું વચન આપ્યું હતું અને એને બદલે માત્ર ૧૬૦૦ ડોલર એકઠા થઈ શક્યા છે. કાલે હું તેમને શું મોઢું બતાવીશ? અને મારું તો જે થાય તે, પરંતુ આવા મહાન પિયાનોવાદકનું મારાથી અનાયાસે અપમાન થઈ જશે. એ વિચાર મને ધ્રુજાવી રહ્યો છે.
તેના મિત્ર રૅ લીમન વિલ્બરે કહ્યું કે “જે થઈ ગયું તે થઈ ગયું. તું તેમની પાસે જા અને જે સત્ય છે એ કહી દે કે અમે વિદ્યાર્થીઓ ભેગા થઈને ૧૬૦૦ ડોલરથી વધુ રકમ ભેગી કરી શક્યા નથી.
એ વખતે બર્ટ સાઈકલ પર ફરતો હતો. તે પોતાના મિત્ર વિલ્બરની વાત માનીને શોના આગલા દિવસે પિયાનોવાદક પૅડરેવ્સ્કીને મળ્યો. તેણે ખૂબ જ ક્ષોભ અને નિરાશા સાથે પૅડરેવ્સ્કીને કહ્યું, “મને માફ કરજો, પણ અમે વિદ્યાર્થીઓ ભેગા થઈને માંડ ૧૬૦૦ ડોલર એકઠા કરી શક્યા છીએ. મને ખબર છે કે ૨૦૦૦ ડોલર નક્કી કર્યા પછી ૧૬૦૦ ડોલર આપવા એ આપના અપમાન સમાન છે, પરંતુ અમે આટલી જ રકમ એકઠી કરી શક્યા છીએ. એટલે હું તમને ૪૦૦ ડોલરનો ચેક આપું છું. હું તમને વચન આપું છું કે થોડા સમયમાં હું તમને બાકીના ૪૦૦ ડોલર ચૂકવી દઈશ. મારા પર એટલો ઉપકાર કરો કે તમે શો કેન્સલ કરતા નહીં, પ્લીઝ.
૧૮૯૬માં એટલે કે આજથી ૧૨૭ વર્ષ અગાઉ ૪૦૦ ડોલર ખૂબ જ મોટી રકમ ગણાતી હતી. પૅરેરવ્સ્કીએ તે વિદ્યાર્થીને પૂછ્યું કે “તું આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબનો છોકરો છે? કારણ કે બાકીના ૪૦૦ ડોલર તું જાતે આપવાની મને ખાતરી આપી રહ્યો છે!
તે વિદ્યાર્થીએ કહ્યું કે “ના, ના, સર. હું તો બહુ જ ગરીબ ઘરનો વિદ્યાર્થી છું અને અમારી આર્થિક સ્થિતિ તો ખૂબ જ ખરાબ છે. હું તો અખબારોનું વિતરણ કરીને અને લોન્ડ્રી ચલાવીને મારો ખર્ચ કાઢું છું, પણ હું તમને પ્રોમિસ આપું છું કે હું કોઈ પણ હિસાબે તમારા બાકીના ડોલર્સ ચૂકવી દઈશ.
પૅડરેવ્સ્કી હસ્યા અને તેમણે તે વિદ્યાર્થીએ આપેલા ચેકના નાના-નાના ટુકડા કરી નાખ્યા. તેમણે તેને ૧૬૦૦ ડોલર પણ પાછા આપ્યા અને કહ્યું કે આની પણ જરૂર નથી! તારી પ્રમાણિકતા, સરળતા અને પારદર્શકતા મને સ્પર્શી ગઈ છે. હું આ કાર્યક્રમ ઉમળકાભેર કરીશ. તું સહેજ પણ ચિંતા ન કરતો.
એ પછી તો વર્ષો વીતી ગયાં અને પૅડરેવ્સ્કી પૉલેન્ડના વડા પ્રધાન બની ગયા. પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછીના એ સમયમાં પૉલેન્ડની હાલત ભયંકર ખરાબ હતી. વિશ્ર્વયુદ્ધને કારણે પૉલેન્ડને આર્થિક રીતે પણ મરણતોલ કહેવાય એવો ફટકો પડ્યો હતો.
પૉલેન્ડમાં ભૂખમરાને કારણે લોકો તરફડી રહ્યા હતા. એ વખતે ફેબ્રુઆરી, ૧૯૧૯ના એક દિવસે પૅડરેવ્સ્કી અત્યંત ચિંતિત ચહેરે પોતાની ઓફિસમાં બેઠા હતા. તેમને એ ચિંતા સતાવી રહી હતી કે કેટલાં વર્ષોથી પૉલેન્ડમાં વ્યવસ્થિત રીતે ખેતરોમાં પાકની ઊપજ પણ થતી નહોતી અને ઉપરથી યુદ્ધને કારણે તબાહી મચી ગઈ હતી. તેમના માટે મોટી મુશ્કેલી એ હતી કે પૉલેન્ડના લોકોને ખવડાવવા માટે અનાજ ક્યાંથી લાવવું.
એ વખતે તેમનો અંગત સહાયક તેમની ચેમ્બરમાં આવ્યો. તેણે કહ્યું, “સર, આપણને મોટી રાહત મળી ગઈ છે. આપણને આપણા લોકો માટે પૂરતા અનાજની ખાતરી મળી ગઈ છે.
પૅડરેવ્સ્કીએ પૂછ્યું “ક્યાંથી?
અંગત સહાયકે કહ્યું, “અમેરિકન રિલીફ એસોસિયેશને આપણા લોકોને અનાજ પૂરું પાડવાની ખાતરી આપી છે. જેમ તેમણે બેલ્જિયમના લોકોને અનાજ પહોંચાડયું છે એ રીતે આપણા લોકોને પણ અનાજ પહોંચાડશે. અમેરિકન સરકારની કમિટી ફોર રિલીફના વડા મિસ્ટર હર્બર્ટ હૂવરને કારણે આ શક્ય બન્યું છે.
પૅડરેવ્સ્કી ગદ્ગદ થઈ ગયા. તેમણે હર્બર્ટ હૂવરને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે “મારે તમને વ્યક્તિગત રીતે મળીને આભાર માનવો છે.
એ પછી એવા સંજોગો ન આવ્યા કે તેઓ હૂવરને રૂબરૂ મળી શકે. એ પછી જાન્યુઆરી ૨૪, ૧૯૨૯ના દિવસે એટલે કે એક દાયકા પછી ફ્રાન્સના પેરિસ શહેરમાં પૅડરેવ્સ્કીને હર્બર્ટ હૂવર સાથે મળવાનું થયું. એ વખતે હર્બર્ટ હૂવર અમેરિકાના પ્રમુખ બની ચૂક્યા હતા.
પૅડરેવ્સ્કી તેમને મળ્યા અને કૃતજ્ઞતાના ભાવ સાથે તેમણે હુવરને કહ્યું કે “તમારો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી એટલી મોટી મદદ તમે મારા દેશને કરી હતી. તમે મારા દેશના વીસ મિલિયન લોકોને ભૂખે મરતા અટકાવ્યા હતા. તમારા દેશના લોકો અમને મદદ આપવાનો વિરોધ કરી રહ્યા હતા છતાં તમે મારા દેશના નાગરિકોને બચાવવા માટે અનાજ પૂરું પાડ્યું હતું.
હૂવરે સ્મિત કરતાં કહ્યું કે “તમારા દેશના લોકો ભૂખથી ટળવળી રહ્યા હતા. એ સમયમાં અમારી પા પૉલિસી અને અમારા લોકોના વિરોધ કરતાં વધુ મહત્ત્વનું તેમને અનાજ મળે એ હતું.
પૅડરેવ્સ્કીની આંખો ભરાઈ આવી તેમણે કહ્યું, “તમે ખૂબ ભલા માણસ છો, મિસ્ટર હૂવર.
હૂવરે સ્મિત કરતા જવાબ આપ્યો: “મિસ્ટર પૅડરેવ્સ્કી, મેં તમારા દેશના લોકોને અનાજ પહોંચાડયું એનાથી તમને આનંદ થયો એથી વધુ મને આનંદ થયો છે. મેં એક રીતે મારું દેવું ચૂકવ્યું છે. તમે સ્ટેનફર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પોતાનું દેવું ચૂકવવાનું હતું.
પૅડરેવ્સ્કીના ચહેરા પર મૂંઝવણના ભાવ આવી ગયા તેમણે કહ્યું કે “હું સમજ્યો નહીં!
“તમે ૧૮૯૬માં જે વિદ્યાર્થીના બે હજાર ડોલર જતા કરી દીધા હતા એ વિદ્યાર્થીનું આખું નામ હર્બર્ટ હૂવર હતું, જે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એ વખતે બર્ટના નામથી ઓળખાતો હતો! હૂવરે ચહેરા પર સ્મિત સાથે કહ્યું.


દોસ્તો, કોઈ વ્યક્તિએ આપણને નાનકડી પણ મદદ કરી હોય તો એ મદદ યાદ રાખવી જોઈએ. આપણે તે વ્યક્તિનું ઋણ ન ચૂકવી શકીએ તો વાંધો નહીં, પરંતુ તેને નુકસાન કરવાનું તો વિચારવું પણ ન જોઈએ.
બાય ધ વે, મારા મિત્ર અને તેના મિત્ર વચ્ચે ફરી વાર અગાઉ જેવા જ ઉષ્માભર્યા સંબંધો સ્થાપિત થઈ ગયા છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button