વિલિયમસન, સાઉધીની 100મી મૅચનું સેલિબ્રેશન બગડ્યું: ઑસ્ટ્રેલિયાએવ્હાઇટ-વૉશ કર્યો
ક્રાઇસ્ટચર્ચ: ઑસ્ટ્રેલિયાએ સોમવારે અહીં ન્યૂ ઝીલૅન્ડને બીજી અને છેલ્લી ટેસ્ટમાં પણ હરાવી દઈને એનો 2-0થી વ્હાઇટ-વૉશ કરી નાખ્યો હતો.
કેન વિલિયમસન અને કૅપ્ટન ટિમ સાઉધીની આ 100મી ટેસ્ટ હતી જે જીતીને ન્યૂ ઝીલૅન્ડની ટીમ તેમને વિજયી ભેટ આપવા માગતી હતી, પરંતુ મિચલ માર્શ (102 બૉલમાં 80 રન) અને વિકેટકીપર ઍલેક્સ કૅરી (123 બૉલમાં 98 અણનમ)ની જોડીએ બધી બાજી બગાડી દીધી હતી.
માર્શ અને કૅરી વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 140 રનની ભાગીદારી થઈ હતી.
કાંગારૂઓએ 279 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો. ન્યૂ ઝીલૅન્ડે દિવસની રમતની શરૂઆતમાં છ વિકેટ લેવાની બાકી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયાએ 202 રન બનાવવાના હતા.
બેન સીઅર્સ (ચાર વિકેટ) તથા મૅટ હેન્રી (બે વિકેટ)ના તરખાટ સામે માર્શ-કૅરી ઝૂક્યા નહોતા અને ઑસ્ટ્રેલિયાને જિતાડીને રહ્યા હતા. મૅચને અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટે 281 રન હતો.
ઍલેક્સ કૅરીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. જોકે ન્યૂ ઝીલૅન્ડને મૅટ હેન્રીના મૅન ઑફ ધ સિરીઝના અવૉર્ડના રૂપમાં આશ્ર્વાસન ઇનામ મળ્યું હતું.