તરોતાઝા

`સ્વ’

ટૂંકી વાર્તા – ડૉ. નવીન વિભાકર

કૃષ્ણા સમજી ગઈ કે અહીં તેનું રાજ્ય નો’તું. આ તેનું નહીં પણ પૂનમનું `ડોમેઈન’-રાજ્ય હતું. બીજે જ દિવસથી તેણે રસોઈમાં ફેરફાર કરી નાખ્યો. અર્જુન હતો ત્યાં સુધી બપોરની રસોઈ માપસર જ બનાવતી જેથી કશું વધે નહીં

કાર “ટાર્ગેટ” સ્ટોર પાસે આવીને અટકી.
`પાર્કિંગ લોટ’માં સ્વીચ ઓફ કરી, તે કારમાંથી બહાર નીકળી.
પાંસઠ વરસનું તેનું પ્રગલ્ભ સુંદર શરીર, પેન્ટ ને લાંબી બાંયની કુર્તીમાં શોભી રહ્યું હતું. હવાની મંદ લહરીએ આવીને તેના વાળની અલકલટોને કપોલ પર રમતી કરી દીધી. હળવેથી હાથ વાળ પર ફેરવી તે લટો સરખી કરતાં, સ્ટોરમાં પ્રવેશી.

વારેવારે પોતે જ કાર ચલાવી સ્ટોરમાં આવતી તેથી કંઈ નવીન ન લાગ્યું. હવે તે અમેરિકાની રીતભાત, રહનસહનથી પરિચિત થતાં, ટેવાઈ ગઈ હતી. પુત્ર, પુત્રવધૂના પરિવાર સાથે રહેવા છતાં સ્વતંત્રપણે પોતાનું બધું કામ કરતાં થઈ ગઈ હતી. છતાં ક્યાંક કશું ખટકતું હતું તેવું તેને લાગ્યા કરતું.
કાર્ટ લીધી ને તે સ્ટોરની હેલ્થ, બ્યુટી ને પર્સનલ કેર'નીઆઈલ’ તરફ આગળ વધી. કાર્ટને શેલ્ફ પાસે રાખી, તે જોવા લાગી. પોતાના મનપસંદ સાબુની ગોઠવેલી હારમાળા તરફ નજર નાખી ડોવ',ઓલે’, લેવર',ઝેસ્ટ’, વગેરે જોયાં. કોલગેટ',આક્વાફ્રેશ’ ટૂથપેસ્ટ તરફ પણ નજર ગઈ. પોતાનો મનપસંદ સાબુ ઓલે'નોબાર’-ગોટી લેવા જતાં, બીજા સાબુની હારને અડી જતાં, થોડી ગોટીઓ નીચે પડી ગઈ. વાંકા વળી, બધી ગોટીઓ વ્યવસ્થિત રીતે' શેલ્ફમાં ગોઠવવા લાગી. ત્યાં સેલ્સગર્લ આવીને બોલી,મેડમ! યુ ડોન્ટ હેવ ટુ ડુ ધેટ. આઈ વીલ ડુ ઈટ’ કહી તે ગઈ. પણ મનમાં ઉઠેલ પેલો `વ્યવસ્થિત રીતે’ શબ્દથી તેની આંખો આંસુના તોરણ બંધાયાં અને તેમાંથી જાણે કૃષ્ણા ને અર્જુનનો ચહેરો ઊપસતો લાગ્યો……


“અરે રામુકાકા! ઓવારણા લેવા આરતીની થાળી ક્યાં છે? અક્ષતનો કળશ ને કંકુના પગલાં પાડવાની થાળી તૈયાર થઈ ગઈ?” સુલક્ષણાબેનનો અવાજ બંગલામાં ગુંજી ઊઠ્યો. “અરે, નંદિની! ક્યાં છે તું? ભાઈ ને ભાભી આવી જ ગયા સમજ!”

ત્યાં જ અર્જુનનો સશક્ત, ઊંચો, ગૌર દેહ બંગલાના પ્રવેશદ્વારે દેખાયો. પાછળ નાજુક-નમણી વેલ જેવી નવોઢા કૃષ્ણા દેખાઈ. સૌમ્ય લજામણું મુખ હસું હસું થઈ રહ્યું હતું. બન્નેની આરતી ઉતારી, ઓવારણા લઈ સુલક્ષણાબેન બોલ્યાં આવો બેટા! ગૃહલક્ષ્મી થઈ ગૃહપ્રવેશ કરો ને આ અક્ષતના કળશને હળવેથી ઠેસ મારી, અક્ષત રેલાવો.”

કૃષ્ણાએ જમણો પગ ઉપાડ્યો ત્યાં અર્જુનનું મુખ તેના કાન પાસે આવ્યું ને તે બોલ્યો, “વ્યવસ્થિત રીતે’ ઠેસ મારજો. ચોખા દૂર દૂર દડી ન જાય” ઘડીભર તેના મુખને જોઈ કૃષ્ણાએ હળવેથી અળતાવાળા અંગૂઠાથી ઠેસ મારી. “બરાબર!” અર્જુન પાછો બોલ્યો.

“બેટા! હવે આ કંકુવાળી થાળીમાં પગ મૂકી, પગલાં પાડો.” સુલક્ષણાબેન બોલ્યા ને કૃષ્ણાએ જમણો પગ ઉપાડ્યો ને થાળીમાં મૂક્યો, અર્જુન સામે જોઈ, ડાબો પગ પણ મૂક્યો. પછી થાળીથી દીવાનખંડને ખૂણે આવેલા કૃષ્ણમંદિર તરફ પાથરેલા સફેદ કાગળની જાજમ પર મૂકવા જમણો પગ થાળીમાંથી ઉપાડ્યો ને અર્જુન તરફ ફરી ધીમેથી બોલી, “વ્યવસ્થિત રીતે”. અર્જુને પ્રશંસાની ભાવવાહી નજરો નીચી કરી હા'નો સંકેત કર્યો. મંદિર પાસે ગોઠવેલા બંને બાજોઠ પર તેઓ બંને બેઠાં. તેમની આગળ રાખેલા બીજા બાજોઠ પર, ત્રાંસમાં દૂધ, પાણી ને કંકુ નાખી, ત્રાંસ રાખવામાં આવ્યો હતો. કૃષ્ણાએ આરતી ઉતારવા દીવી તરફ હાથ લંબાવ્યો ત્યાં નંદિની બોલી ઊઠી, "હમણાં નહીં ભાભી! હજી એક રસમ બાકી છે. જુઓ! આ ત્રાંસમાં હું આ હીરાની વીંટી નાખીશ. ત્રણ વાર રમવાનું થશે. આકોડા કોડી’ની રમતમાં જે જીતશે તે આ ઘર પર રાજ ચલાવશે. પણ એ માટે એક શર્ત છે. જે જીતે તેણે મને `લાગો’ આપવો પડશે.” અને નંદિની ખડખડાટ હસી પડી.

“લુચ્ચી! જ્યાં હોય ત્યાં તારો લાગો તો હોય જ!” અર્જુને હેતથી કહ્યું. રમત ચાલુ થઈ ને કૃષ્ણા સમજી શકી કે અર્જુને ત્રણે વાર તેને જિતાડી. આરતી ઉતારવા હાથ લાંબો કરી તે વિચારી રહી, `જીવનમાં પણ અર્જુન આવો જ સાથ આપી જીવન જીવવામાં મદદ કરશે?’


હવે તે અલ્લડ છોકરી નો’તી રહી. કોઈના ઘરની કુળવધૂ બનીને આવી હતી. પિયરથી સંસ્કારો લઈ, તે હવે કોઈની પત્ની, ઘરની વહુ, કોઈની ભાભી થઈને આવી હતી. એકાએક કેટલા બધા સંબંધો બંધાઈ ગયા!

સુહાગરાતનો થાક હજી ઊતર્યો નો’તો. છેક મળસકે આંખ લાગી હતી, ત્યાં એલાર્મ વાગ્યું. સવારના સાત વાગી ગયા હતા. ઝડપથી પ્રાત: કર્મથી પરવારી, સ્નાન કરી, નીચે દીવાનખંડમાં ઊતરી આવી. મંદિર પાસે ગઈ. દીવો કરી, ધૂપસળી સળગાવી, પોતાના મંજુલ સ્વરે.’

“ઓમ નમો ભગવતે, વાસુદેવાય, શ્રીકૃષ્ણ શરણમ મમ્”નો શ્લોક ગાઈ રહી. તેનો હલકભર્યો સૂર સાંભળી બધા નીચે આવી ગયા. સુલક્ષણાબેનના હાથમાં પ્રસાદ મૂક્યો તો તેઓ બોલી ઊઠ્યા, “સૂરમાં જેવી મીઠાશ છે બસ તેવી જ મીઠાશ અમારા સૌના જીવનમાં ભરજો.”


અને તે સુલક્ષણાબેન પાસેથી ઘરનું કામકાજ ને સંસાર સંબંધો જાણી ને જાળવવા લાગી. પણ પોતે સોફ્ટવેર કમ્પ્યુટર એંજિનિયર હતી તેથી ક્યારેક કશું ન કરવાનું હોય ત્યારે કંટાળી જતી. ઘરમાં રસોયા, નોકરચાકર હતા. અર્જુન એમ. બી. એ. હતો, પોતાનો બિઝનેસ હતો. તેનું એક નામ હતું. કૃષ્ણાને થતું પોતે શું હતી? તેની સ્વતંત્રતાનું શું! તેના `સ્વ’નું શું? તેની શું પહેચાન હતી? ફક્ત રાજવંશી પરિવારની વહુ જ! અર્જુન રાજવંશની પત્ની? તો કૃષ્ણા કોણ?

કંટાળી તે બપોરે પોતાના શયનગૃહમાં આવતી તેમ આજે પણ આવી. પોતાનું લેપટોપ' ખોલ્યું. પોતાનાફેસબુક’નું એકાઉન્ટ ખોલ્યું ને `વોલ’ પર બહેનપણીઓ ને મિત્રોની વાતો વાંચવા બેઠી. જવાબ લખ્યા, પોતાના વિચારો દર્શાવ્યા. તેની ઉત્કટ ઈચ્છા, અંધ બાળકોના અનાથાશ્રમમાં જઈ કશું કરવાની હતી તે વિશે લખ્યું.

સાંજ પડતાં સરખી રીતે તૈયાર થઈ, લગ્ન પહેલાં પણ અર્જુનને મળતી ત્યારે તે કૃષ્ણાને `વ્યવસ્થિત રીતે’ તૈયાર થયેલી જોવું ગમતું. અર્જુનને સત્કારવા તે દીવાનખંડમાં આવી. અર્જુને તેને જોઈ. તેના મોં પર સ્નેહાળ સ્મિત આવ્યું. બંને શયનગૃહમાં આવ્યા. “અર્જુન! તમે ફ્રેશ થઈ જાઓ. ડિનર ટેબલ પર પીરસાવું.”

“તેં મને તમે કહ્યું?” અર્જુન આશ્ચર્યથી બોલ્યો.
“તમે હવે મારા પતિ છો ને?” મરકમરક હસતાં તેં બોલી.
“પણ તેથી તારો મિત્ર થોડો મટી ગયો છું?”
“પણ મારે હવે તને માંથી તમે કહેવાની ટેવ પાડવી પડશેને! હું હવે કંઈ થોડી છોકરી, તારી ગર્લફ્રેન્ડ' રહી છું?” "અરે હા! તને એગર્લફ્રેન્ડ’ની યાદ અપાવવા કહું કે કાલે રવિવાર છે. આપણે બંને બહાર જમશું. “ભલે! પણ મમ્મીને કહી દેજો.”
ડાઈનિંગ રૂમમાં જમતાં જમતાં અર્જુને સુલક્ષણાબેનને કહ્યું, “મમ્મી! કાલે રવિવાર છે. અમે બપોરનું લન્ચ બહાર લઈશું.”
“ભલે! અત્યારે ડિનર, પછી…”
“હા, મમ્મી! હું ને કૃષ્ણા લોન્ગ ડ્રાઈવ' પર જશું.” મુંબઈના મરીનડ્રાઈવની ચળકતી બત્તીઓ કૃષ્ણા જોઈ રહી. શું નો'તું તેના જીવનમાં? સ્નેહાળ પતિ, મા જેવી સાસુ, મીઠડી નણંદ, બંગલો, નોકરચાકર ને વૈભવ! કૃષ્ણા વિચારી રહી. છતાં કશુંક ખૂટે છે તેમ તેને લાગ્યા કરતું. શું ખૂટતું હતું પોતાનુંસ્વ’?
ત્યાં અર્જુન બોલ્યો, “કૃષ્ણા! તારા ફેસબુક'ની વોલ પર તારા સતકર્મના વિચારો વાંચ્યા.” "અરે! તમે કેવી રીતે વાંચ્યા?” "જો! એકલા હોઈએ ત્યારે તમે નહીં કહેવાનુંતું’ જ કહેવાનું. લગ્ન થયા તેથી તું માંથી તમે થઈ ગયો? લગ્ન પહેલાં આપણે મિત્રો હતા. ફેસબુકમાંથી મિત્રો થતાં, જ તું મને મળીને? આપણે તેથી એક થયા મિત્રો ફેસબુક'નીવોલ’ પરથી એકબીજાનાં લખાણો વાંચે જ ને! પણ મને તારા એ વિચારો ગમ્યા.”


રવિવારે ફાઈવસ્ટાર- પંચતારક હોટેલમાં ભોજન લઈ, ઘરે જતાં અર્જુને કાર બીજે રસ્તે વાળી.
“અરે, અર્જુન! ઘરે નથી જવું? કાર તેં ક્યાં લીધી?”
” `સરપ્રાઈઝ’ છે.”
કાર અંધજન અનાથાશ્રમ પાસે આવી અટકી. કૃષ્ણાને સુખદ આંચકો લાગ્યો. બંને અંદર ગયા. મેનેજરને અર્જુને ફોન કરી દીધો હોવાથી, સત્કાર થયો. હોલમાં બધાં અંધ બાળકો બેઠાં હતાં. “ગુડ આફટરનૂન, કૃષ્ણા આંટી, અર્જુન અંકલ!”

કૃષ્ણા પ્રશંસા ને સ્નેહથી અર્જુન સામે જોઈ રહી. અર્જુને લાંબો હાથ કરી કૃષ્ણાને તેનું સ્થાન બતાવ્યું. ત્યાં એક બાળક બોલી ઊઠ્યો, “આંટી! શું વાંચી સંભળાવશો?”
“તમારે શું સાંભળવું છે?”
“આંટી! તમારું નામ કૃષ્ણા છે ને? કૃષ્ણ વિશે કંઈ વાંચી સંભળાવો” અને કૃષ્ણા બાળકોમાં એવી તલ્લીન થઈ ગઈ કે સમય ક્યાં જતો રહ્યો તેનો ખ્યાલ પણ ન રહ્યો. અર્જુને એ નોંધ્યું.


ઘરે પાછા ફરતાં કૃષ્ણાએ અર્જુનને કહ્યું, “થેન્કયુ અર્જુન!”
“કૃષ્ણા! બાળકો ખૂબ ગમે?”
“અર્જુન! દરેક સ્ત્રીને મા થવું તો ગમે જ ને!”
અને વર્ષમાં તો સોહામણા દક્ષનો જન્મ થયો. ત્યાં સુધી કૃષ્ણાએ અર્જુનના બિઝનેસમાં મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તો બોલી, “અર્જુન! દક્ષ મોટો ન થાય ત્યાં સુધી તને મદદ નહીં કરી શકું.” “પણ ઘરેથી કોમ્પ્યુટર પરથી તો કામ થઈ શકેને? તારા `સ્વ’ને ઓગાળી નાખવાની જરૂર નથી સમજી?”
અને કૃષ્ણાએ મા ને પત્ની બની પોતાનું સ્વ જાળવી રાખ્યું. દક્ષનો પહેલો જન્મદિન આવ્યો ને સુલક્ષણાબહેને ધામધૂમ ઉપાડી. ઘર આખું શણગારાઈ ગયું. સગાવહાલાં, મિત્રોને આમંત્રણ અપાઈ ગયા. સાંજે ડિનર લેતા સુલક્ષણાબહેન બોલ્યા, “અર્જુન, કૃષ્ણા! બધાને બોલાવ્યા પણ દક્ષનો તો કોઈ મિત્ર હજી ન હોય, તો શું કરશું?”
“મમ્મી! દક્ષના મિત્રોને આમંત્રણ અપાઈ ગયા છે. ચિંતા ન કરશો.”
“કોણ છે વળી દક્ષના મિત્રો?” સુલક્ષણાબહેન આ સાંભળી આભા બની ગયાં હતાં.
“કાલે પાર્ટીમાં બધા આવી જશે, મમ્મી!”


મહેમાનો બધા આવવા લાગ્યા. પાર્ટીનો રંગ જમવા લાગ્યો. ત્યાં સુલક્ષણાબહેન બોલ્યા, “બેટા! હવે કેક' કાપીશું?” "મમ્મી! હજી દક્ષના મિત્રો આવ્યા નથી.” અને દરવાજે એક બેન આવીને ઊભી રહી. તેમાંથી અંધજન અનાથાશ્રમના દસ અંધ બાળકો અંદર આવ્યાં. માઈક પર બધાના નામ બોલી, તેમનો સત્કાર કરવામાં આવ્યો. બાળકો પોતાના નામ સાંભળતાં ખુશ થઈ થયાં. આવો સત્કાર કોઈએ હજી સુધી તેમનો કર્યો નો'તો. કૃષ્ણાએ બધાને તેમની ભેટોનીપીગી બેગ્ઝ’ને એક ટેડી બેર આપ્યા. બાળકોના તો આનંદનો કોઈ પાર ન રહ્યો.
મહેમાનો પણ આ નવતર પ્રયોગથી આનંદ પામ્યા ને બધાને આશ્ચર્ય પણ થયું. અર્જુન ને કૃષ્ણાએ અંધ બાળકો પાસે કેક કપાવી `હેપ્પી બર્થ ડે’ ગીત ગવડાવ્યું. અંધ બાળકોએ મહેમાનોને કેકના ટુકડા પીરસ્યા.


સમયના વહેણ થોડા થંભે છે?
દક્ષ મોટો થઈ ગયો. અમેરિકા આગળ અભ્યાસ માટે ગયો. એમ. બી.એ. થયો. ત્યાંની મોટી કંપનીમાં કામ મળી ગયું. તેની હોશિયારી જોઈ, કંપનીએ તેને `ગ્રીન કાર્ડ’ પણ મેળવી દીધું. એ દરમિયાન તેના પરિચયમાં આવેલી ભારતીય છોકરી પૂનમ સાથે તેના લગ્ન મુંબઈમાં ધામધૂમથી કૃષ્ણા ને અર્જુને કરાવ્યા ને દક્ષ તથા પૂનમ અમેરિકા પાછા આવ્યા.
કૃષ્ણા હવે સમયના વહેણ સાથે અર્જુનના બિઝનેસમાં જોડાઈ. બિઝનેસનો વિસ્તાર થવા લાગ્યો. સમયના વહેણ સાથે સુલક્ષણાબહેન પણ દક્ષ પહેલાં નંદિનીને પરણાવી વિદાય થઈ ગયા હતા.
કૃષ્ણાને અર્જુનનો સાથ હતો, પણ ઘર જાણે ખાલી થઈ ગયું હતું. ત્યાં જ દક્ષનો ફોન આવ્યો, “મમ્મી! તારે હવે થોડો વખત અહીં આવવું પડશે.” તેના સ્વરમાં ખુશી છલકાતી જોઈ કૃષ્ણા સમજી ગઈ કે તે હવે દાદીમા થવાની હતી. તેણે અર્જુનને કહ્યું, “અર્જુન હું એકલી જાઉં એના કરતાં તમે પણ સાથે ચાલો. દીકરાનો પરિવાર ને અમેરિકાનું વાતાવરણ પણ જોઈ લ્યો તો?”
“કૃષ્ણા! ફરવા માટે ઠીક છે પણ ત્યાં રહેવા…”
“ના, ના! તમે ફરીને આવી જજો. હું પૂનમના બાળકના જન્મ પછી પાછી આવી જઈશ.”


બન્ને અમેરિકા આવ્યા.
દક્ષને સારી નોકરી હતી. પૂનમ પણ કામ કરતી હતી. ફુલટાઈમ રસોયા કે નોકરો અમેરિકામાં પાલવે નહીં. બંને કામે જવા સવારે નીકળી જતાં. સાંજે આવી પોતે પતિ પત્નીને બધી રીતે મદદ કરે. ઘરમાં ડીશવૉશર, લોન્ડ્રી મશીન, હુવર વગેરે બધું જ હોય. શનિવારમાં એ બધાં ઘરકામ કરી નાખવાના હોય.


કૃષ્ણાને સવારે નાસ્તો કરવાનો રહેતો. ટોસ્ટ ને ચા. ગરમ ગરમ પૂરીઓ કરવાનો કે ખાવાની કોઈને ફુરસદ હોય નહીં. કૃષ્ણાએ બપોરના પોતાના ને અર્જુન માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી. પણ ત્રણેસ દિવસ પછી પૂનમે કહ્યું, “મમ્મી! અહીં બપોરે કોઈ જમે નહીં. બાઈટિંગ' જ લે. તમે છો તો રસોઈ બનાવો છો. વધે તે ફેંકી દેવું પડે. નાહકનો ખર્ચો વધે.” કૃષ્ણા સમજી ગઈ કે અહીં તેનું રાજ્ય નો'તું. આ તેનું નહીં પણ પૂનમનુંડોમેઈન’-રાજ્ય હતું. બીજે જ દિવસથી તેણે રસોઈમાં ફેરફાર કરી નાખ્યો. અર્જુન હતો ત્યાં સુધી બપોરની રસોઈ માપસર જ બનાવતી જેથી કશું વધે નહીં. તે સમજી ગઈ કે અહીં અમેરિકામાં પુત્રના પરિવાર સાથે રહેવું હોય તો જીવન ને વ્યવહાર બંને સાથે સમજૂતી કરવી પડશે. અર્જુન રસોઈના તફાવતથી બધુ' સમજી ગયો હતો. દક્ષે ગઈ કાલે સાંજે જમતી વખતે કહેલું, "મમ્મી! પપ્પા! હવે આ ઉંમરે મુંબઈનો વ્યાપાર સંકેલવા માંડો. અમારી સાથે રહેવા આવી જાઓ. આમેય પૂનમને બાળક આવશે ત્યારે તમારી જરૂર તો પડશે જ ને!” બીજે દિવસે બપોરેબાઇટિંગ’મા, ફક્ત સેન્ડવિચ ખાતાં અર્જુન બોલ્યો,”કૃષ્ણા! દક્ષની વાતો પર કંઈ વિચાર કર્યો?”


“હા!, અર્જુન! તેના જરૂર પડશે' શબ્દો પર પણ ખૂબ વિચાર કર્યો. "ગમશે તને અહીં રહેવું? તારી સ્વતંતા ખોઈ, તારુંસ્વ’ ઓગાળી તેઓની જરૂરિયાતો માટે તારા જીવન સાથે સમજૂતી કરી શકીશ?”
“કેમ એમ કહો છો? આવીએ તો બંને સાથે જ આવીએ ને? પણ તમારી વાતો વિચાર કરવા જેવી તો છે જ. તમે?”
“જો! હું મુંબઇ છોડી ક્યાંય ગોઠવાઇ ન શકું અને તને પણ સલાહ આપું છું. તારું સ્વ' છોડી આ ઉંમરે હવે કંઈ બાળોતિયા બદલવા અહીં રહેવા આવવાની જરૂર નથી. આપણે આપણો પુત્ર મોટો કર્યો. હવે તેઓ તેના બાળકની જવાબદારી ઉઠાવે. તારોઉપયોગ’ કરે તે મને ન ગમે.”
અર્જુન પાછો ગયો ને કૃષ્ણાને વિચાર કરતી મૂકતો ગયો. પૂનમને પુત્ર જન્મ્યો. પૌત્રનું મુખ જોઈ કૃષ્ણા અધિક આનંદ પામી. અર્જુન પણ એ સમાચારે ખુશ થયો. પૂનમે ત્રણ મહિનાની મેટરનિટી લીવ' લીધેલી. દક્ષને પણ મહિનાનીપેટરનિટી લીવ’ મળી. તેથી કૃષ્ણા મુંબઈ પાછી ફરી. અને નીજી જીવનમાં ગોઠવાઈ ગઈ.


દક્ષ ને પૂનમની લીવ' પૂરી થતાં કૃષ્ણાને બોલાવતા રહ્યા પણ અર્જુનને એકલો છોડી તે અમેરિકા જવા તૈયાર નો'તી. ત્યાં એક સાંજે તેઓ ઓફિસેથી ઘરે આવ્યા. કૃષ્ણા ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. શાવર લેવા સાબુ માટે હાથ લંબાવ્યો પણ રોજ સ્નાન કરતાં, સાબુ પાણીથી ઓગળી નહીંવત્‌‍ બની ગયો હતો.કાલે બીજો મંગાવી લઈશ’ એમ વિચાર્યું ત્યાં અર્જુનની ચીસ સાંભળી “કૃષ્ણા?” પલંગ પર છાતી પર હાથ ભીંસી અર્જુન બેઠો હતો. તેના મોં પર વેદના લીંપાઈ હતી. કૃષ્ણાએ તાબડતોબ ડૉક્ટરને બોલાવ્યા. કાર્ડિયોગ્રામ કઢાવ્યો ને હાર્ટ એટેક'નું નિદાન થયું. હોસ્પિટલમાં દાખલ કરાયો. દક્ષને ફોન કરાયો. બાળક નાનું હોવાથી પૂનમ ન આવી શકી પણ દક્ષ આવી ગયો. ત્રણેક દિવસ જીવન સામે ઝઝૂમી અર્જુન કૃષ્ણાને ભરી દુનિયામાં એકલી છોડી ચાલ્યો ગયો. અઠવાડિયા પછી દક્ષ બોલ્યો, "મમ્મી! તમે હવે એકલા છો. પાંસઠે પહોંચ્યા. મારી પાસે આવતા રહો. તમને બોલાવવાની વિધિ પતતા છ મહિના લાગશે. અહીં હવે બધું સંકેલવા માંડો. દક્ષ તો ગયો. અર્જુન વગર કૃષ્ણા એકલી થઇ ગઇ. પૌત્રના મોહે, દક્ષની વાતો માની, છ મહિના પછી અમેરિકા આવી ગઇ. તે જાણતી હતી કે જેમ સાબુની ગોટી પાણીમાં ઓગળી જાય તેમ તેનાસ્વ’ને ઓગાળી, હવે જીવન સાથે સમજૂતી કરવાની હતી. અર્જુન જતાં હૃદયને જે ધક્કો લાગેલો તેનાથી હતાશા ઊપજવા લાગી હતી. તેથી ધીમે ધીમે ઘર ને પૌત્રને સંભાળવાના કામે લાગી ગઇ. સૂક્ષ્મ રીતે પૂનમે જ એ બોજો તેના પર નાખી દીધો હતો.

શિક્ષિત હોવાથી ફટાફટ કાર ચલાવતા શીખી લીધું. ઘરની ને જીવન જરૂરિયાતની ચીજો લાવવા ને નિર્ભર થઇ ગઇ હતી. છતાંય એક સૂક્ષ્મ હતાશાથી ક્યાંક કશું ખૂટતું તેને લાગતું હતું. પૌત્ર હવે ડેકેર'માં જવા લાગ્યો. પાછી તે એકલી પડી ગઇ. નહાવા જતાં સાબુની ગોટી ઓગળી ગઇ હતી. બીજી નો'તી. તેથી તૈયાર થઇટાર્ગેટ’ સ્ટોર જવા નીકળી…
ૄ ૄ ૄ
“મેમ! યુ આર સ્ટીલ હીયર? કે આઇ હેલ્પ યુ?” સેલ્સગર્લનો અવાજ આંભળી તે ચમકી. અતીતમાંથી પાછી ફરી સાબુ લઈ કાઉન્ટર પર બિલ ચૂકવી ઘરે આવી ફરી પણ આજે મન બહુ મુંઝાતું હતું. અર્જુન બહુ યાદ આવતો હતો. પૌત્રે સ્કૂલેથી આવી પૂછ્યું પણ ખરું. “બા! કેમ આજે શાંત છો?” પણ શું કહે?
સંધ્યા આવી. બધા ઘરે આવ્યા. પૂનમે જોયું કે મમ્મીએ આજે કશું બનાવ્યું નથી. કૃષ્ણા તેના રૂમમાં નો’તી. પૌત્રે કહ્યું, “બા, મંદિરમાં છે.”


મન મુંઝાતું હતું તેથી કૃષ્ણા ઘરમાં તેણે શ્રીકૃષ્ણનું નાનું મંદિર ગોઠવ્યું હતું ત્યાં આવી. બેઠી. દીવો કર્યો. અગરબત્તી સળગાવી. એક સુંદર સુગંધ પ્રસરી ગઈ. કૃષ્ણાએ અર્જુનના ફોટા સામે જોયું. “એકલો, મને મઝધારે છોડીને ચાલ્યો ગયો ને? હવે તને એકલો નહીં છોડું. જીવનભર તેં સાથ આપ્યો, તો એકલો રહીશ તે ક્યાંથી ચાલશે?” તેના વિચારો આંખમાંથી અશ્રુરૂપે સર્યા. તેણે જાપ ઉપાડ્યા. “ઓમ નમો ભગવતે, વાસુદેવાય, શ્રીકૃષ્ણ શરણમ મમ્!”
મન અર્જુનમાં સંક્રાંત થવા લાગ્યું. અશ્રુઓમાંથી હતાશા નીતરી ગઇ. ઘંટડી વગાડતો હાથ ધીમો પડવા લાગ્યો. જાપ બોલતો સ્વર પણ વચ્ચે વચ્ચે થંભતો હતો.

દક્ષ, પૂનમ ને પૌત્ર મંદિર પાસે આવ્યા ને ત્યાંનું દૃશ્ય જોઈ થંભી ગયા. કૃષ્ણાનું સ્વ' ઓગળવા લાગ્યું હતું. તે શ્રીકૃષ્ણમય બની ગઇ હતી. સાબુની ગોટી જેમ પાણીમાં વિલીન થઈ જાય તેમ કૃષ્ણાનો આત્મા અર્જુનના આત્મામાં વિલીન થઈ ગયો. છેલ્લા શબ્દ,શ્રીકૃષ્ણ શરણમ મમ્’ બોલતાં ત્યાંનું વાતાવરણ તેજોમય બની ગયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button