નાગપુરથી પરત ફરતી મિનિબસ પર અજાણ્યા હુમલાખોરોનો ગોળીબારઃ ચાર ઘાયલ
અમરાવતી: શેગાંવના શ્રી સંત ગજાનન મહારાજની સમાધિના દર્શન કરીને નાગપુર પરત ફરી રહેલા નાગરિકોની ખાનગી પેસેન્જર મિનિબસ પર બોલેરોના અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરતાં ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રવિવારે મધરાતે અમરાવતી-નાગપુર નેશનલ હાઈવે પર શિવણગાંવ નજીક બની હતી.
રવિવારે નાગપુરના રહેવાસીઓ ૧૭ સીટર ટેમ્પો ટ્રાવેલરમાં શેગાંવ ગયા હતા. સાંજે શેગાંવથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે નાગપુર તરફથી આવી રહેલી બોલેરો ગાડીએ શિવનગાંવ અને ટોલનાકા વચ્ચે વળાંક લઈ પ્રવાસીઓના વાહનનો પીછો કર્યો. થોડીવાર પછી બોલેરો ગાડી સામે આવી અને આ વાહનમાં સવાર હુમલાખોરોએ ટેમ્પો ટ્રાવેલર પર ફાયરિંગ શરૂ કર્યું. ડ્રાઈવર ખોમદેવ કવડેના હાથમાં ગોળી વાગી હતી અને તેને ઈજા થઈ હતી. હુમલામાં ડ્રાઇવર સહિત અન્ય ચાર ઘાયલ થયા હતા.
ગોળીબાર કર્યા પછી, હુમલાખોરો તેમનું વાહન ફેરવીને મોર્શી તરફ ભાગી ગયા. ટેમ્પો ટ્રાવેલરના ઇજાગ્રસ્ત ચાલકે રોડ પર ક્યાંય રોકાયા વિના વાહન સીધું તિવસા પોલીસ સ્ટેશને લાવી ઘટનાની પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જઈ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ હુમલા લૂંટના ઈરાદાથી થયો હતો કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.